મહારાષ્ટ્રના આ રેલવે રૂટનું ભાડું આજે પણ અંગ્રેજો વસૂલે છે!

Monday 18th January 2021 06:03 EST
 
 

અમરાવતી: ભારતને અંગ્રેજી હકૂમતથી આઝાદ થયાને ૭૩ વર્ષ ભલે થયા હોય, પણ સાપ ગયા ને લિસોટા રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ભારતની આઝાદીના સાત દસકા પછી પણ ૧૮૯ કિમીના એક રેલવે રૂટનું ભાડું અંગ્રેજો વસૂલી રહ્યા છે. ઈન્ડિયન રેલવેનું સંચાલન આમ તો ભારત સરકાર કરે છે, અને તેમ છતાં બ્રિટીશ કંપનીને ભાડું ચૂકવવું પડે છે.
આ રેલવે ટ્રેક મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીથી મુર્તુઝાપુર વચ્ચે આવેલો છે. આ ટ્રેક નેરોગેજ છે, જેના પર ૧૮૯ કિમીનું અંતર કાપતા ટ્રેનને ૬થી ૭ કલાક લાગે છે. શકુંતલ એક્સપ્રેસ તેના નિર્ધારિત ડેસ્ટીનેશન પર પહોંચતા પૂર્વે અચલપુર અને યવતમાલ ઉપરાંત નાના મોટા કુલ ૧૭ સ્ટેશનોએ રોકાય છે. ૧૦૦ વર્ષથી ૫ ડબ્બાવાળી ટ્રેન એક સમયે કોલસા અને વરાળ સંચાલિત એન્જિન વડે ચાલતી હતી, પરંતુ ત્યાર પછી ડિઝલ એન્જિન જોડવામાં આવ્યું છે. આ સમગ્ર રૂટ પર આજે પણ બ્રિટિશ જમાનાના ડિઝાઈન કરેલા સિગ્નલ છે.
અમરાવતી આસપાસનો આ વિસ્તાર એક સમયે કપાસની ખેતી માટે મશહૂર હતો. આ કપાસને મુંબઈ પોર્ટ સુધી લાવવા માટે અંગ્રેજોએ રેલવે લાઈન નાખી હતી. ૧૯૦૩માં બ્રિટિશ કંપની નિક્સને રેલવે ટ્રેક બિછાવવાનું શરૂ કર્યું, જેનું કામ ૧૯૧૬માં પૂર્ણ થયું હતું. માન્ચેસ્ટર સીટીની ફેક્ટરીમાં બનેલી આ ટ્રેન ૧૯૨૧માં ભારત લાવવામાં આવી હતી. આ રેલવે ટ્રેક પર શકુંતલ એક્સપ્રેસ ટ્રેનના નામથી શકુંતલા રેલવે રૂટ તરીકે પણ ઓળખાય છે.
પરંતુ આજે પણ આ રૂટ બ્રિટન સરકાર હસ્તક કેમ છે? તમને જાણીને નવાઈ લાગશે કે ૧૯૫૧માં રેલવેનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે આ રેલવે રૂટ ભારત સરકારના ધ્યાનમાં આવ્યો જ ન હતો. આજે પણ ભારત સરકાર અવેજમાં દર વર્ષે બ્રિટિશ કંપનીને ૧.૨૦ કરોડ રૂપિયાની રોયલ્ટી ચૂકવે છે. આ રેલવે ટ્રેકનો નિભાવ અને જાળવણી બ્રિટનની કંપની કરે છે.
ભારત સરકાર રોયલ્ટી પેટે દર વર્ષે મોટી રકમ આપતી હોવા છતાં ટ્રેકની સ્થિતિ સારી નથી. આથી જ આ ટ્રેક પર ચાલતા જેડીએમ સિરીઝના ડીઝલ લોકો એન્જિનની મહતમ સ્પીડ કલાકના ૨૦ કિમીથી વધારે નથી. ગત ૨૦૨૦થી ટ્રેકની મરામત અને બ્રોડગેજ લાઈનમાં ફેરવવા માટે ટ્રેન રૂટ બંધ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter