નવી દિલ્હીઃ રૂ. ૯૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવીને બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાના બ્રિટનથી પ્રત્યાર્પણની કાર્યવાહીઓ ચાલી રહી છે ત્યારે બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન માલ્યા માટે બ્રિટનને ચિંતા થઈ આવી છે. બ્રિટને ભારતને પૂછ્યું છે કે અમે વિજય માલ્યાને ભારતમાં મોકલીએ ત્યારે તેને તમે કઈ જેલમાં રાખવાના છો તેની માહિતી આપો. આ પ્રકારના બ્રિટનના વલણને લઈને ભારતે ખેદ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન મોદીએ માલ્યાને લઈને બ્રિટનના વલણ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને થેરેસા મેને કહ્યું હતું કે, માલ્યાને ભારત કઈ જેલમાં રાખશે તેવા સવાલો કરવાથી બ્રિટને દૂર રહેવું જોઈએ.
મોદી અને થેરેસા મેની આ મુલાકાતની માહિતી આપતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે મોદીએ થેરેસા મેને કહ્યું હતું કે ભારતમાં એ જ જેલો છે કે જ્યાં એક સમયે બ્રિટને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને અન્ય ટોચના નેતાઓને કેદ કરીને રાખ્યા હતા.
મોદીએ બ્રિટનને તેનો ઈતિહાસ યાદ અપાવી આડકતરી રીતે જેલ મુદ્દે ટોણો પણ માર્યો હતો.