નવી દિલ્હીઃ બ્રિટનની સંસદમાં તાજેતરમાં ભારતના નવા કૃષિ કાયદા સામે ચાલતા દેશવ્યાપી ખેડૂત આંદોલન અંગે ચર્ચા કરાઇ હતી. તો હવે ભારતે પણ બ્રિટનને વળતો જવાબ આપવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોમવારે રાજ્યસભામાં બ્રિટનમાં વધી રહેલા રંગભેદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષપદેથી રશ્મિ સામંત નામની ભારતીય વિદ્યાર્થિનીના રાજીનામા મુદ્દે જયશંકરે કહ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થિની સાથે થયેલા ભેદભાવનો મુદ્દો જરૂર પડ્યે યોગ્ય મંચ પર ઉઠાવાશે.
તાજેતરમાં રશ્મિ સામંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ૩૭૦૮માંથી ૧૯૬૬ મત મેળવીને ચૂંટાઇ હતી, પણ પછી તેને ગણતરીના દિવસોમાં રાજીનામુ આપવાની ફરજ પડી હતી. રશ્મિ સામંતની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ થયા બાદ તેને નિશાન બનાવાઇ હતી. બાદમાં તેણે હોદ્દો છોડી દેવાની જાહેરાત કરી હતી. રશ્મિએ દાવો કર્યો હતો કે મારા રાજીનામા પાછળ રંગભેદનો મુદ્દો પણ સામેલ છે. ભાજપ સાંસદ અશ્વિની વૈષ્ણવે સંસદમાં ભારતીય છાત્રાના રાજીનામાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જવાબમાં જયશંકરે કહ્યું હતું કે બ્રિટનમાં થઈ રહેલા રંગભેદના બનાવો ઉપર ચાંપતી નજર છે. જરૂર પડયે યોગ્ય મંચ ઉપરથી મુદ્દો ઉઠાવાશે.
જયશંકરે કહ્યું હતું કે, આપણે ગાંધીજીના દેશના લોકો છીએ અને વંશીય ભેદભાવ પર ચૂપ બેસી શકીએ નહીં, તે પણ એવા દેશમાં જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. બ્રિટન સાથે આપણા સંબંધ સારા છે, પણ જો કોઈ મામલો સામે આવ્યો તો તેના પર પગલાં લેવાશે.
સાંસદ વૈષ્ણવે રાજ્યસભામાં આ મુદ્દે જણાવ્યું હતું કે, રશ્મિ સામંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ પદે ચૂંટાયા હતા, પણ તેમને કેટલીક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ બદલ ટાર્ગેટ કરાયાં હતા અને તેથી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.