ફેરાડિયન હવે રિલાયન્સનીઃ ૧૦૦ મિલિયન પાઉન્ડમાં સોદો

Sunday 09th January 2022 03:51 EST
 
 

મુંબઈઃ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપે બ્રિટનમાં વ્યવસાય વિસ્તાર્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા-કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડે (આરએનઇએસએલ)એ ૧૦૦ મિલિયન પાઉન્ડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય સાથે યુકેની અગ્રણી કંપની ફેરાડિયન લિમિટેડમાં ૧૦૦ ટકા શેરહોલ્ડિંગ મેળવવાના કરારો પર હસ્તાક્ષર કર્યાં છે.
આ ઉપરાંત રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ વ્યાવસાયિક ગતિવિધિ શરૂ કરવા માટે ફેરાડિયનમાં ૨૫ મિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ પણ કરશે.
યુકેમાં શેફિલ્ડ અને ઓક્સફર્ડ સ્થિત ફેરાડિયન કંપની સોડિયમ-આયન બેટરી ટેકનોલોજીની પેટન્ટ સાથે વિશ્વની ટોચની બેટરી ટેકનોલોજી કંપનીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તે સોડિયમ-આયન ટેકનોલોજીના વિવિધ પાસાંઓને આવરી લેતો અને સ્પર્ધાત્મક રીતે શ્રેષ્ઠ, વ્યૂહાત્મક, વિસ્તૃત અને વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે.
ફેરાડિયનની સોડિયમ-આયન ટેકનોલોજી વૈકલ્પિક બેટરી ટેકનોલોજીની સરખામણીએ અનેક રીતે ફાયદાકારક છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગુજરાતના જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ પ્રોજેક્ટને સાકાર કરી રહી છે, જેમાં તેની ફેરાડિયનની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

બેટરી ટેક્નોલોજીમાં મોખરાનું સ્થાન
આ ટેઇકઓવર વિશે બોલતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ફેરાડિયન અને તેની અનુભવી ટીમનું રિલાયન્સ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. સૌથી અદ્યતન અને સંકલિત નવી એનર્જી ઈકો સિસ્ટમ બનાવવાની અમારી મહત્વાકાંક્ષાને આ હસ્તાંતરણ વધુ મજબૂત કરશે તથા તેના નિર્માણમાં યોગદાન આપશે તેમજ ભારતને અગ્રણી બેટરી ટેકનોલોજીમાં મોખરાનું સ્થાન અપાવશે.’
તેમણે કહ્યું કે ફેરાડિયનની ટેક્નોલોજીની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તે સોડિયમનો ઉપયોગ કરે છે, જે તેની વિશાળ નવીનીકરણીય ઊર્જા અને ઝડપથી વિકસતા ઈલેકટ્રિક વ્હિકલ ચાર્જિંગના બજાર માટે ભારતની ઊર્જા સંગ્રહની જરૂરિયાત માટે ઉપયોગી સાબિત થશે. અમે ફેરાડિયન મેનેજમેન્ટ સાથે કામ કરીશું અને ભારતમાં ઈન્ટિગ્રેટેડ અને એન્ડ-ટુ-એન્ડ ગીગા સ્કેલ મેન્યુફેક્ચરિંગ દ્વારા ટેકનોલોજીનું વ્યાપારીકરણ કરવાની તેની યોજનાઓને વેગ આપીશું.’

રિલાયન્સ શ્રેષ્ઠ ભાગીદાર
ફેરાડિયનના સીઈઓ જેમ્સ ક્વિને પણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, ‘ફેરાડિયન સોડિયમ-આયન બેટરી ટેકનોલોજીને ચેમ્પિયન બનાવનાર પ્રથમ પૈકીની એક કંપની છે. રિલાયન્સ ઝડપથી વિસ્તરતા ભારતીય બજારમાં ફેરાડિયનના વિકાસને સમર્થન આપવા અને વૈશ્વિક ઊર્જા બજારના પરિવર્તનને સંયુક્ત રીતે ઝડપી બનાવવા માટે શ્રેષ્ઠ ભાગીદાર છે. રિલાયન્સ જૂથનો હિસ્સો બનવું એ સોડિયમ-આયન ટેકનોલોજીને આગળ વધારવામાં અમારી ટીમે કરેલા અવિશ્વસનીય કાર્યને માન્યતા પ્રદાન કરે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter