નવી દિલ્હીઃ બ્રિટનના ‘જેન્સ ડિફેન્સ વિકલી’એ સેટેલાઈટ તસવીરોના આધારે એવો દાવો કર્યો છે કે ભારતે અરિહંત શ્રેણીની ત્રીજી અણુસબમરિન એસ-૪ ગુપ્ત રીતે લોન્ચ કરી દીધી છે. આ સબમરિનની મારક ક્ષમતા ૩૫૦૦ કિલોમીટરની છે અને તે આઠ કે-૪ સબમરિન લોંચ બેલેસ્ટિક મિસાઈલ વહન કરવાની ક્ષમતાથી સજ્જ છે.
અહેવાલમાં દાવો થયો હતો કે ગત ૨૩મી નવેમ્બરે વિશાખાપટ્ટનમ્ સ્થિત ગુપ્ત શિપ બિલ્ડિંગ સેન્ટરમાં અરિહંત શ્રેણીની એસ-૪ મિસાઈલ લોન્ચ કરી છે. આ મિસાઈલ અરિહંત શ્રેણીની સૌથી લેટેસ્ટ આવૃત્તિ છે. તેને ડીઆરડીઓ અને ઊર્જા વિભાગે સંયુક્ત રીતે વિક્સાવી છે. ૭૦૦૦ ટન વજનની આ સબમરિનમાં આઠ મિસાઈલ લોંચ ટ્યુબ લગાવેલી છે. મતલબ કે એમાં આઠ ન્યૂક્લિયર બેલાસ્ટિક મિસાઈલ વહન થઈ શકે છે.
સંરક્ષણ ક્ષેત્રના આ જર્નલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે ચૂપકિદીથી આ પરમાણુ સંચાલિત સબમરિન લોંચ કરીને નૌકાદળની શક્તિમાં વધારો કર્યો છે. અગાઉ આ જ શ્રેણીની ‘આઈએનએસ અરિઘાત’ અને ‘આઈએનએસ અરિહંત’ લોન્ચ થઈ ચૂકી છે. અગાઉ અરિહંત શ્રેણીની સબમરિનમાં મિસાઈલ લોંચ ટ્યુબની સંખ્યા ચાર હતી. આ લેટેસ્ટ સબમરિનમાં એ વધીને આઠ થઈ ગઈ છે.
૩૫૦૦ કિમીની મારક ક્ષમતા ધરાવતી આ સબમરિનમાં ૨૪ કે-૧૫ મિસાઈલો પણ તૈનાત થઈ શકશે. ભારતમાં કે-૪ મિસાઈલોના પરીક્ષણો થઈ રહ્યા છે.
આ મિસાઇલ સજ્જ પરમાણુ સબમરિનથી ભારતીય નૌકાદળ પાકિસ્તાન અને ચીન એમ બંનેને નિશાન બનાવી શકશે. આ પરમાણુ સબમરિન બનાવવામાં ભારતીય નૌકાદળના નિષ્ણાતો ઉપરાંત રશિયન વૈજ્ઞાનિકોએ મદદ કર્યાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ સબમરિનમાં ૮૨.૫ મેગાવોટનું લાઈટ વોટર રિએક્ટર લગાવવામાં આવ્યું છે. સબમરિન અંગે જોકે સત્તાવાર રીતે કોઈ જ જાહેરાત થઈ નથી. વ્યૂહાત્મક રીતે આ સબમરિન ભારત માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.


