ભારત સાથે ભેદભાવઃ યુકેની કોવિશીલ્ડ યુકેમાં જ અમાન્ય

Wednesday 22nd September 2021 15:07 EDT
 
 

લંડનઃ બ્રિટને કોવિડ-૧૯નું જોખમ ઓછું થયા પછી ટ્રાવેલિંગ નિયમો હળવા કર્યા છે પણ, વેક્સિનની માન્યતા અપાયેલા દેશોમાં ભારતની કોવિશીલ્ડ વેક્સિનનું નામ નથી. આના પરિણામે, બ્રિટન જનારા ભારતીયોએ રવાના થતાં પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને બ્રિટનમાં ક્વોરેન્ટાઈન સહિતના સ્થાનિક નિયમો તેમને લાગુ પડશે. કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા નહિ આપવા સામે ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ભારત સાથે આ સીધા ભેદભાવની નીતિ જ છે કારણ કે આ વેક્સિન યુકેની ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકાએ જ વિકસાવી છે અને ભારતમાં તેનું કોવિશીલ્ડ નામથી ઉત્પાદન કરાય છે.
યુકેએ અમેરિકા, યુરોપ સહિત વિશ્વના ઘણા દેશોના વેક્સિનેટેડ લોકોને ટ્રાવેલિંગની મંજૂરી આપી છે. જોકે, ભારતીય પ્રવાસીને આવી છૂટછાટ અપાઇ નથી. ઓક્ટોબર મહિનાની ચોથી તારીખથી અમલી બની રહેલા નિયમો અનુસાર માન્ય વેક્સિનના બંને ડોઝ લગાવનારાને જ સંપૂર્ણ વેક્સિનેટેડ ગણાશે.

ભારતમાં કોવિશિલ્ડ રસીના બે ડોઝ લેનારા વ્યક્તિઓ બ્રિટન પહોંચે તો તેમને રસીના બે ડોઝ લેનારા લોકોમાં નહિ ગણાય અને કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા હશે છતાં ઇંગ્લેન્ડમાં ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવું પડશે . આ પછી તેમણે PCR ટેસ્ટ કરાવવો પડશે. નવા નિયમથી બ્રિટન જવા માંગતા ભારતીયોમાં ચિંતા છે.
ભારતે નારાજગી દર્શાવી
ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે પણ યુકે સમક્ષ વેક્સિનેશન સાથે સંકળાયેલા ટ્રાવેલિંગના પ્રતિબંધનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે મંગળવારે બંને દેશો વચ્ચેના પરસ્પર હિતમાં બ્રિટનમાં કોવિડ ક્વોરેન્ટાઈનના મુદ્દાને પણ વહેલી તકે ઉકેલવા પર ભાર મુક્યો હતો. જોકે બ્રિટને કહ્યુ છે કે, ભારતમાં મુકાતી કોવિશિલ્ડ રસીને માન્યતા આપવા માટે ભારત સાથે ચર્ચા થઈ રહી છે. ભારત સિવાય ઘણા અન્ય દેશ પણ યુકેના ટ્રાવેલ પ્રતિબંધોથી નારાજ છે. એમાં આફ્રિકા, સાઉથ અમેરિકા અને પશ્ચિમ એશિયાના એ દેશો સામેલ છે, જે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને ફાઈઝર-બાયોએનટેક વેક્સિનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ત્રણ વેક્સિનને યુકેમાં પણ મંજૂરી મળી ગઈ છે.
યુરોપિયન દેશોની કોવિશીલ્ડને માન્યતા
યુકેના નવા નિયમો મુજબ, જે ભારતીયોને કોવિશીલ્ડના બંને ડોઝ લાગ્યા છે તેમને અન-વેક્સિનેટેડ મનાશે. રિપોર્ટ મુજબ ભારતે આ મામલે યુકે સરકાર સામે નારાજગી જાહેર કરી છે. યુરોપિયન યુનિયને સભ્યદેશ પર છોડ્યું છે કે તે ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ માને કે ન માને. અત્યાર સુધીમાં ૧૨થી વધુ યુરોપિયન દેશે કોવિશીલ્ડને માન્યતા આપી છે.
બ્રિટને કોરોના સંબંધિત જાહેર કરેલી ટ્રાવેલ માર્ગર્દિશકામાં આફ્રિકન અને દક્ષિણ અમેરિકન દેશોમાંથી આવતા પ્રવાસી માટે ૧૦ દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈનનો આકરો નિયમ હતો.
હવે તેમાં સુધારો કરી પ્રતિબંધિત દેશોની યાદીમાં ભારત, રશિયા, સાઉદી આરબ, તુર્કી અને જોર્ડનને પણ સામેલ કરી દીધા છે.
પરિણામે હવે ભારતમાંથી આવનાર નાગરિકોએ માન્ય વેક્સિનના બે ડોઝ લઈ લીધા હોય તો પણ તેમણે ફરજિયાત ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે છે.
યુકેના નવા ટ્રાવેલ નિયમ શું છે?
• ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા, ફાઈઝર કે મોડર્ના જેવી ડબલ ડોઝ વેક્સિનના બંને ડોઝ લેનારાને ફુલ્લી વેક્સિનેટેડ ગણાશે.
• સિંગલ ડોઝવાળી J&J વેક્સિન લેનારાઓને ફુલ્લી વેક્સિનેટેડ માનવામાં આવશે.
• આવી વેક્સિનને યુકે, યુરોપ, અમેરિકામાં મંજૂરી મળેલી હોવી જોઈએ.
• નવા નિયમો અંતર્ગત- ઓસ્ટ્રેલિયા, એન્ટિગુઆ એન્ડ બાર્બુડા, બાર્બાડોસ, બેહરીન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી અરબ, સિંગાપોર, સાઉથ કોરિયા અને તાઈવાનમાં સરકારી હોસ્પિટલોમાં વેક્સિન લગાવનારાઓને પણ ફુલ્લી વેક્સિનેટેડ માનવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter