લંડનઃ પ્રેસિડેન્ટ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં યુકેની બીજી સ્ટેટ વિઝિટ પર આવશે. યુકેની બીજી સ્ટેટ વિઝિટ લેવા કિંગ ચાર્લ્સ તૃતીયે આપેલા આમંત્રણને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે કિંગ અને ક્વીન કેમિલા સાથે અભૂતપૂર્વ બીજી સ્ટેટ વિઝિટના કિંગ ચાર્લ્સના આમંત્રણનો ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર સ્વીકાર કર્યો છે. બકિંગહામ પેલેસનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિઆ ટ્રમ્પની યજમાની 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન વિન્ડસર કેસલમાં કરાશે. ટ્રમ્પે પ્રથમ વખત 2019માં સ્ટેટ વિઝિટ કરી છે અને દિવંગત ક્વીન એલિઝાબેથ દ્વિતીય તેમના યજમાન રહ્યાં હતાં.
બીજી મુદત માટે સત્તા પર આવેલા પ્રેસિડેન્ટ્સ માટે સ્ટેટ વિઝિટ્સ દુર્લભ હોય છે અને ચા અથવા લંચ પર મોનાર્ક સાથે ઔપચારિક બેઠક સુધી મર્યાદિત રહે છે. જોકે, ટ્રમ્પની બીજી મુલાકાતમાં સ્વાગત સમારંભ તેમજ વિન્ડસરના સેન્ટ જ્યોર્જ હોલ ખાતે સ્ટેટ બેન્ક્વેટનો પણ સમાવેશ કરાયો છે, જેમાં પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ સહિત શાહી પરિવારના વરિષ્ઠ સભ્યો પણ ઉપસ્થિત રહેવાની ધારણા છે. પ્રમુખ ટ્રમ્પને પાર્લામેન્ટને સંબોધન કરવાની તક અપાશે કે કેમ તે સ્પષ્ટ નથી કારણકે હાઉસ ઓફ કોમન્સ આ મુલાકાતના સમયે વિરામમાં હશે.
ફેબ્રુઆરીમાં પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે જાતે વ્હાઈટ હાઉસ ખાતે કિંગનો આમંત્રણપત્ર ટ્રમ્પને સુપરત કર્યો હતો. ટ્રમ્પે આને મહાન સન્માન તરીકે ગણાવ્યું હતું. વાચાળ મોનાર્કિસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શાહી પરિવારની પ્રસંશા કરતા આવ્યા છે. તેઓ આ મહિનામાં નવા ગોલ્ફ કોર્સનું ઉદ્ઘાટન કરવા સ્કોટલેન્ડની મુલાકાત લેવાની પણ સંભાવના છે. આ મુલાકાત દરમિયાન સ્ટાર્મર પણ ટ્રમ્પની અનૌપચારિક મુલાકાત લઈ શકે છે.