મુંબઈઃ ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતાં કુલ ૩૦ ટકા જેટલો વધારો થયો છે. શિક્ષણ માટે જતાં વિદ્યાર્થીઓને ટિયર ટુ વિઝા આપવામાં આવે છે. ગત વર્ષે દેશમાંથી ૧૧ હજાર વિદ્યાર્થીઓ આ વિઝા દ્વારા ઈંગ્લેન્ડ ગયા હતા. આ વર્ષે માર્ચ સુધીમાં ૧૫ હજાર વિદ્યાર્થીઓને આ વિઝા અપાયા હતા. એવી માહિતી બ્રિટીશ કાઉન્સિલના વેસ્ટ ઈન્ડિયાના સંચાલિકા દ્વારા જાહેર થઈ હોવાનું જણાયું છે. મહિલા સશક્તિકરણ માટે મહિલાઓનું શિક્ષણ આવશ્યક છે. મહિલા શિક્ષણ માટે બ્રિટિશ કાઉન્સિલ અધિક પ્રયત્નશીલ છે. આથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ તેમજ મેથ્સ (સ્ટેમ) આ વિષયો માટે માત્ર મહિલાઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આ વિષયોમાં માસ્ટર પદવી મેળવવા માટે વિદ્યાર્થિનીઓને ટ્યુશન ફી પણ અપાય છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઈંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયેલ તેમજ વ્યવસાયિક ક્ષેત્રમાં ઉત્તમ કામ કરેલ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને યુકે એલ્યુમ્ની એવોર્ડ પણ અપાય છે. બે મુંબઈગરા સહિત ત્રણ ભારતીયોને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. બ્રિટિશ કાઉન્સિલે ડિજિટલ લાયબ્રેરી શરૂ કરી છે. આથી તેનો લાભ લેતાં વિદ્યાર્થઈઓને મોટું જ્ઞાન ભંડોળ મળે છે. આ લાયબ્રેરીમાં બે લાખ ૫૦ હજાર પુસ્તકો, વિવિધ વિષયોથી સભર ૧૫ હજાર જર્નલ્સ, આઠ હજાર વર્તમાનપત્રો છે તેમજ તે માટે વાર્ષિક ફી માત્ર ૧૪૦૦ રૂપિયા લેવાય છે.


