ભારતને અરાજકતાથી દૂર રાખવા 400 ભારતવંશી એકેડેમિક્સની હાકલ

ભારતની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાના પ્રયાસો સામે ચિંતા વ્યક્ત કરી

Wednesday 21st October 2026 06:57 EDT
 
 

લંડનઃ MIT અને ઓક્સફર્ડના ભારતીય મૂળના 400 એકેડેમિક્સે ‘ભારતને અરાજકતાથી દૂર રાખો’ની હાકલ કરી થઈ રહેલા વિરોધ-દેખાવોની આકરી નિંદા કરી છે. જોકે, ભારતમાં ઈલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ થઈ રહેલા દેખાવો મધ્યે આવેલાં તેમના નિવેદનમાં કોઈ ચોક્કસ દેખાવ અને જૂથનો નામોલ્લેખ કરવામાં આવ્યો નથી.

વિશ્વના 27 દેશોમાં અગ્રણી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા ભારતીય મૂળના 400થી વધુ વિદ્યાર્થીઓ, સંશોધકો, એકેડેમિક્સ અને પૂર્વ વિદ્યાર્થીઓએ ‘સ્પેર ઈન્ડિયા ફ્રોમ એનાર્કી’ ટાઈટલ સાથેના એક સંયુક્ત નિવેદનમાં વિધ્વંસકારી શેરી દેખાવો થકી ભારતની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાના પ્રયાસો સામે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, તેમના નિવેદનમાં ચોક્કસ દેખાવ અથવા જૂથનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નિવેદનમાં સહી કરનારાઓ યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઈટેડ કિંગ્ડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, ધ નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, ઈટાલી, સ્પેન, સ્વીડન, નોર્વે, પોલેન્ડ, રશિયા, સાઉથ કોરિયા, જાપાન, સિંગાપોર, મલેશિયા, ઈઝરાયેલ અને યુનાઈટેડ આરબ અમિરાત સહિતના દેશોમાં વસેલા છે. તેઓ MIT, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, પ્રિન્સટોન, હાર્વર્ડ, યેલ, સ્ટેનફોર્ડ, કોલમ્બિયા, ધ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, ધ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને ધ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

નિવેદનમાં જણાવાયું છે કે, ‘આઝાદી પછીના સાત દાયકામાં ભારતની લોકશાહીએ અવારનવાર પોતાની સ્થિતિસ્થાપકતાને પુરવાર કરી છે. સંસ્થાઓએ વિકાસ સાધ્યો છે, ચેક્સ અને બેલેન્સીસ- નિયંત્રણો અને સંતુલનોએ પ્રશંસાપૂર્ણ કામગીરી બજાવી છે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ટકાઉ હોલમાર્ક બની કહેલ છે.’

નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓએ ચૂંટણીના પરિણામોને નકારવાના વધી રહેલા વલણ, બંધારણીય સંસ્થાઓ સામે ઉઠાવાતા પ્રશ્નો તેમજ ‘પાર્લામેન્ટના સ્થાને શેરીઓને પ્રાથમિકતા’ આપવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે તરફેણમાં ન હોય તેવા ચૂંટણી પરિણામોના પગલે ચૂંટણીપ્રક્રિયાના વાજબીપણા સામે આક્ષેપો સતત વધી રહ્યા છે. આવું જ કોર્ટના ચુકાદાઓ બાબતે પણ થાય છે, જ્યાં ન્યાયિક સ્વાતંત્ર્યને નબળી પાડતી ટીપ્પણીઓ કરવામાં આવે છે. નિવેદનમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે દેશના લશ્કરી દળોને પણ અયોગ્યપણે રાજકીય વિવાદોમાં ઘસડી લવાય છે.

નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓ દ્વારા દલીલ કરાઈ છે કે સબ જ્યુડિસ-ન્યાયાધીન હોય તેવી બાબતોને રાજકીય સ્વરૂપ આપીને ભારતીય લોકશાહીમાં અવિશ્વાસ ઉભો કરાઈ રહ્યો છે. બંધારણીય વહીવટમાં કદી વિશ્વાસ નહિ ધરાવતા અરાજકતાવાદી તત્વો દ્વારા પાછળથી આ મુદ્દાઓને શેરીઓમાં ઉછાળવામાં આવે છે. લોકશાહીને બચાવવાના ઓઠા હેઠળ કરાઈ રહેલું કાર્ય ભારે વિરોધાભાસી અને ચિંતાજનક હોવાનું પણ નિવેદનમાં જણાવાયું છે.

નિવેદનના હસ્તાક્ષરીઓ દ્વારા ડો. બી.આર. આંબેડકરની ચેતવણીને ટાંકવામાં આવી છે કે જો ભારતે બંધારણીય ગણતંત્ર તરીકે અસ્તિત્વ જાળવી રાખવું હોય તો નાગરિકોએ ચૂસ્તપણે બંધારણીય પદ્ધતિઓ પ્રતિ મજબૂતપણે પ્રતિબદ્ધ રહેવું પડશે અને ક્રાંતિની હિંસક પદ્ધતિઓને છોડી દેવી પડશે, જેને તેમણે ‘અરાજકતાના વ્યાકરણ’ તરીકે વર્ણવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter