ભાગેડુ વિજય માલ્યાનું પ્રત્યર્પણ અટક્યુ

Friday 12th June 2020 07:37 EDT
 
 

લંડનઃ શરાબના બિઝનેસમેન અને ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરનારા ભાગેડુ વિજય માલ્યાનું ભારતને પ્રત્યર્પણ થવાની આશા પર છેલ્લી ઘડીએ પાણી ફરી વળ્યું છે. યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધા પછી યુકેના કાયદા અનુસાર માલ્યાને ૧૧ જૂન સુધીમાં ભારતમાં મોકલી દેવાવો જોઈએ.
જોકે બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક કાયદાકીય બાબતોનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રત્યર્પણ શક્ય નથી. એક અહેવાલ અનુસાર ભારતની રાજ્યસભાના પૂર્વ સાંસદ માલ્યા બ્રિટનમાં રાજકીય આશ્રય મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
ભારત-બ્રિટન પ્રત્યર્પણ કરાર હેઠળ બ્રિટિશ હોમ ઓફિસે સત્તાવાર રીતે માલ્યાને ૨૮ દિવસની અંદર ભારતમાં પ્રત્યર્પિત કરવાના અદાલતી આદેશને પ્રમાણિત કરવાનો હતો. આ તારીખ ૧૧ જૂને સમાપ્ત થઇ રહી છે. જોકે, હવે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને ભારતમાં લાવવામાં વિલંબ થવાની શકયતા છે. 

દિલ્હીસ્થિત બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું છે કે કેટલાક નવા કાનૂની મુદ્દાઓ હોવાથી યુનાઈટેડ સ્પિરિટ્સ અને યુનાઈટેડ બ્રુઅરીઝ તેમજ કિંગફિશરના પૂર્વ માલિક વિજય માલ્યાને હાલ તુરંત ભારતમાં મોકલાય તેવી શક્યતા નથી. આ અગાઉ કહેવાયું હતું કે માલ્યાને કોઈ પણ સમયે ભારત લાવી શકાય છે અને તેના પ્રત્યર્પણની તમામ કાર્યવાહી પુર્ણ કરી દેવાઈ છે. જોકે, કાનૂની મુદ્દો શું છે તે બ્રિટિશ સરકાર જણાવતી નથી. યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘ કાયદાકીય મુદ્દો ગોપનીય હોવાથી તેના વિશે વધુ માહિતી ન આપી શકાય તેમ નથી. આ મુદ્દો ક્યારે ઉકેલાશે તેનો અંદાજ અમે આપી શકતા નથી. યુનાઈટેડ કિંગ્ડમના કાયદા અનુસાર તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રત્યર્પણ થઈ શકે નહિ. અમે તેનો ઝડપથી ઉકેલ લાવવા કાર્યરત છીએ.’ એમ કહેવાય છે કે આ નવી પરિસ્થિતિ માલ્યાએ યુકેમાં રાજકીય આશ્રયની માગણી કરતી અરજીના કારણે સર્જાઈ હોઈ શકે છે. આવી અરજીના મૂલ્યાંકનમાં સામાન્ય રીતે પાંચ વર્ષનો સમય વીતી જાય છે. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિડ રોગચાળાના સંજોગોમાં તેને ભારત મોકલાય તો તેના આરોગ્યને ખરાબ અસર થઈ શકે તેવી દલીલો માલ્યાએ કરી હોવાની પણ શક્યતા છે.
યુકેની કોર્ટ્સે માલ્યા સામે ભારતમાં બેન્કો સાથે ૧.૫ બિલિયન ડોલરની છેતરપિંડી, મનીલોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે પ્રથમ દર્શનીય કેસ છે. માલ્યાએ તેની કિંગફિશર એરલાઈન્સ માટે બેન્કો પાસેથી ૯,૦૦૦ કરોડ રૂપિયાની મોટા પાયે લોન્સ લઈ તે ચૂકવી ન હતી અને માર્ચ ૨૦૧૬માં તે યુકે નાસી આવ્યો હતો. ભારત દ્વારા ભાગેડુ આરોપી જાહેર કરાયેલો માલ્યા યુકેમાં એપ્રિલ ૨૦૧૭થી ૬૫૦,૦૦૦ પાઉન્ડના જામીન પર મુક્ત છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે પ્રત્યર્પણ કેસની ટ્રાયલમાં ૨૦૧૮ના ડિસેમ્બરમાં માલ્યાને ભારતની કોર્ટ્સમાં જવાબ આપવા પ્રત્યર્પણનો આદેશ કર્યો હતો. જોકે, અનેક અપીલો પછી યુકેની કોર્ટ ઓફ અપીલે બે મહિના અગાઉ આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી પણ લંડન હાઈ કોર્ટે ૧૪ મેના ચુકાદામાં માલ્યાને સુપ્રીમ કોર્ટમાં જવાની પરવાનગી નકારી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યા અવારનવાર તેની જપ્ત સંપત્તિમાંથી બેન્ક લોન્સના નાણા ચૂકવી દેવાની તૈયારી અને તેની વિરુદ્ધ ક્રિમિનલ ચાર્જીસ પડતા મૂકવાની ઓફર ભારત સરકારને કરતો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter