નવી દિલ્હીઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પર ભારતના દાવાને બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સમર્થન જાહેર કર્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, આ મામલે તેઓ ભારતનાં સમર્થનમાં ઊભા છે. 'પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પણ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જ હિસ્સો છે અને પાકિસ્તાને તેનો કબજો છોડી દેવો જોઇએ. પાકિસ્તાનનો ગુલામ-કાશ્મીર પરનો કબજો ગેરકાયદે છે.'
બ્લેકમેને ભારતના ઘણા ભાગોમાં થયેલા મોટા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પડોશી દેશ પોતાની જવાબદારી નિભાવીને આતંકવાદીઓને મોકલવાનું બંધ કરે. જમ્મુ અને કાશ્મીર રાજ્યે ૧૯૪૭માં ભારતની સાથે રહેવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનનો તેના પર કોઈ અધિકાર નથી.’ પત્ની નિકોલ બ્લેકમેન સાથે જમ્મુ અને કાશ્મીરના ચાર દિવસના પ્રવાસે આવેલા બ્રિટિશ સાંસદે મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીર પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. પહેલી વાર ભારત અને સવિશેષ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલા બોબ બ્લેકમેને રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.


