લંડન, નવી દિલ્હીઃ મંગળવાર, ૯ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાયેલા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) સંમેલનમાં લોર્ડ પોપટ, પ્રીતિ પટેલ MP અને લોર્ડ રાજ લુમ્બા સહિત યુકેના કેટલાંક સાંસદો અને લોર્ડ્સ વિશ્વભરના સાંસદો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશ બાબતોના પ્રધાન સુષ્મા સ્વરાજે સંમેલનને સત્તાવાર રીતે ખૂલ્લું મૂક્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાવીરૂપ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ડાયસ્પોરા માટે સંખ્યાબંધ યોજના હાથ ધરનારા દેશોમાં ભારત એક છે. આ ઐતિહાસિક પ્રસંગ ભારત અને PIO સાંસદોને પારસ્પરિક સહયોગ માટે વિશિષ્ટ મંચ પૂરો પાડશે.
યુકે ડેલિગેશન વતી પ્રીતિ પટેલ MPએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં ભારતીય ડાયસ્પોરાની સિદ્ધિઓ પરિવર્તનકારી રહી છે. આવા પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી ડાયસ્પોરાના ૧.૫ મિલિયન લોકો યુકેમાં વસે છે તે ખૂબ ગૌરવની વાત છે.
કાર્યક્રમ પછી લોર્ડ પોપટે જણાવ્યું હતું કે આ સંમેલને PIO સાંસદોને એકબીજાને જાણવાની અને સમજવાની અમૂલ્ય તક પૂરી પાડી હતી. યુકેના ડેલિગેશનના અન્ય સભ્યોમાં લોર્ડ ધોળકિયા, બેરોનેસ વર્મા, બેરોનેસ પ્રાશર, લોર્ડ પટેલ, કીથ વાઝ MP, વીરેન્દ્ર શર્મા MP અને મેયર ઓફ બ્રેન્ટ કાઉન્સિલર ચૌહાણનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમમાં યુકે, અમેરિકા, ગુયાના, સાઉથ આફ્રિકા, પોર્ટુગલ, નેધરલેન્ડ અને સ્વીત્ઝર્લેન્ડ સહિત વિવિધ દેશોના ભારતીય મૂળના ૧૨૦ સાંસદો હાજર રહ્યા હતા.