માલ્યાની પ્રોપર્ટી વેચીને લેણાં વસૂલવા બેન્કોને મંજૂરી

Wednesday 09th June 2021 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય બેન્કોના કરોડો રૂપિયા ઓળવીને બ્રિટનમાં આશરો લઇ રહેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે બે અલગ અલગ આદેશમાં વિજય માલ્યાની રૂ. ૫,૬૦૦ કરોડની સંપત્તિ વેચીને પોતાનું લેણું વસૂલ કરવા સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાની આગેવાની હેઠળના બેન્કોના જૂથને મંજૂરી આપી છે. કોર્ટે માલ્યાની સંપત્તિ બેન્કોને ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે. આ આદેશને ભારતીય બેન્કિંગ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની સફળતા તરીકે નિહાળવામાં આવે છે.
પીએમએલએ કોર્ટના જજ જે. સી. જગદાલેએ ચુકાદો આપ્યો હતો કે, બેંકોએ વિજય માલ્યાની કંપનીને જે લોન આપી હતી તેના નુકસાનનું હાલની પરિસ્થિતિમાં આકલન કરવું મુશ્કેલ છે, પરંતુ બેન્કોએ રૂ. ૬,૨૦૦ કરોડના નુકસાનનો દાવો કર્યો છે તે પણ કોઈ કાલ્પનિક નથી. ગયા મહિને જ પીએમએલએ કોર્ટે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તરફથી જેટલી સંપત્તિ સીઝ કરવામાં આવી છે, તેમાંથી બેન્કોનું જૂથ પોતાનું લેણું વસૂલ કરી શકે છે.
એસબીઆઈના નેતૃત્વ હેઠળની ૧૭ બેન્કોના જૂથે વિજય માલ્યાને રૂ. ૯,૦૦૦ કરોડની લોન આપી હતી. તેને ચૂકવ્યા વગર જ માલ્યા દેશ છોડીને નાસતો ફરે છે. હવે આ સંપત્તિને વેચીને બેન્કો માલ્યા પાસેથી લેણાની વસૂલાત કરશે.
વિજય માલ્યાના વકીલનો દાવો છે કે બેંકોને સોંપવામાં આવનાર સંપત્તિનું સંયુક્ત મૂલ્ય ઘણું મોટું છે. બેન્કોના જૂથે આ સંપત્તિ પોતાને સોંપવાની માગણી કરી હતી. વિજય માલ્યાએ આ આદેશ સામે મનાઇહુકમ ફરમાવવાની માગ પણ કરી હતી. જોકે પીએમએલએ કોર્ટે આ આદેશ પર પ્રતિબંધ મૂકવાની માલ્યાની અરજીને ફગાવી દીધી હતી. ભારતીય બેન્કોના સમૂહ માટે આ એક મોટા અને મહત્ત્વના સમાચાર છે કેમ કે હવે તેઓ સંપત્તિને વેચીને પોતાના લેણાં વસૂલ કરી શકશે. કોર્ટના ચુકાદા અંગે પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકાર્જુન રાવે જણાવ્યું હતું કે કિંગફિશરમાં પીએનબીનું વધારે લેણું નથી પરંતુ મુખ્ય બેન્કો માલ્યાનો હિસ્સો વેચશે પછી પીએનબીને પણ તેનો હિસ્સો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter