ભારત-બ્રિટન સંબંધો કેટલા મજબૂત છે અને બે મિત્ર રાષ્ટ્રો વચ્ચેના સંબંધ કોરોના મહામારીના અરસામાં કઇ રીતે વધુ મજબૂત બન્યા તેની બહુ ઓછી જાણીતી બાબત ઉજાગર કરતા રોહિતભાઇએ એક રસપ્રદ ઘટનાક્રમ ટાંક્યો હતો.
તેમણે કહ્યું હતું કે કોવિડની પ્રથમ લહેરમાં યુકેમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જ્યારે ભારતમાં આકરું લોકડાઉન લાગ્યું હતું અને વધારે સારી રીતે મહામારીને મેનેજ કરાઈ હતી. આ સમયે ભારતે બ્રિટનને ઘણી મદદ મોકલી આપી હતી, જેમાં ફાર્માસ્યુટિકલ્સ મુખ્ય છે. ઓક્સફર્ડની વેક્સિનનું ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદન કરાયું તેનાથી સંબંધો વધુ સારા થયા હતા. યુકેએ ભારતના સહકારની સારી રીતે નોંધ લીધી અને જાહેરમાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.
આ પછી કોવિડની બીજી લહેરમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ હતી. આ સમયે બ્રિટન ભારતની વ્હારે આવ્યું હતું. બ્રિટને નોર્ધન આયરલેન્ડ પાસેથી ત્રણ જનરેટર સેટ મેળવીને ભારત મોકલવાનું નક્કી કર્યું. જોકે આ જનરેટર સેટ એટલા વિશાળકાય હતા કે એક સેટ પણ એક પ્લેનમાં પણ સમાઇ શકે તેમ નહોતો. તો બ્રિટને યૂક્રેનનું કાર્ગો શિપ ભાડે કર્યું અને ત્રણેય જનરેટર સેટને ભારત પહોંચાડ્યા હતા. ભારતને સહાય પહોંચાડવામાં માત્ર બ્રિટન સરકાર જ નહીં, આપણા સમુદાયની ભૂમિકા અને યોગદાન પણ સરાહનીય રહ્યા. જોતજોતામાં મિલિયન્સ પાઉન્ડ એકઠાં કરી લેવાયાં. હું હાઈ કમિશનની કોર ટીમમાં હતો. ઓક્સિજન સિલિન્ડર સહિતના ઈક્વિપમેન્ટ્સની તાતી જરૂરિયાત હતી. મુખ્ય સમસ્યા ટ્રન્સપોર્ટેશનની હતી. અમે 10, 12 કે 15 લીટરનું એક-એક સિલિન્ડર મેળવવા મથી રહ્યા હતા, અનેક સપ્લાયર્સ સાથે મિટિંગ્સ કરી રહ્યા હતા. આ સમયે બ્રિટિશ ઓક્સિજન કંપની (BOC) આપણી મદદે આવી અને તેણે 46 લિટરની કેપેસિટીના 5000 સિલિન્ડર એક સાથે મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારત માટે ખરેખર આ ઘણી મોટી અને મહત્ત્વની મદદ હતી.
સામાન્ય રીતે બ્રિટનમાં સમય પૂરો થયા પછી કામ કરવાની પદ્ધતિ નથી. લોકો ઓફિશિયલ કામ ઘરે ન લઈ જાય. પરંતુ કોવિડ દરમિયાન બ્રિટિશ બ્યુરોક્રસી આપણને - ભારતને મદદરૂપ થવા મોડી રાત સુધી કાર્યરત રહેતી હતી. હાઈ કમિશન મોડી રાત સુધી તેમના સંપર્કમાં રહેતું હતું. લોકોની લાઈફનો સવાલ હતો. અને સહુએ સાથે મળીને કામ કર્યું હતું. મુશ્કેલીના સમયે બન્ને દેશો એકમેકની પડખે ખભેખભા મિલાવીને ઉભા રહ્યા હતા.


