કેન્યાની ફાઇવ સ્ટાર હોટેલ પર ખતરનાક આતંકવાદી હુમલામાં સંઘરાજકા પરિવારની બહાદૂરી બિરદાવવા યોગ્ય

• સતત ૨૪ કલાક ચાલેલ બચાવ કાર્યમાં સમગ્ર સંઘરાજકા પરિવારે કેન્યન સિક્યોરિટી દળો સાથે ખભેખભા મિલાવી સહયોગ આપ્યો • હુમલા દરમિયાન ૧૨,૦૦૦ ગોળીબાર રાઉન્ડ

- જ્યોત્સના શાહ Wednesday 30th January 2019 06:54 EST
 
 

કેન્યાના પાટનગર નૈરોબીમાં વિનયભાઇ સંઘરાજકા પરિવારની માલિકીના ૧૪ રીવરસાઇડ પાર્ક અને ડસીટ હોટેલ કોમ્પલેક્ષમાં મંગળવાર, ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બપોરના ૩ વાગે થયેલ આતંકવાદી હુમલામાં ૨૧ નિર્દોષોના ભોગ લેવાયાની દહેશત છે. આ ભયાનક હુમલામાં પાંચ આતંકવાદીઓએ સમગ્ર બિલ્ડીંગને ભારે નુક્સાન પહોંચાડ્યું હતું, જ્યારે એક સૂ-સાઇડ બોંબરે ભરચક કેફેની બહાર અગ્નિસ્નાન કરી જીવનનો અંત આણ્યો હતો. જ્યારે બીજા આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર ચલાવી રહ્યા હતા. એ વખતે વિનયભાઇના બે ભત્રીજાઓ ચિરાગ અને સચીન તત્કાળ નેતૃત્વ લઇ ઉપસ્થિત સમગ્ર પરિવારજનો અને મિત્રોના સહયોગથી ઓછામાં ઓછી જાનહાનિ અને નુક્સાન થાય એ માટે સતર્ક બન્યા અને જરૂરી બધી જ મદદ માટે સજ્જ થયા. તેઓએ પોતે ખતરા સાથે ખેલી, બિલ્ડીંગમાં હુમલાનો ભોગ બનેલ કેન્યન લોકોને બચાવવા અને એમને બહાર કાઢવા કેન્યન સિક્યોરીટી દળો સાથે કમર કસી.
 આ બચાવ અભિયાનમાં કેન્યન સિક્યોરીટી દળો અને ચિરાગભાઇ સવારના પાંચ વાગ્યા સુધી ઝઝૂમ્યા બાદ ભારે જહેમતના અંતે બિલ્ડીંગના એક ઓફિસ બ્લોકમાંથી ૧૭૬થી વધુ લોકોને બચાવવામાં સફળ રહ્યાં. આ ભયાનક હુમલાનો અંત લગભગ સવારના ૧૦ વાગ્યે આવ્યો ત્યારે અન્ય આતંકવાદીઓને નિષ્ક્રિય બનાવી દેવાયા હતા. દરમિયાનમાં કુટુંબીજનો અને મિત્રોએ સિક્યોરીટી દળો સાથે પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવી. સમગ્ર ઓપરેશન વેળા કેન્યન સિક્યોરીટી દળોનું સંચાલન નોંધપાત્ર રહ્યું.
આ દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ દિવસમાં સમગ્ર સંઘરાજકા પરિવારના સભ્યોએ ઇજાગ્રસ્ત પ્રત્યેક વ્યક્તિની જાત મુલાકાત લીધી અને આશ્વાસન આપ્યું. ભયભીત બની સુધબુધ ખોઇ બેઠેલાઓ માટે કાઉન્સેલીંગની સેવા પૂરી પાડવાની તજવીજ કરી. એ દરેકના ઘરની જાત મુલાકાત લઇ પરિવારજનોને હૂંફ અને હિંમત આપ્યા.
ભારે ભયાનકતા વચ્ચે તાણગ્રસ્ત અવસ્થામાં મનની સ્વસ્થતા જાળવી વિનયભાઇ અને કુટુંબીજનોએ શાંત ચિત્તે પરિસ્થતિનો સામનો કરી, નિર્દોષોના જાન બચાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડયું અને જૈન શાસનના 'પરસ્પરગ્રહો જીવાનામ્' સિધ્ધાંતનું પાલન કરી નિ:સ્વાર્થ સેવા સાદર કરી. ધન્ય છે સંઘરાજકા પરિવારની બહાદૂરી, સમયસૂચકતા, ધૈર્ય અને સમતાને!
(વિનયભાઇ, કેન્યાના JITO ના સભ્ય છે અને કેન્યાથી સાંપડેલ JITOના સભ્ય પંકજભાઇ શાહના અહેવાલ અધારિત આ સમાચાર રજુ કર્યા છે. એમાં જાણતાં-અજાણતાં રહી ગયેલ ખામી માટે ક્ષમા-યાચના)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter