કિંગ ચાર્લ્સે કેન્યામાં સંસ્થાનવાદી અત્યાચારો બદલ માફી ન માગી, ખેદ વ્યક્ત કર્યો

Tuesday 07th November 2023 15:57 EST
 
 

નાઈરોબીઃ ક્વીન કેમિલા સાથે કેન્યાની મુલાકાતે આવેલા બ્રિટિશ કિંગ ચાર્લ્સ તૃતીયે કેન્યામાં સંસ્થાનવાદી અત્યાચારો બાબતે ભારે દુઃખ અને અફસોસ વ્યક્ત કર્યા હતા. જોકે, કેન્યાવાસીઓ અને માનવાધિકાર જૂથો માફીની માગણી કરી રહ્યા છે ત્યારે તેમણે સ્પષ્ટપણે સત્તાવાર માફી માગી ન હતી. આનો નિર્ણય કરવો સરકાર અને તેમના મિનિસ્ટર્સના હાથમાં રહે છે. નાઈરોબીમાં સતાવાર ભોજન સમારંભમાં કિંગ ચાર્લ્સે કહ્યું હતું કે,‘કેન્યનો જ્યારે તેમની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટે પીડાદાયક સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ હિંસાના ઘૃણાસ્પદ અને અનુચિત કાર્યો કરાયા હતા અને તેના માટે કોઈ બહાના હોઈ શકે નહિ. કેન્યામાં બ્રિટિશ સંસ્થાનવાદી યુગમાં કરાયેલા અત્યાચારો બદલ કોઈ ઢાંકપિછોડો હોઈ શકે નહિ.

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ આવા તકલીફદાયક સત્યને બોલવાની કિંગની હિંમતને બિરદાવી જણાવ્યું હતું કે ‘સંસ્થાનવાદી શાસન આફ્રિકાના લોકો માટે ક્રુર અને પાશવી બની રહ્યું હતું અને સંપૂર્ણ ક્ષતિપૂર્તિ માટે હજુ ઘણું કરવાનું બાકી રહે છે.’ કિંગ ચાર્લ્સ સોમવાર, 31 ઓક્ટોબરે ક્વીન કેમિલા સાથે કેન્યાની ચાર દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ પ્રવાસમાં માફીના અભાવથી કેન્યાવાસીઓ નિરાશ થયા છે.

દીર્ઘ અને જટિલ સંબંધોમાં સૌથી પીડાદાયી સમયગાળો

કિંગ ચાર્લ્સે શાસન સંભાળ્યા પછી સૌપ્રથમ કોમનવેલ્થ દેશની મુલાકાત યોજાઈ ત્યારે કિંગ પ્રતીકાત્મક શાહી માફી માગશે તેવી અટકળો કરાઈ રહી હતી. જોકે, ચાર્લ્સ માફીથી થોડા જ દૂર રહ્યા હતા. તેમણે સંસ્થાનવાદના કાળમાં જે ખોટાં કાર્યો થયા તેને કઠોર શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. કેન્યા તેની આઝાદીના 60 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કિંગે સંબોધનમાં કહ્યું હતું કે, ‘આ ખોટાં કાર્યો વિશે મારી આગવી સમજ ઉભી કરું અને જેમની જીંદગીઓ અને કોમ્યુનિટીઓને ખૂબ સહન કરવું પડ્યું છે તેમાંથી કેટલાકની સાથે હું મળું તે મારા માટે મહત્ત્વની બાબત છે.’ કિંગે કેન્યા અને બ્રિટન વચ્ચે દીર્ઘ અને જટિલ સંબંધોમાં સૌથી પીડાદાયી સમયગાળા વિશે કબૂલાત કરતા ઓડિયન્સને જણાવ્યું હતું કે ‘આપણા ઈતિહાસને પ્રામાણિકતા અને ખુલ્લાપણાના સમાધાન સાથે નિહાળવાથી’ બ્રિટન અને કેન્યાની મિત્રતાને મજબૂત બનાવી શકાશે.

કેન્યામાં 1952થી 1960ના ગાળાની માઉ માઉ ચળવળને કચડી નાખવા જે અત્યાચારો કરાયા તેની યાદ લોકોના દિલોદિમાગમાં ઠસાયેલી છે. કેન્યાની આઝાદી પહેલા 1950ના દાયકામાં હજારો આંદોલનકારીઓની હત્યા ઉપરાંત, ભારે અત્યાચારો કરવામાં આવ્યા હતા. એક દાયકા અગાઉ, યુકે સરકારે કરાયેલા અત્યારો બદલ અફસોસ દર્શાવવા સાથે સમાધાનની પ્રક્રિયા તરીકે 5,000થી વધુ લોકો માટે આશરે 20 મિલિયન પાઉન્ડનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન રિશિ સુનાકે ગુલામીના અલગ મુદ્દા પર માફીની માગણીઓ ફગાવી દીધેલી છે.

