બ્રિટિશરોને સ્વદેશ પહોંચાડવા એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ

રાષ્ટ્રીય એર લાઈન દ્વારા ૪-૭ એપ્રિલ દરમિયાન દિલ્હીથી લંડન વચ્ચે ચાર ઉડ્ડયન કરાશે. આ ઉપરાંત, પાંચ અને સાત એપ્રિલે મુંબઈ-લંડન રૂટ પર પણ ફ્લાઈટ્સ ઉડાવાશે.

Friday 03rd April 2020 05:10 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીના પગલે ભારતમાં અટવાયેલા બ્રિટિશરોને સ્વદેશ પહોંચાડવા ભારતથી લંડન સુધી એર ઈન્ડિયાની ડાયરેક્ટ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજનાને એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ સમર્થન આપ્યું છે. આ ફ્લાઈટ્સ ૪-૭ એપ્રિલ દરમિયાન કામ કરશે. કોલકાતાસ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે કોલકાતામાં અટવાયેલા બ્રિટિશ નાગરિકોનું સફળતાપૂર્વ સ્થાળાંતર કરાવ્યા પછી આ કામગીરી હાથ ધરાનાર છે. એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એર લાઈન દ્વારા ૪-૭ એપ્રિલ દરમિયાન દિલ્હીથી લંડન વચ્ચે ચાર ઉડ્ડયન કરાશે. આ ઉપરાંત, પાંચ અને સાત એપ્રિલે મુંબઈ-લંડન રૂટ પર પણ ફ્લાઈટ્સ ઉડાવાશે. ગત સપ્તાહે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે વિદેશમાં અટવાઈ પડેલા બ્રિટિશરોને સ્વદેશ લાવવા ૭૫ મિલિયન પાઉન્ડની પાર્ટનરશિપ યોજના જાહેર કરી હતી.

ભારતસ્થિત કાર્યકારી બ્રિટિશ હાઈ કમિશનરે જાન થોમ્પસને એક વીડિયોમાં જણાવ્યું હતું કે,‘અમે ભારતથી ફ્લાઈટ્સ નિશ્ચિત થયા પછી તેના ચોક્કસ ડિપાર્ચર સમય અને સ્થળોની જાહેરાત અમારી ટ્રાવેલ એડવાઈસ તેમજ સોશિયલ મીડિયા ચેનલ્સ પર જાહેરાત કરીશું.’

આ દરમિયાન, એર લાઈનની લાંબી સેવાના પાઈલોટ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એક્ઝિક્યુટિવ પાઈલોટ્સ એસોસિયેશને પત્ર દ્વારા જણાવ્યું છે કે તેઓને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)ના તદ્દન ખરાબ ઉપકરણો અપાયા છે જે બચાવ ફ્લાઈટ્સમાં સહેલાઈથી ફાટી જાય છે. ગત ૨૦ માર્ચે ન્યૂ યોર્કથી મુંબઈ સુધીની નિયમિત ફ્લાઈટ પર કાર્યરત એર ઈન્ડિયાની એર હોસ્ટેસ કોરોના વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ જાહેર થઈ હતી અને મુંબઈની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

કોરોના મહામારીના પગલે ભારતમાં ૧૪ એપ્રિલ સુધી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયા સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદો સીલ કરી દેવાઈ છે તેમજ તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સ કામચલાઉ સસ્પેન્ડ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter