મેહુલ ચોક્સી અપહરણ કેસનો રેલો યુકેના બિઝનેસમેન સુધી પહોંચ્યો

Wednesday 16th June 2021 03:44 EDT
 
 

લંડનઃ હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ચોક્સીનું અપહરણ કરીને ભારત લઇ જવાની યોજનામાં ગુરદીપ ‘દેવ’ બાથ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે. સીએસ ગ્લોબલના પ્રમોટર્સમાંનો એક લંડનસ્થિત બિઝનેસમેન બાથ સેન્ટ કિટ્સનો ડિપ્લોમેટ પાસપોર્ટ ધરાવે છે અને ઇસ્ટર્ન કેરેબિયનના લગભગ તમામ રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ના અંતમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા વિનસમ ડાયમંડને આપેલી રૂ. ૭૧૦ કરોડની લોન વસૂલવાનો પ્રયાસ કરતી હતી. આ સમયે જૂથના પ્રમોટર-ડિરેક્ટર જતિન મહેતા વિદેશ જતા રહ્યા હતા અને બેન્ક કોલ્સનો જવાબ આપતાં ન હતાં. હવે તપાસકર્તાઓ માને છે કે પ્રમોટર જતિન મહેતાએ કેરેબિયન સ્ટેટ સેન્ટ કિટ્સ અને નેવિસનું નાગરિકત્વ મેળવી લીધું હતું અને પછી કેટલીક ભારતીય બેન્કો પાસેથી મેળવેલા અંદાજે રૂ. ૭,૦૦૦ કરોડ સાથે અદૃશ્ય થઇ ગયો હતો.
સેન્ટ કિટ્સ પાસપોર્ટ છે એક લક્ઝરી કોમોડિટી
આ સેન્ટ કિટ્સ પાસપોર્ટ એક લકઝરી કોમોડિટી છે, જેને વિશ્વના ધનિકો ખરીદી શકે છે. તે સિવાય આજે આ આઈટેમને યુકેસ્થિત કંપની પાસેથી પણ ખરીદી શકાય છે જેની સત્તાવાર સરકારી માર્કેટિંગ એજન્ટ સીએસ ગ્લોબલ છે. એવું મનાય છે કે, પોતાના લેણદારોને ભારતમાં રડતા રાખીને જતિન મહેતા સેન્ટ કિટ્સ પાસપોર્ટ માટે સીએસ ગ્લોબલ પાસે ગયો હોવો જોઈએ અથવા તો આ પ્રકારનો બિઝનેસ કરતી અન્ય કંપની હેનલી પાસે ગયો હોવો જોઈએ.
કેરેબિયન દેશો નાણાંનું રોકાણ કરો તો ઘેરબેઠા પાસપોર્ટ મોકલે છે?
આ સવાલનો જવાબ લંડનની અપર ગવર્નર સ્ટ્રીટમાં આવેલી સીએલ ગ્લોબલની કચેરીમાં રહેલો છે. એક લાખ ડોલરમાં આ કંપની ઇસ્ટર્ન કેરેબિયન્સમાં આવેલા અનેક ટચૂકડા દેશની નાગરિકતા ઓફર કરે છે, તેમાંનું એક એન્ટીગુઆ છે, જેનો પાસપોર્ટ ચોક્સી ધરાવે છે, તે ઉપરાંત સેન્ટ કિટ્સ અને નેવિસ પણ આવા જ દેશ છે. આમાંના કેટલાક દેશો તો એવા છે કે લોકોએ આ દેશમાં રહેવા જવાની પણ તકલીફ ઉઠાવવાની જરૂર રહેતી નથી, પાસપોર્ટની હોમ ડિલિવરી થઇ જાય છે.
રશિયાનો કુલિન વર્ગ, અમેરિકન પ્રતિબંધોથી બચવા માંગતા ઇરાનીઓ, વધારે સુરક્ષિત મુકામ ઇચ્છતા અફઘાનો, બેન્ક કૌભાંડ કરનારા ભારતીયોને માટે કેરેબિયન પાસપોર્ટ એક મદદગાર તરીકે ઊભો હોય છે. સીએસ ગ્લોબલ સેન્ટ કિટ્સમાં અને જે દેશમાં ૨૫ મેના રોજ મેહુલ ચોક્સી પહોંચી ગયો હતો તે ટાપુઓના દેશ ડોમિનિકામાં નાગરિકતા વેચવા માટેનો એકાધિકાર ધરાવે છે.