કિંગ ચાર્લ્સની બળવાખોર નેતાના પરિવાર સાથે મુલાકાત

કિંગ ચાર્લ્સે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે બળવો પોકારનારા કેન્યન નેતા દેડાન કિમાથીના પરિવાર સાથે અંગત મુલાકાત યોજી હતી. કિમાથીને બ્રિટિશ શાસને ખુલ્લેઆમ ફાંસીએ લટકાવી દીધા હતા. કિમાથીના પરિવાર તથા કેન્યાના અન્ય સ્વાતંત્ર્યવીરોએ આ મુલાકાત બાબતે કોઈ ટીપ્પણી કરી ન હતી. ભૂતકાળમાં તેઓએ સત્તાવાર માફી ઉપરાંત, બ્રિટન તરફથી વળતર અને કિમાથીનો મૃતદેહ ક્યાં હોવા વિશે માહિતી માગી હતી. બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું હતું કે આ મીટિંગ કેન્યાની આઝાદીની લડત દરમિયાન કેન્યનો વિરુદ્ધ આચરાયેલી હિંસા બાબતે જાતમાહિતી મેળવવાની કિંગ માટે તક હતી. આ મીટિંગમાં માઉ માઉ વોર વેટરન્સ એસોસિયેશનના અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. નાઈરોબીમાં કિમાથીના કાંસ્યપ્રતિમા સ્મારક પાસે વિરોધ પ્રગટ કરી રહેલા કેટલાક લોકોને પોલીસે ખદેડી દીધા હતા. બીબીસીના જણાવ્યા અનુસાર 11,000 માઉ માઉ બળવાખોરો અને અન્યોની હત્યા કરાઈ હતી. જોકે, બિનસત્તાવાર આંકડા મુજબ આશરે 90,000 કેન્યનોને મારી નખાયા હતા અને 150,000 થી વધુની અટકાયત કરાઈ હતી.

કિંગ અને ક્વીનની નાઈરોબી અને મોમ્બાસામાં વિવિધ સ્થળોની મુલાકાત

કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ત્રણ નવેમ્બર સુધી ચાર દિવસના કેન્યા પ્રવાસમાં નાઈરોબી અને મોમ્બાસામાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. કિંગ ચાર્લ્સે 31 ઓક્ટોબરે ઉહુરુ ગાર્ડન્સ ખાતે અનામી લડવૈયાની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાહી દંપતી અને રુટો દંપતીએ 1963માં કેન્યાની સ્વતંત્રતાની જાહેરાત કરાઈ ત્યારે રોપાયેલા મુગોમો ટ્રીને નિહાળ્યું હતું. આ વૃક્ષ રોપવાની ઉજવણીમાં પ્રિન્સ ફિલિપે હાજરી આપી હતી. કિંગ ચાર્લ્સે પ્રેસિડેન્ટ રુટો સાથે અહીં વૃક્ષો પણ વાવ્યા હતા. ક્વીન અને કિંગે ઈસ્ટલેન્ડ્સ લાઈબ્રેરીની અલગ અલગ મુલાકાત લીધી હતી. પુસ્તકપ્રેમી ક્વીન કેમિલાએ લાઈબ્રેરીમાં બાળકોને વાર્તા પણ વાંચી સંભળાવી હતી. કિંગ ચાર્લ્સે કેન્યાના ઈતિહાસ અને તેના સ્વાતંત્ર્ય સંઘર્ષને સમર્પિત મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. કિંગને ‘સંસ્થાનવાદી જુલ્મ’ સંબંધિત તસવીરો સાથેનું મ્યુઝિયમ બતાવાયું હતું. તેમણે બુધવાર પહેલી નવેમ્બરે વોર સેમેટ્રીની મુલાકાત લઈ પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ દળોની પડખે રહી યુદ્ધમાં શહીદ થનારાઓનું સન્માન કરવા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સેમેટ્રીમાં 59 કબર છે. કિંગ કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ કારીઓકોર સેમેન્ટ્રીની મુલાકાત દરમિયાન 117 વર્ષના કોર્પોરલ સામવેલ ન્થીગાઈ મ્બુરીઆ સહિત અનેક પીઢ સૈનિકોને પણ મળ્યા હતા. કિંગ ચાર્લ્સ પહેલી નવેમ્બરે નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મહિલા પ્રોફેસર વાન્ગારી માથાઈની પુત્રી વાન્જિરા માથાઈ અને અન્યો સાથે કારુરા અર્બન ફોરેસ્ટની મુલાકાત લીધી હતી. બીજી તરફ, ક્વીન કેમિલાએ શેલ્ડ્રિક વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ એલિફન્ટ ઓર્ફનેજની મુલાકાત લીધી હતી. કિંગ ચાર્લ્સે કેપ્ટન જનરલ ઓફ ધ રોયલ મરિન્સ તરીકે મોમ્બાસાના મ્ટોનગ્વે નૌકાથાણા પર મિલિટરી કવાયત નિહાળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter