કવિ વાર્તાકાર, સંગીતરસિક, અધ્યાપક પુરુરાજ જોષીની ચિરવિદાય

Tuesday 19th January 2021 15:49 EST
 
 

ગુજરાતમાં કવિ, વાર્તાકાર, વિવેચક અને સંગીતરસિક તરીકે સુખ્યાત શ્રી પુરુરાજ જોષી જેઓ સાવલી (જિ. વડોદરા) કોલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થી - વત્સલ અધ્યાપક હતા તેમનું તાજેતરમાં ૧૨મી ડિસેમ્બર ૨૦૨૦ની સવારે છ વાગ્યે ટૂંકી માંદગી બાદ તેમની કર્મભૂમિ સાવલીમાં દુઃખદ મૃત્યુ થયું છે. તેમનો જન્મ ૧૪મી ડિસેમ્બર, ૧૯૩૮ના રોજ નડિયાદમાં થયો હતો.

સાવલીની બી.કે.પટેલ આર્ટ્સ અને શ્રીમતી એલ.એમ.પટેલ કોમર્સ કોલેજના અનેકવિધ કાર્યક્રમોમાં પુરુરાજ જોષી સતત સક્રિય રહ્યા છે. બી.કે.પટેલ એ રશ્મિબહેન અમીનના દાદાજી થાય છે. આ કોલેજમાં પુરુરાજ જોષીએ વિવિધ વિષયના વિદ્વાનોનાં વ્યાખ્યાનો, પરિસંવાદો, કવિસંમેલનો, યુવામહોત્સવોનાં ઉત્તમ આયોજનો અધ્યાપકોને સાથે રાખી કર્યાં છે.

પ્રા. પુરુરાજ જોષીને તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘સોનેરી માછલીઓનો સળવળાટ’ની વાર્તાઓથી વિવેચકોની સ્વીકૃતિ સાથે ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘માયાવિની’ ૧૯૯૪માં પ્રગટ થયો.

જેમાંની ‘ઘાસ’, ‘અંતરાલ’, ‘અનન્તપથ’, પગલાં’, ‘ઘરવટો’ વગેરે વાર્તાઓને રસજ્ઞ ભાવકોએ વખાણી છે. તેઓ 'જિજ્ઞાસુની ડાયરી'ના ચિત્રકાર, ‘મનના મેઘધનુષ'ના નવલકથાકાર, ‘ગોવર્ધન પ્રતિભા'ના સંપાદક અને 'સાક્ષાત'ના વિવેચક હતા.

‘નક્ષત્ર’ નામના પ્રથમ કાવ્યસંગ્રહની ગઝલો, ગીતોમાંથી બે-ત્રણ ઉદાહરણો લંડનના સાહિત્યપ્રેમીઓને ગમશે એવી આશા છે.

*મારું હતું શું નામ, મને કોઈ તો કહો-

એ પણ ભૂલી ગયો છું હું, તમને મળ્યા પછી.

*સાંકડે મારગ મદોન્મત હાથણી સામે ખડો;

કાં છૂંદી નાખે મને, કાં મસ્તકે ઢોલે કળશ.

*લ્હેરતાં’તાં લીલાંછમ વન જયહીં રોજ, આજ એકાદી કૂંપળ ના મ્હોરતી

દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાય ચલ્લી, તું ખાલીપો કાચનો કાં કોરતી?

આ પંક્તિઓમાં નાયકનો વિરહનો ભાવ અનુભવી શકાય છે.

સાવલીના ગેબીનાથ મહાદેવના પૂ. સ્વામીજી પાસેથી પુરુરાજભાઈએ પોતે સાંભળેલી અનેક પ્રેરક વાતો ખૂબ સરસ રીતે ‘જિજ્ઞાસુની ડાયરી’ ગ્રંથમાં મૂકી આપી છે. આપણે સ્વામીજીને જાણે સાંભળતા હોઈએ એવો અનુભવ થાય છે. પુરુરાજભાઈ પાસેથી સૂરીલા કંઠે ગુજરાતી ગીતો, સ્તોત્રો, પ્રાર્થના સાંભળવાનો લ્હાવો હતો. અમને તો કોલેજમાં આ તક મળી છે એનો આનંદ છે.

પુરુરાજભાઈનાં પત્ની બકુલાબહેન જોષી હિન્દી સાહિત્યના ઊંડા અભ્યાસી છે. લંડનની લાયબ્રેરીમાં પુરુરાજભાઈનું પુસ્તક જોઈને અમે ખૂબ રાજી થયેલાં. હું વાંચવા ઘેર લઈ આવી હતી. અમારા ગુરુજીને પૂરા આદર સાથે શ્રદ્ધાજંલિ અર્પીએ છીએ.

- રશ્મિ અમીનના શત્ શત્ વંદન.

પ્રતીક્ષા બ્રહ્મભટ્ટઃ મો. 94279 23992


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter