બસવેશ્વરાએ આશરે ૮૫૦ વર્ષ અગાઉ લોકશાહીનો વિચાર વહેતો કર્યો

Wednesday 04th November 2015 06:35 EST
 
 
લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ નવેમ્બરે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, ત્યારે તેમના વિશે જાણકારી મેળવવાની ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. લોકશાહીના મહાન પુરસ્કર્તા ગણાતા અબ્રાહમ લિંકનના ૭૦૦ વર્ષ અગાઉ અને મેગ્ના કાર્ટા (૧૫ જૂન, ૧૨૧૫) પર હસ્તાક્ષર કરાયા તેની પણ પહેલા બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮)એ ભારતમાં લોકશાહીનો વિચાર વહેતો કર્યો હતો. તેઓ બારમી સદીમાં થઈ ગયેલા ભારતીય દાર્શનિક, રાજપુરુષ, સમાજ સુધારક અને કન્નડ કવિ હતા. તેમણે પોતાના સમયમાં ભેદભાવપૂર્ણ જ્ઞાતિપ્રથા અને ગુલામી નાબૂદ કરવા લડત ચલાવી હતી.દક્ષિણ ભારતના તત્કાલીન રાજવી બીજલાએ બસવેશ્વરાની વડા પ્રધાનપદે નિમણૂક કરી હતી. તેઓ વર્તમાન ઉત્તર કર્ણાટકના બિડર જિલ્લાસ્થિત બસવકલ્યાણ નગરમાં રહેતા હતા. ભારતીય લોકશાહીના મહાન પ્રણેતાઓમાં એક બસવેશ્વરાએ ‘અનુભવ મંતપા’ નામે આદર્શ પાર્લામેન્ટ રચી હતી, જ્યાં કોઈ નિર્ણય લેવાતા પહેલા ચર્ચા અને અનુભવોનું આદાનપ્રદાન કરાતું હતું. અહીં તેમણે વાણીસ્વાતંત્ર્યને ઉત્તેજન આપ્યું હતું. આ પાર્લામેન્ટમાં સ્ત્રી-પુરુષ તેમ જ નીચલી જ્ઞાતિઓના અસ્પૃશ્યો સહિત તમામ સામાજિક-આર્થિક પશ્ચાદભૂના પ્રતિનિધિઓને સમાન સંખ્યામાં સભ્યપદ અપાયું હતું.લોકશાહીના આદર્શ પ્રણેતા હોવાથી બસવેશ્વરા વિશ્વમાં તમામ લોકશાહીઓની માતા ગણાતી બ્રિટિશ લોકશાહી સાથે વિશેષ સંબંધ ધરાવે છે. વાણીસ્વાતંત્ર્ય, સહિષ્ણુતા અને સમાન તકના બ્રિટિશ મૂલ્યોની માફક તેમણે પણ પોતાના સમયમાં આ મૂલ્યોની હિમાયત કરી હતી. આથી, તેઓ કદી બ્રિટનમાં રહ્યા ન હોવા છતાં આ વૈશ્વિક નગરમાં તેમની સાચી કદર થાય તે આવશ્યક છે. વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહીના પ્રતીક ધ પેલેસ ઓફ વેસ્ટમિનસ્ટરની સમક્ષ જ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીના એક મહાન પ્રણેતાની પ્રતિમા સ્થપાય તે સર્વથા ઉચિત છે. ભારતીય સંસદમાં પણ ૨૦૦૨માં બસવેશ્વરાની પ્રતિમાની સ્થાપના કરાઇ છે. આ ઉપરાંત, તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાના મૂલ્યના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ પણ જારી થયા છે.૧૪ નવેમ્બરે પ્રતિમાનું અનાવરણ કરાશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકે પ્રવાસ દરમિયાન ૧૪ નવેમ્બરે ભારતીય ફિલોસોફર બસવેશ્વરાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. ૧૨મી સદીના બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮) લોકશાહીના વિચારના પ્રણેતાઓમાં એક તેમ જ સમાજસુધારક અને રાજપુરુષ હતા. તેમણે જ્ઞાતિવિહીન સમાજની રચના તથા અસ્પૃશ્યતા નાબૂદીની હિમાયત કરી હતી. લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલે બ્રિટિશ ભારતીય સમુદાય વતી થેમ્સ નદીના કિનારે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાનું આમંત્રણ વડા પ્રધાન મોદીને ૨૪ માર્ચે રૂબરૂ આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લંડનની મુલાકાત દરમિયાન લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરતા તેઓ ધન્યતા અનુભવશે.સ્વૈચ્છિક સંસ્થા ધ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા ૨૦૧૦માં લેમ્બેથ કાઉન્સિલ સમક્ષ પ્રતિમા સ્થાપવાની રજૂઆત કરાઈ હતી. જમીનની લીઝ માટે ૨૫૦,૦૦૦ પાઉન્ડનું દાન આપવાની બાંયધરી પણ આપી હતી. કર્ણાટક સરકારે પ્રતિમા તૈયાર કરવા રૂપિયા ત્રણ કરોડ ફાળવ્યા હતા. લંડનમાં ભારતીય નેતાઓ ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter