પ્રકાશ હિન્દુજાની કરચોરીઃ બાકી ટેક્સ પેટે $૧૩૭ મિલિયન ચૂકવવા કોર્ટનો આદેશ

Wednesday 08th September 2021 03:49 EDT
 
 

લંડન, જીનિવાઃ સ્વીટ્ઝર્લેન્ડની સર્વોચ્ચ કોર્ટે ભારતીય-સ્વીસ ટાયકૂન અને ૧૫.૪ બિલિયન ડોલરની કુલ સંપત્તિ ધરાવતા હિન્દુજા બ્રધર્સ પૈકીના પ્રકાશ હિન્દુજાને જીનિવા રિજિયનને ૧૨૫ મિલિયન ફ્રાન્ક્સ (અંદાજિત ૧૩૭ મિલિયન અમેરિકન ડોલર) બાકી ટેક્સ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે. પ્રકાશ હિન્દુજાએ પોતાને મોનાકોના નાગરિક તરીકે રજૂ કરીને સંપત્તિના મૂલ્યાંકનમાં ગરબડ કરી હોવાનો આરોપ લગાવાયા હતા. પ્રકાશ હિન્દુજાએ વર્ષ ૨૦૦૮થી ૨૦૧૭ વચ્ચે ચૂકવવાપાત્ર થતો ટેક્સ ઘણો ઓછો દર્શાવ્યો હતો.

પ્રોસીક્યૂટરે ટેક્સ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, હિન્દુજાએ ટેક્સ બચાવવા માટે પોતાને મોનાકોના નાગરિક ગણાવ્યા હતા અને ટેક્સ ઓછો લાગે તે માટે સંપત્તિનું મૂલ્ય પણ ઓછું દર્શાવ્યું હતું. સ્વિસ મીડિયાના અહેવાલો અનુસાર લોસેનસ્થિત ફેડરલ ટ્રિબ્યૂનલે બાકી ટેક્સના મુદ્દે ૧૭ ઓગસ્ટના રોજ પ્રકાશ હિન્દુજાની સંપત્તિઓ જપ્ત કરવાના આદેશને પણ માન્ય રાખ્યો હતો.

પ્રકાશ હિન્દુજાના ૨૦૦૭થી મોનેકોમાં વસવાટ કરી રહ્યાં હોવાના દાવાઓ છતાં તેઓ હજુ જીનિવામાં વસવાટ કરે છે. તેમણે આઈલ ઓફ મેનના એક ટ્રસ્ટ દ્વારા થતી ચુકવણીઓ દ્વારા પોતાની સંપત્તિઓનું ઓછું મૂલ્યાંકન કર્યું હતું જેના પગલે સ્વીટ્ઝર્લેન્ડમાં તેમની કર જવાબદારી ઘટાડી દીધી હતી.

પ્રકાશ હિન્દુજા અને તેમના પરિવારના નિવાસસ્થાન જીનિવા વિલા ખાતે ત્રણ વર્ષ અગાઉ કામદારોના શોષણ અને કથિત માનવ તસ્કરીના મામલે તપાસ શરૂ કરાયા પછી આ મામલો બહાર આવ્યો હતો. સ્વિસ ટેક્સ સત્તાવાળાઓએ મે ૨૦૧૯માં વિલા પર દરોડા પાડી કોમ્પ્યુટર્સ, સેફ્સ અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સંપત્તિ સ્થગિત કરવાનો પણ અમલ કરાયો હતો.

સ્વિસ કાયદા હેઠળ વર્ષ ૨૦૦૦માં સ્વિસ નાગરિકતા મેળવનાર હિન્દુજા પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી શકે છે. હિન્દુજાના વકીલ જેવિયર ઓબેર્સને કોઈ ટીપ્પણી કરી નથી. ત્રણ ભાઈઓ- ૮૫ વર્ષીય શ્રીચંદ હિન્દુજા, ગોપીચંદ (૮૧) અને મુંબઈસ્થિત અશોક હિન્દુજા (૭૦) સાથે પ્રકાશ હિન્દુજા કોંગ્લોમેરેટના સહમાલિક છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વાન મેન્યુફેક્ચરિંગ અને લક્ઝરી હોટેલ્સથી માંડી બેન્કિંગ, મીડિયા, રિયલ એસ્ટેટ, પાવર અને હેલ્થકેર સુધી વિસ્તરેલા હિન્દુજા બિઝનેસ સામ્રાજ્યમાં ૧૫૦,૦૦૦થી વધુ લોકો કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter