બ્રિટિશ સુદાનીઝ લેખિકા બાળકો માટે આફ્રિકાના ઈતિહાસને જીવંત બનાવશે

Wednesday 21st October 2026 07:21 EDT
 
 

જોહાનિસબર્ગઃ બ્રિટિશ સુદાનીઝ લેખિકા અને જર્નાલિસ્ટ ઝૈનાબ બાડાવીએ પુખ્ત લોકો માટે ‘એન આફ્રિકન હિસ્ટરી ઓફ આફ્રિકાઃ ફ્રોમ ધ ડોન ઓફ હ્યુમિનિટી ટુ ઈન્ડિપેન્ડન્સ’ પુસ્તક લખ્યાં પછી હવે બાળકોને લક્ષમાં રાખી નવું પુસ્તક ‘આફ્રિકાઃ હિસ્ટરી એન્ડ હિરોઝ’ લખી રહ્યાં છે. આ પુસ્તકમાં શક્તિશાળી રાજ્યોના ઉદય, મોટાં વેપારી કેન્દ્રો અને પ્રભાવશાળી નેતાઓથી માંડી આફ્રિકાની આઝાદી સુધીના માર્ગને સવિસ્તર આવરી લેવાશે. તેમના 2024માં પ્રકાશિત પુસ્તક હિસ્ટરી ઓફ આફ્રિકાઃ ફ્રોમ ધ ડોન ઓફ હ્યુમિનિટી ટુ ઈન્ડિપેન્ડન્સ’ પુસ્તકની 110,000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને ફ્રેન્ચ ભાષામાં પણ તેનો અનુવાદ થયો છે.

ઝૈનાબ બાડાવી કહે છે કે તેમણે આફ્રિકાના ઈતિહાસમાં માત્ર કરુણાંતિકાઓ પર નહિ, પરંતુ મહાન પળો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આફ્રિકન આફ્રિકામાં મહાન વ્યક્તિઓ, સંસ્થાઓ, રીતરિવાજો, પરંપરાઓ છે જે આદર, અભ્યાસ અને જ્ઞાનપ્રાપ્તિ માટે અમૂલ્ય છે. તેઓ બાળકોને વિવિધ ચિત્રો દ્વારા જકડી રાખવા માંગે છે. જો ઈતિહાસને કલ્પનાનો રંગ ચડાવાય તો બાળવાચકો પણ તેને સારી રીતે સમજી શકે છે. આથી, ‘આફ્રિકાઃ હિસ્ટરી એન્ડ હિરોઝ’ પુસ્તકમાં ઈતિહાસને જીવંત બનાવવા સરળ ભાષા સાથે ચિત્રોનો ભરપૂર ઉપયોગ કરાયો છે.

બાડાવી કહે છે કે બાળકોને નાની વયથી જ આફ્રિકન ઈતિહાસનો પરિચય કરાવવો જોઈએ જેથી તેઓ તેને વૈશ્વિક ઈતિહાસનો જ એક ભાગ હોવાનું સમજી શકે. આ પુસ્તક મૂળ તો બીબીસી સીરિઝ તરીકે શરૂ કરાયું હતું, જેમાં બાડાવીના 30 આફ્રિકન દેશના પ્રવાસ, ઈતિહાસવિદો. આનુવાંશિક તજજ્ઞો અને આફ્રિકન ગીતો, નૃત્યો અને સંસ્કૃતિના નિષ્ણાતો સાથે મુલાકાતોને આવરી લેવાઈ હતી.

SOAS યુનિવર્સિટી ઓફ લંડનના વર્તમાન પ્રેસિડેન્ટ બાડાવીના કહેવાં અનુસાર તેમનું પુસ્તક આફ્રિકાનો કોઈ ઈતિહાસ જ નથી તેવી મિથ્યા વાતોને ફગાવી દેશે. મુખ્યત્વે ફ્રાન્સ અને બ્રિટિશ સંસ્થાન રહેલા આફ્રિકા ખંડના ઈતિહાસને અત્યાર સુધી યુરોપીય નજરે જ જોવાયો છે અને આફ્રિકામાં પણ ઘણા ઓછાં લોકો તેના ઈતિહાસ વિશે જાણે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter