કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે ભારત સારી રીતે સજ્જ છે

કુંજલ ઝાલા Wednesday 02nd June 2021 02:02 EDT
 
 

ભારતમાં કોવિડ-૧૯ના રાષ્ટ્રવ્યાપી રોગચાળા સામે ભારતના પ્રતિભાવની આકરી ટીકા કરતા  મેડિકલ જર્નલ લાન્સેટના આર્ટિકલ બાબતે ભારતના ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. આ જર્નલના લેખમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો ભારતીય અખબારો અને મેગેઝિન્સમાં અગાઉ કરાયેલી ઘણી ટીકાઓને સુસંગત જ હતા પરંતુ, આ લેખને અન્યોની સરખામણીએ વધુ કડક ટીપ્પણીઓ સહન કરવાની આવી છે.

ધ લાન્સેટના અભિગમની કડક આલોચનાઓમાં પદ્મશ્રી સહિત ૬ નેશનલ એવોર્ડ્સના વિજેતા ૯૦ વર્ષીય ડોક્ટર દેવેન્દ્ર ડી. પટેલ મોખરે રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વિશેષ વાતચીત કરતા ડો. પટેલે જણાવ્યું હતું કે,‘લાન્સેટે એ સમજવાની જરુર છે કે ભારત ૧.૩૯ બિલિયનની વસ્તી ધરાવતો વિશાળ દેશ છે. યુરોપની વસ્તી ૭૪૬.૪ મિલિયન છે અને યુએસએની વસ્તી ૩૨૮.૨ મિલિયન છે. તેમની સંયુક્ત વસ્તી ૧.૦૭૪૬ બિલિયન થાય છે.’

વેક્સિનેશન કરાયેલા લોકોની સામે વસ્તીનું પરિમાણ વિચારવામાં આવે તો ભારત ઓછી વસ્તી ધરાવતા અન્ય દેશોની સરખામણીએ ઘણું સારું કાર્ય કરી રહ્યું છે.

‘યુએસએ દ્વારા ૨૦૨૦ની ૧૪ ડિસેમ્બરે વેક્સિનેશનની શરુઆત કરાઈ હતી અને અત્યાર સુધી ૨૫૬ મિલિયન લોકોને વેક્સિન અપાયા છે. યુકે દ્વારા ૮ ડિસેમ્બરે વેક્સિનેશન શરુ  કરાયું હતું અને અત્યાર સુધી ૬૦ મિલિયનથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. ઓસ્ટ્રેલિયાએ ૨૨ ફેબ્રુઆરીએ શરુઆત કરી અને અત્યાર સુધી ૨ મિલિયન  લોકોને વેક્સિન અપાયું છે. બીજી તરફ, ભારતે ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી વેક્સિનેશનની શરુઆત કરી છે અને અત્યાર સુધી ૧૮૦ મિલિયન નાગરિકોને રસી (ઓછામાં ઓછો એક ડોઝ) અપાઈ છે. આ સમગ્ર વસ્તીના આશરે ૯ ટકા જેટલું થાય છે! ભારત સરકારની કદર નહિ કરવાના કારણો કરતાં કદર કરવાના ઘણા કારણો છે. તેણે મહામારીના શિખરકાળમાં HCQ અને પેરાસિટામોલની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ભારતમાં વેક્સિનની તંગી હોવાં છતાં, આપણી સરકારે માનવતાના ધોરણે વેક્સિનના ૬૬ મિલિયન ડોઝ વિદેશમાં નિકાસ કરવાની ઉદારતા દર્શાવી હતી.’

ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે,‘લાન્સેટ જર્નલે હાસ્યાસ્પદ નિવેદન એ કર્યું કે‘સરકારનો ઈરાદો મહામારીને અંકુશમાં લાવવાના પ્રયાસો કરતાં ટ્વીટર પરથી ટીકાઓ દૂર કરવામાં વધુ હોવાનું જણાયો હતો.’ એ સર્વવિદિત છે કે રાજ્યો અને કેન્દ્ર આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દબાણ હેઠળ લાવી દેનારા આ સુનામી વિરુદ્ધ અથાકપણે કાર્ય કરી રહેલ છે. ભારત સંભવિત ત્રીજી લહેરને સામનો કરવા વધુ સુસજ્જ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter