નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં બીજી વખત સત્તા મળવાની શક્યતા નહીંવત્

લોર્ડ મેઘનાદ દેસાઈની આગાહીઃ મોદી સારા રાજનીતિજ્ઞ પરંતુ ટીમ લીડર નથીઃ મોદીએ સારી તક ગુમાવીઃ

Wednesday 09th January 2019 01:37 EST
 
 

લંડન, મુંબઈઃ બ્રિટિશ રાજકારણી અને અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ અત્યાર સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસંશક રહ્યા છે. પરંતુ, હવે તેમનો સૂર બદલાયો છે. તેમણે નરેન્દ્ર મોદી સંઘભાવના ધરાવતા નહિ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અંગે આગાહી કરી છે કે ‘તેમનાથી નિરાશ થયેલા મતદારો મોદીને બહુમતીથી વંચિત રાખશે. મોદીનો વિરોધ વધી રહ્યો છે.’ લોર્ડ દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મોદીએ ‘વધુ પડતાં વચનો’ આપ્યા હતા. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે સરકાર ચલાવી હતી તે રીતે જ મજબૂત કેબિનેટ વિના અને થોડા બ્યૂરોક્રેટ્સની મદદથી આખા દેશને ચલાવી શકશે તેમ માનવામાં ખોટા હતા. ‘આખરે લોકો તો નિરાશ જ થયા છે અને ‘અચ્છે દીન અબતક નહિ આયે’ની લાગણી બળવત્તર બની રહ્યાં છે તેમ તેમણે જણાવ્યું હતું.

લાંબા સમયથી લેબર પાર્ટી સાથે સંકળાયેલા અને લંડનસ્થિત દેસાઈએ જણાવ્યું હતું કે, ‘મોદી સારા રાજકારણી છે પરંતુ સારા ટીમ ખેલાડી નથી કે ટીમના સારા નેતા પણ નથી. મોદી પાસે ઘણી સારી તક હતી પરંતુ, સંઘભાવના ને હોવાથી તેઓ પાછા પડ્યા છે. તેમની કેબિનેટ હતી પરંતુ, સંઘભાવના ન હોવાથી તેઓ પાછા પડ્યા છે. તેમની કેબિનેટમાં અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજ સિવાય કોઈની પાસે પૂર્વ અનુભવ નથી આનાથી વિપરીત, મનમોહનસિંહની યુપીએ સરકારમાં વડા પ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા પ્રણવ મુખર્જી, અર્જુનસિંહ, શરદ પવાર અને પી. ચિદમ્બરમ સહિત અનુભવી પ્રધાનો હતા.

લોર્ડ દેસાઈએ ઉમેર્યું હતું કે પરિસ્થિતિ આટલી ખરાબ બનશે તેનો અંદેશો પણ મોદીને ન હતો અને હવે હાલત એટલી ખરાબ છે કે તેમણે સત્તા માટે વધુ એક મોકો આપવાની માગણી લોકો સમક્ષ કરવી પડશે. મોદી વધુ વિનમ્ર બન્યા હોવાના પ્રશ્ને લોર્ડે કહ્યું હતું કે હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપના પરાજયે તેમને આ સ્થિતિએ લાવી દીધા છે.

તેમણે કહ્યું હતું કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમતી નહીં મળે અને લોકોએ એનડીએ અથવા યુપીએની ગઠબંધન સરકારથી ચલાવવું પડશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે આવી પરિસ્થિતિમાં પાર્લામેન્ટ અને સરકાર ચલાવવાનું વધુ મુશ્કેલ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter