ત્રણ આફ્રિકી દેશો યુકેના ગેરકાયદે માઈગ્રન્ટ્સ પરત લેવા તૈયાર

Tuesday 10th February 2026 13:00 EST
 

લંડન, વિન્ધોક, અંગોલાઃ યુકેના હોમ સેક્રેટરી શબાના મહમૂદે વિઝા પેનલ્ટીઝ લાદવાની ધમકી આપ્યાં પછી નામીબીઆ, અંગોલા અને ડેમોક્રેટિક રીપ્બલિક ઓફ કોંગો (DRC)એ યુકેમાંથી તેમના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને અપરાધીઓ પરત લેવાની તૈયારી દર્શાવી છે. નામીબીઆ અને અંગોલાએ ડિસેમ્બરમાં જ સહકારની સંમતિ આપી હતી અને હવે ડીઆરસી પણ તેમની હરોળમાં આવ્યું છે.

સમજૂતી પછી હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, સંદેશો સ્પષ્ટ છે. જો વિદેશી નસરકારો તેમના જ નાગરિકોને પરત લેવાનું સ્વીકારવા તૈયાર નહિ થાય તો તેમણે પરિણામોનો સામનો કરવો પડશે. અગાઉ, યુકે સરકારે નામીબીઆ, અંગોલા અને DRCને ચેતવણી આપી હતી કે તેમની સરકારો નાગરિકોને પરત લેવાની નબળી અને અવરોધક પ્રક્રિયાઓ નહિ સુધારે તો આ દેશોના લોકોને વિઝા આપવામાં નહિ આવે.

નવેમ્બરમાં યુકેની એસાઈલમ સિસ્ટમમાં ફેરફારો દાખલ કરતાં હોમ સેક્રેટરી મહમૂદે જણાવ્યું હતું કે રિટર્ન પોલિસીઓ સાથે સહકારમાં નિષ્ફળ જનારા દેશો પર વિઝા પેનલ્ટીઝ લાદવામાં આવશે. આ પેનલ્ટીઝમાં રાજ્યાશ્રયનો ઊંચો દાવો કરનારા દેશો યુકેમાં ગેરકાયદે રહેતાં તેમના નાગરિકોને પરત ન સ્વીકારે ત્યારે ત્યાં સુધી વિઝા પર ઈર્મજન્સી બ્રેક લગાવવાનો સમાવેશ થાય છે. આફ્રિકી દેશો સાથે આ સમજૂતીના પગલે નામીબીઆ, અંગોલા અને ડેમોક્રેટિક રીપ્બલિક ઓફ કોંગોના 3000થી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને ખતરનાક ક્રિમિનલ્સને સ્વદેશ પરત મોકલી શકાશે.

સપ્ટેમ્બર 2025એ પૂરાં થયેલા વર્ષમાં યુકેમાંથી 36,475 લોકોને પરત અને દેશનિકાલ કરાયા હતા જે તેની અગાઉના 12 મહિનાની સરખામણીએ 11 ટકાનો વધારો છે. પરત મોકલાયેલા આશરે 5,000 લોકો વિદેશી અપરાધીઓ હતા જેમાંથી 48 ટકા ઈયુ દેશમાંથી અને 52 ટકા બિન-ઈયુ દેશમાંથી આવ્યા હતા. એમ કહેવાય છે કે ભારત, પાકિસ્તાન, નાઈજિરિયા, બાંગલાદેશ, સોમાલિયા અને ગાબોનની સરકારો પરત મોકલાવાની સમજૂતીઓને વિરોધ કરે છે ત્યારે સરકાર આ દેશો સામે પણ પ્રતિબંધનું શસ્ત્ર ઉગામી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter