લંડન, નવી દિલ્હીઃ ભારતમાં કૃષિ સુધારા કાયદાઓ સંદર્ભે ૧૦૦ દિવસથી ચાલી રહેલા કૃષિ આંદોલન બાબતે સોમવાર, ૮ માર્ચે બ્રિટિશ પાર્લામેન્ટમાં ૯૦ મિનિટની લંબાણ ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાનો મુખ્ય સૂર આંદોલનકારી ખેડૂતોની સુરક્ષા અને મીડિયાની સ્વતંત્રતાના સંદર્ભે ભારત સરકાર પર દબાણ વધારવા અંગે રહ્યો હતો.
યુકે સરકારે ચર્ચામાં સ્પષ્ટ કર્યું છે કે કૃષિ સુધારાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલન ભારતની આંતરિક બાબત છે. આમ છતાં, વડા પ્રધાન જ્હોન્સનની ભારત મુલાકાત વેળાએ વડા પ્રધાન મોદી સમક્ષ આ બાબત ઉઠાવી શકાશે. ભારતે આ સામે આકરું વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે સાચા તથ્યોને વિચાર્યા વિના જ ચર્ચા કરાઈ છે.
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયા નાઈજેલ એડમ્સે જણાવ્યું હતું કે કોઈ પણ લોકશાહી માટે વાણી સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ આંદોલનનો અધિકાર મહત્ત્વપૂર્ણ હોય છે પરંતુ, આપણે સ્વીકારવું જોઈએ કે જો વિરોધ ગેરકાયદેસરતાની મર્યાદા ઓળંગે તો લોકશાહીમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા સિક્યુરિટી ફોર્સીસને અધિકાર છે.
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશને આ ચર્ચાનો તીવ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન સાંસદોએ ખોટી હકીકતો રજૂ કરી હતી. સંતુલિત ચર્ચાના બદલે જૂઠા દાવાઓ અને પાયાવિહોણા તથ્યો ધ્યાનમાં લઈ ચર્ચા કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી મીડિયાની હાજરી છે અને બધાએ આંદોલનનો ઉપાય શોધવા કરાયેલી વાતચીતો નિહાળી છે. ભારતમાં મીડિયાની સ્વતંત્રતા ઓછી હોવાનો કોઈ પ્રશ્ન ઉઠાવી શકાય તેમ નથી.
બીજી તરફ, ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે પણ યુકે સરકારના સત્તાવાર વલણને દોહરાવતા જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા આંદોલન ભારતની આંતરિક બાબત છે તેમજ ભારત સરકાર જ તેનો ઉકેલ લાવી શકે છે. તેમણે કહ્યું હતું કે સાંસદો દ્વારા ભારત સંબંધિત મુદ્દા ઉઠાવાય ત્યારે સરકારે તેમાં ભાગ લેવો જ પડે છે અને ઉત્તર પણ આપવો પડે છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે ભારત વૈશ્વિક તખ્તા પર મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે ત્યારે ભારતના ખેડૂતોના આંદોલન વિશે વિશ્વમાં અન્યત્ર ચર્ચાઓ થાય તે અપેક્ષિત છે.
બ્રિટિશ પાર્લામેન્ટ ખેડૂત આંદોલન મુદ્દે ઓનલાઈન પિટિશન બાબતે ચર્ચા હાથ ધરી હતી. નવેમ્બરમાં લવાયેલી આ પિટિશનને એક લાખથી વધુ સહી મળી હતી. બ્રિટિશ સંસદીય પરંપરા અનુસાર ૧૦,૦૦૦થી વધુ મત મળતા ચર્ચા હાથ ધરાઈ હતી.
પાર્લામેન્ટના વેસ્ટમિન્સ્ટર હોલમાં ભારતના ખેડૂત આંદોલન મુદ્દે મેઈડનહીડના લિબરલ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ દ્વારા માગ કરાયેલી આ ચર્ચામાં પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીન સહિત પાર્ટીના ૧૨ સાંસદ તેમજ અન્ય પાર્ટીઓના ૬ સાંસદ જોડાયા હતા. કોવિડ પ્રોટોકોલના કારણે કેટલાક સાંસદોએ ઘરેથી જ ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો. ૧૭ સાંસદોએ આંદોલનનું સમર્થન કર્યું હતું. જોકે, કન્ઝર્વેટિવ પાર્ટીની સાંસદ થેરેસા વિલિયમ્સે સ્પષ્ટ કહી દીધું હતું કે, કૃષિ આંદોલન એ ભારતનો આંતરિક મુદ્દો છે. આ મુદ્દા સંદર્ભે કોઈ વિદેશી પાર્લામેન્ટમાં ચર્ચા કરી ન શકાય.