જતિન મહેતા અને અન્ય ભાગેડુ ભારતીયોને નાગરિકતા વેચવામાં સંભવિત ભૂમિકા ધરાવતો હોવા છતાં ગુરદીપ દેવ બાથ ટોચના ભારતીય અધિકારીઓ સાથે ટકાઉ સંબંધો ધરાવતો હોવાનું કહેવાય છે. ચોકસીના વકીલોએ યુનાઇટેડ કિંગ્ડમમાં કરેલી પોલીસ ફરિયાદમાં તેમના આક્ષેપો સુપરત કર્યા હોવાનું ‘ધ વીક’ના અહેવાલમાં જણાવાયું છે. ફરિયાદમાં ગુરદીપ દેવ બાથ ઉપરાંત બ્રિટિશ નાગરિક ગુરજિત સિંહ ભંડાલ, ભારતીય નાગરિક ગુરમીત સિંહ અને હંગેરિયન મોડેલ બાર્બરા ઝરાબિકના નામ પણ આપવામાં આવ્યા છે કે જેઓ તમામ યુકેમાં વસે છે. જોકે બાર્બરાએ તેની સામેના આક્ષેપો નકાર્યા છે.
પાછલા દાયકાની શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ સિટિઝનશીપની શરૂઆત
પાછલા દાયકાની શરૂઆતમાં સેન્ટ કિટ્સ અને નેવિસમાં એક રોકાણકાર તરીકે નાગરિકતા ઓફર કરવાની વડા પ્રધાન ડેન્ઝિલ ડગ્લાસની સરકારે શરૂઆત કરી. ઇન્ટરનેશનલ સિસ્ટમમાં તમામ દેશો સ્વાયત્તતાનો આનંદ ઉઠાવે છે. વધુમાં આ દેશ રોકડ સામે પ્રત્યાર્પણ અને ટેક્સેશન સામે પણ રક્ષણ ઓફર કરે છે. રોકડની અછત ધરાવતા કેરેબિયન દેશો માટે આ એક ઉદાહરણરૂપ દાખલો બની ગયો. જે દેશોમાં ચાંચિયાઓના અડ્ડા હતાં તે હવે નવા પ્રકારના વૈશ્વિક ગુનેગારોનું ઘર બની ગયા છે.
લંડનની લો કંપની હેનલી કેરેબિયન દેશો માટે પ્રથમ એજન્ટ હતી
ઇસ્ટર્ન કેરેબિયન સિટિઝનશિપ પર સઘન સંશોધન કરનાર એક્સપર્ટ એન માર્લોના એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર આ બિઝનેસની પ્રારંભિક શરૂઆત લંડન સ્થિત લો કંપની હેનલી મારફત કરવામાં આવી હતી, જેની કડી રાજકીય પ્રભાવ ધરાવતી કેમ્બ્રિજ એનાલિટિકા સાથે છે. ૨૦૧૪થી શરૂઆત કરીને હેનલીએ સેન્ટ કિટ્સ, નેવિસ અને ડોમિનિકામાં ખોટા રાજકારણીઓ પર દાવ લગાવ્યો છે. સિટિઝનશિપ વેચવાનો આ બિઝનેસ કમિશન આધારિત છે. પછી આવ્યું સીએસ ગ્લોબલ, આ કંપનીમાં ગુરદીપ બાથે રોકાણ કર્યું હતું અને સમય જતાં ડિરેક્ટર બન્યો.
