દેશના સૌથી મોંઘા વકીલો પૈકી એક પૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વેએ 68 વર્ષની ઉંમરે રવિવારે લંડનમાં ત્રીજા લગ્ન કર્યા. તેમના ત્રીજા પત્ની ટ્રીના બ્રિટિશ મૂળનાં છે. લગ્ન સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી, સુનીલ મિત્તલ, એલ.એન. મિત્તલ, ગોપીચંદ હિન્દુજા, લલિત મોદી અને તેની ગર્લફ્રેન્ડ મોડલ ઉજ્જવલા રાઉત. સાલ્વે અને ટ્રીનાના ફ્રેન્ડ્સ અને પરિવારજનોએ હાજરી આપી હતી. આ અગાઉ સાલ્વેએ પહેલી પત્ની મીનાક્ષીથી અલગ થયા બાદ 2020માં બીજા લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન થકી તેમને બે દીકરીઓ-સાક્ષી અને સાનિયા છે. 38 વર્ષના લગ્નજીવન બાદ મીનાક્ષીથી અલગ થયાના થોડા મહિનાઓમાં જ તેમણે કેરોલિન બ્રોસ્સાર્ડ સાથે બીજા લગ્ન કર્યા હતા. કેરોલિન સાથે લગ્ન પૂર્વે તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સાલ્વે ઘણા હાઇ-પ્રોફાઇલ કેસ લડી ચૂક્યા છે. પાકિસ્તાનમાં જાસૂસીના આરોપસર મોતની સજા મેળવનારા કુલભૂષણ જાધવનો કંસ તેઓ જ લડ્યા હતા અને તે માટે તેમણે ભારત સરકાર પાસેથી માત્ર એક રૂપિયો ફી લીધી હતી. તેઓ વોડાફોન, મુકેશ અંબાણી, રતન તાતા અને આઇટીસી હોટલ્સના કેરા પણ લડી ચૂક્યા છે. તેઓ નવેમ્બર, 1999થી નવેમ્બર, 2002 દરમિયાન ભારતના સોલિસીટર જનરલ રહ્યા હતા.


