અમદાવાદઃ શોર્ટ ફિલ્મ ‘શાપિત’માં બેસ્ટ પર્ફોમન્સ કરવા બદલ ૪ મહિના પહેલાં જ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર અમદાવાદનો ૧૯ વર્ષના કલાકાર લવ ભટ્ટનું અવસાન થયું છે. લંડનમાં બીબીએમાં અભ્યાસ કરતો લવ માતાપિતા સાથે વેકેશન ગાળવા માટે અમદાવાદ આવ્યો હતો. લવ ગાંધીનગરથી બાઈક લઈને અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે એપોલો ત્રણ રસ્તા પાસે રોંગ સાઈડમાં બાઈક લઈને નીકળેલા યુવાને લવના બાઈકને ટક્કર મારી હતી. જેથી લવ ફંગોળાઈને રોડ ઉપર પટકાતા માથું ડિવાઈડર સાથે અથડાતા તેને માથામાં ઈજા થઈ હતી. ૪૬ દિવસ સુધી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈને લવે ૨૩મી ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધાં હતાં.
લવના પિતા સંજયભાઈ ભટ્ટ અને માતા અલકાબહેન ભટ્ટ હાંસોલમાં રહે છે. જ્યારે લવ ધોરણ-૧૨ પછી લંડનની ગ્રીનવિચ યુનિવર્સિટીમાં બીબીએમાં એડમિશન લીધું હતું. બીજું સેમિસ્ટર પૂરુ થતાં વેકશન પડતાં ૯ એપ્રિલ ૨૦૧૮એ લવ અમદાવાદ આવ્યો હતો અને ૨૯ એપ્રિલે તેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. ત્રીજા સેમેસ્ટર માટે ૨૦ સપ્ટેમ્બરે તે પાછો લંડન જવાનો હતો.
બ્રિટનના બદલે પરમધામ
અમદાવાદ આવેલા લવ ઉપરાંત અક્ષયકુમાર, રાકેશ રોશન સહિત ૪૫ વ્યક્તિઓને દાદાસાહેબ ફાળેક એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્રીજું સેમેસ્ટર ચાલુ થતું હોવાથી લવ ૨૦ સપ્ટેમ્બરે જ પાછો લંડન જવાનો હતો. જોકે તેનું આ સપનું અધુરું જ રહી ગયું.