બાથે અગ્રણી વોશિંગ્ટન લોબિઇસ્ટને પણ હાયર કર્યા હતાં
એક સમયે ‘રેન્જ રોવર ચીટ્સ એન્ડ લાઇ’ જેવા સ્લોગનને પોતાની કાર પર ચિતરનારો બાથ લંડન સોસાયટીના રંગે રંગાયેલો ફ્લેમબોયન્ટ વ્યક્તિ છે. બાથે અગ્રણી વોશિંગ્ટન લોબિયિસ્ટ અને પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનની ભૂતપૂર્વ સ્પેશિયલ કાઉન્સેલ લેની ડેવિસને પણ હાયર કર્યા હતાં. ઇંગ્લેન્ડ અને વેલ્સ હાઇ કોર્ટમાં ૨૦૧૭માં જાહેર થયેલી જર્મન ઇન્ટેલિજન્સ વાયરટેપમાં પણ બાથના કારનામા સામે આવ્યા હતાં. આ ટેપમાં બાથનો લાંબા ગાળાનો બિઝનેસ સાથીદાર હરદીપ પીટર વિરડી બિગ બિલ માટે તૈયાર રહેવા જણાવે છે, કેમ કે તે સાંજે લંડનમાં સેન્ટ કિટ્સના વડા પ્રધાનની સરભરા કરવાનો હતો. અન્ય એક વાર્તાલાપમાં વિરડી કે જે એન્ટિગુઆનો પાસપોર્ટ પણ ધરાવે છે તે દાવો કરે છે કે વડા પ્રધાને એક ઘડિયાળ અને જૂતાની જોડી માટે કહ્યું છે. જોકે ટિમોથી હેરિસે આરોપો નકાર્યા હતાં અને ડગ્લાસે ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
હાઇ કોર્ટે મેહુલની જામીન અરજી ફગાવી
ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના કેસમાં ત્યાંની હાઇ કોર્ટે ભારતમાંથી ફરાર જાહેર થયેલા ડાયમંડના વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દીધી છે. ૧૧ જૂને જાહેર કરેલા ચુકાદામાં ડોમિનિકા હાઇ કોર્ટે જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી ડોમિનિકા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી. આમ કોર્ટ તેમના પર દેશ છોડી જવા માટે કોઈ શરતો લાદી શકે તેમ ન હોવાથી તેનું દેશ છોડીને ચાલ્યા જવાનું જોખમ છે. મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ મેહુલ ચોક્સીએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. પોતાની સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસનો સામનો કરી રહેલા ૬૨ વર્ષીય મેહુલ ચોક્સી ૨૩ મેના રોજ એન્ટીગુઆથી રહસ્યમય રીતે લાપતા બન્યો હતો. ભારતમાંથી ફરાર થયા પછી ૨૦૧૮થી તે એન્ટીગુઆના નાગરિક તરીકે વસવાટ કરે છે. મેહુલ ચોક્સી તેમની કથિત ગર્લફ્રેન્ડ સાથે ફરાર થયો હોવાની અફવાઓ વચ્ચે ડોમિનિકામાંથી મળી આવ્યો હતો. ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના આરોપસર તેમની ધરપકડ કરાઈ છે.
મેહુલ ભારતીય નાગરિક છેઃ સોગંદનામું
ભારતના વિદેશ મંત્રાલયે ડોમિનિકન કોર્ટને સોગંદનામુ રજૂ કરીને રજૂઆત કરી છે કે મેહુલ ચોક્સી ભારતીય નાગરિક છે. અરજીમાં કરેલી કેટલીક જાહેરાતો ક્ષતિપુર્ણ હોવાથી નાગરિકતા જતી કરવાની ચોકસીની વિનંતી ફગાવી દેવાઇ છે. જ્યોર્જટાઉન ગુઆના ખાતે ભારતીય રાજદૂત સમક્ષ પોતાના ભારતીય પાસપોર્ટની વિગતો ઉપરાંત રદ થયેલા એક અન્ય પાસપોર્ટ બુકલેટ પેશ કરીને નાગરિકતા જતી કરવા માટે અરજી કરતી હતી. તેણે નાગરિકતા જતી કરવાની અરજી કર્યા પછી ભારત સરકારે વિવિધ સ્તરે તેની ચકાસણી કરી હતી. ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ગૃહ મંત્રાલયે ચોક્સીએ કરેલી કેટલીક જાહેરાતો ભૂલભરેલી હોવાની નોંધ લીધી હતી. ગૃહ મંત્રાલયે એ વાતની પણ નોંધ લીધી હતી કે મેહુલ ચોક્સી ભાગેડુ આર્થિક અપરાધી છે. આ પછી ગૃહ મંત્રાલયે જ્યોર્જ ટાઉન ખાતેના ભારતીય રાજદૂતને મેહુલે નાગરિકતા છોડવા માટે કરેલી અરજીને ફગાવી દેવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter