નાઈરોબીઃ વર્ષો દરમિયાન સ્થાનિક કોમ્યુનિટીઓ દ્વારા એકત્રિત ફરિયાદોના પગલે કેન્યાની ડિફેન્સ, ઈન્ટેલિજન્સ અને ફોરેન રિલેશન્સ કમિટીના 94 પાનાના પાર્લામેન્ટરી રિપોર્ટમાં કેન્યામાં તાલીમ લેતા બ્રિટિશ દળો દ્વારા હત્યા, સેક્સ્યુઅલ, માનવ અધિકારોના શોષણ, દુરુપયોગ અને પર્યાવરણના વિનાશના આરોપો લગાવાયા છે. રિપોર્ટ અનુસાર બ્રિટિશ સૈનિકો દ્વારા ગંભીર ગેરવર્તન ના પરિણામે સ્થાનિક લોકો તેમને ‘કબજેદાર ફોર્સ’ તરીકે ઓળખવા લાગ્યા હતા. આર્મી ટ્રેનિંગ યુનિટે તપાસના તારણો જાહેર કર્યાં વિના જ મોટા ભાગની ફરિયાદોને બનાવટી ગણાવી હતી.
ગત 60 વર્ષના ગાળામાં બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ ઈન કેન્યા (BATUK)ના બ્રિટિશ સૈનિકો ઈસ્ટ આફ્રિકન દેશમાં તેના ઉષ્ણ હવામાન અને વાસ્તવદર્શી યુદ્ધાભ્યાસની તાલીમ લેતા આવ્યા છે. જોકે, તેમના દ્વારા હત્યાઓથી માંડી મિલિટરી ગ્રેડના કેમિકલ્સના બેદરકારીપૂર્ણ નિકાલ સહિત ગંભીર ઉલ્લંઘનોના સંખ્યાબંધ આક્ષેપો થતા રહ્યા હતા. સૌથી ખરાબ કિસ્સો 21 વર્ષીય કેન્યન યુવતી એગ્નેસ વાન્જિરુ ની હત્યાનો હતો જેણે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષો સુધી કેન્યાની કોર્ટોમાં વળતરની માગણીઓ કરનારા કોમ્યુનિટી કર્મશીલોએ આ રિપોર્ટને માત્ર કેન્યા નહિ, પરંતુ પોતાની ભૂમિ નપર વિદેશી લશ્કરી થાણાં સ્થાપવા દેનારા અન્ય આફ્રિકી દેશો માટે પણ ‘જંગી વિજય’ તરીકે ઓળખાવ્યો હતો..
BATUK સેન્ટ્રલ કેન્યાના નાન્યુકી ખાતે કાયમી ટ્રેનિંગ ફોર્સ છે જે કેન્યાએ 1963માં યુકેથી આઝાદી મેળવી ત્યારથી કાર્યરત છે. આ ફોર્સમાં 100નો કાયમી સ્ટાફ છે અને યુકેમાંથી ટુંકા ગાળા માટે આશરે 280 સૈનિકો ફેરબદલીના ધોરણે આવે છે. આ યુનિટ બ્રિટિશ દળોને તાલીમ આપવાની સાથોસાથ 2015ની સમજૂતી મુજબ કેન્યાના દળોને પણ ત્રાસવાદવિરોધી તાલીમ આપે છે યુકે સરકારના રિપોર્ટ મુજબ BATUK થકી સ્થાનિક અર્થતંત્રોને 5.8 બિલિયન કેન્યન શિલિંગ્સના યોગદાન ઉપરાંત, સ્થાનિકોને નોકરી પણ અપાઈ હતી. જોકે, બ્રિટિશ દળો દ્વારા કેન્યન સ્ત્રીઓ સાથે યૌનસંબંધો સહિત ગેરવર્તનની અસંખ્ય ફરિયાદો સ્થાનિક લોકો કરતા આવ્યા છે. BATUK હેઠળના સૈનિકો વિરુદ્ધ ન્યાય અપાવવા બ્રિટિશ અને કેન્યાની જસ્ટિસ સિસ્ટમમાં કોઈ જોગવાઈ ન હોવા સાથે ગેરવર્તનનું પ્રમાણ ગંભીર થતું ગયું હતું.

