માલ્યાને રાખવાની જેલનો વીડિયો યુકેની કોર્ટમાં દર્શાવાશે

Thursday 13th September 2018 04:30 EDT
 
 

મુંબઈઃ વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી જ્યાં કરાશે તે યુકેની અદાલતમાં મુંબઈની આર્થર રોડની જેલની કોટડીનો વીડિયો દર્શાવાશે. યુકેમાં રહેતા કૌભાંડી વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટે કાનૂની કાર્યવાહી ચાલે છે. ભારત સરકારે તાજેતરમાં આ વીડિયો અદાલતને સુપરત કર્યો હતો. ટૂંક સમયમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી યુકેની અદાલતમાં હાથ ધરાશે ત્યારે આ વીડિયો કોર્ટમાં રજૂ થશે. ૧૯૯૩માં ભારત અને યુકે વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થઈ ત્યારથી ભારતમાં જેલોની બિસ્માર હાલત એ ભારતની મોટાભાગની પ્રત્યાર્પણ વિનંતીઓ નકારવાનું મુખ્ય કારણ બની રહી છે. અદાલતની એ ફરજ છે કે જે વ્યક્તિની માગ કરવામાં આવી હોય તેના માનવ અધિકારો જોખમમાં ન મુકાય. માલ્યાને કેવી કોટડીમાં રખાશે તે દર્શાવતો વીડિયો ભારત સરકારે સુપરત કર્યો છે જેથી અદાલતને ખાતરી થાય કે જેલની હાલત બરાબર છે. અદાલતમાં ૩૧ જુલાઈએ થયેલી છેલ્લી સુનાવણી અનુસાર આ વીડિયોમાં બેરેક નંબર ૧૨ની તબક્કાવાર સ્થિતિ દર્શાવાશે. આ કોટડીમાં છ કેદીઓ રાખવાની ક્ષમતા છે.

અદાલતે આ વીડિયો દિવસે કોઈ કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કર્યા વિના શૂટ કરવાનો આદેશ આપ્યો હતો. માલ્યાના વકીલે ભારતની જેલોની કંગાળ હાલતના પુરાવા રજૂ કરી તેના પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter