લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે સવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને મહાનુભાવોએ યુકે અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ મે મહિનામાં વડા પ્રધાન જ્હોન્સન અને વડા પ્રધાન મોદી દ્વારા સંમતિ સધાયેલા રોડમેપ ૨૦૩૦ની પ્રગતિ બાબતે ચર્ચા કરી હતી. આ રોડમેપમાં વેપારવણજથી માંડીને સંરક્ષણ સહિતના મહત્ત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બંને નેતાઓએ યુકે કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપની આગામી ભારત મુલાકાત તેમજ યુકે-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ ગાઢ બનાવવા મુદ્દે આતુરતા વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન જ્હોન્સને આગામી COP26 શિખર પરિષદમાં અને તે પહેલા ક્લાઈમેટ ચેન્જ બાબતે નક્કર પ્રગતિ સાધવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. ભારત વિશ્વમાં રિન્યુએબલ ટેકનોલોજીમાં અગ્રેસર હોવાની નોંધ લઈ તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓ વધુ મહત્ત્વાકાંક્ષી નેશનલી ડિટરમાઈન્ડ કન્ટ્રીબ્યુશન અને નેટ ઝીરો એમિશન્સનું લક્ષ્યાંક હાંસલ કરવાની પ્રતિબદ્ધતા દાખવશે.
બન્ને મહાનુભાવોની ટેલિફોનિક ચર્ચામાં કોરોના વાઈરસ વિરુદ્ધ લડતમાં સહભાગિતા અને સાવધાનીપૂર્વક આંતરરાષ્ટ્રીય પ્રવાસને ખૂલ્લો મૂકવાના મહત્ત્વના મુદ્દાનો પણ સમાવેશ થતો હતો. ભારતના વેક્સિન સર્ટિફિકેટને યુકે દ્વારા માન્યતા આ મુદ્દે આવકારદાયક પગલું હોવા વિશે પણ બંને નેતાઓ સહમત થયા હતા. વડા પ્રધાન મોદીએ યુકે દ્વારા ભારતીય વેક્સિનને સ્વીકૃતિ આપવાના પગલાને આવકાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે જ્હોન્સન સરકારે ગયા પખવાડિયે ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપવાનો ઇન્કાર કરીને ભારતથી આવતા પ્રવાસીઓ માટે આકરી કોરોના ગાઇડલાઇન લાગુ કરી હતી. આની સામે ભારતે પણ કડક વલણ અપનાવતાં બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઇન સહિતની કોરોના ગાઇડલાઇનનો અમલ શરૂ કર્યો હતો. ભારત સરકારના આ આકરા અભિગમના પરિણામે ગણતરીના દિવસોમાં જ બ્રિટને કૂણું વલણ દાખવતાં જાહેરાત કરી હતી કે, કોવિશિલ્ડ કે બ્રિટન દ્વારા મંજૂર કરાયેલી અન્ય કોઇ પણ વેક્સિનના બન્ને ડોઝ લેનાર ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટન આગમન બાદ દસ દિવસનું ક્વોરન્ટાઇન જરૂરી નથી. આ નિર્ણય ૧૧ ઓક્ટોબરથી લાગુ પણ થઇ ગયો છે.
વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન જ્હોન્સની ચર્ચામાં અફઘાનિસ્તાનનો મુદ્દો પણ સામેલ હતો. બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે પણ વાતચીત કરી હતી. દેશમાં માનવ અધિકારોની જાળવણીના મહત્ત્વ પર ભાર મૂકવા ઉપરાંત, તાલિબાન સાથે સંપર્ક બાબતે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત સંબંધે પણ બન્ને નેતાઓ સહમત થયા હતા.
વડા પ્રધાન મોદીએ ફોન પર વાત કર્યા બાદ ટ્વિટ કર્યું હતું કે ‘વડા પ્રધાન બોરિસ જોનસન સાથે વાત કરીને આનંદ થયો. અમે ભારત-યુકે એજન્ડા ૨૦૩૦ પર પ્રગતિની સમીક્ષા કરી અને ગ્લાસગોમાં COP-26ના સંદર્ભમાં આબોહવા મુદ્દાઓ પર વિચારોની આપલે કરી. અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોની આપલે કરી હતી.