કમ્પાલાઃ યુગાન્ડાએ કિંગ ચાર્લ્સના અનુરોધ પછી ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ લેવા સંમતિ દર્શાવી છે. કિંગ ચાર્લ્સના પ્રાઈવેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે યુગાન્ડા ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ લે તેની સામે કિંગને કોઈ સમસ્યા નથી. અગાઉ, યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ બ્રિટિશ કિંગ ચાર્લ્સ તૃતીયના સપોર્ટમાં ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ નહિ લેવાની જાહેરાત કરી હતી.
કિંગ ચાર્લ્સ તૃતીયના પ્રાઈવેટ સેક્રેટરી સર ક્લાઈવ એલ્ડરટને પ્રિન્સ હેરીની ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ નહિ લેવાના નિર્ણયની પુનઃવિચારણા કરવા યુગાન્ડાને જણાવ્યું હતું. સર ક્લાઈવે જનરલ કાઈનેરુગાબા સાથે ટેલિફોન પર વાત કરી જણાવ્યું હતું કે યુગાન્ડા ગેમ્સમાં ભાગ લે તેની સામે કિંગને કોઈ વાંધો નથી અને યુગાન્ડાએ આગામી વર્ષની ગેમ્સ માટે તૈયારીઓ આદરી દેવી જોઈએ..
જનરલ કાઈનેરુગાબાએ ‘હેરી-મેગન નોનસેન્સ’ની આકરી ટીકા કરતા કહ્યું હતું કે તેમનો દેશ એવા કોઈ ઈવેન્ટમાં ભાગ નહિ લે જેને કિંગની બહાલી ન હોય. ઉલ્લેખનીય છે કે કિંગ ચાર્લ્સે થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે ઓગસ્ટ મહિનામાં બ્રિટન પરત ફરેલા સસેક્સ દંપતી સાથે વર્કિંગ રોયલ્સ તરીકે વ્યવહાર નહિ રખાય અને તેઓ ‘ખાનગી નાગરિકો’ જ ગણાશે અને તેઓ જે પણ કામ કરતા હશે તે તેમની ખાનગી બાબત હશે.
સોશિયલ મીડિયા પર લખતા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ જણાવ્યું હતું કે, ‘અમે જેમનો ઘણો આદર કરીએ છીએ તેવા યુનાઈટેડ કિંગ્ડમના કિંગ ચાર્લ્સ તૃતીયના વિરુદ્ધ હોવાનું જણાય નહિ તે હેતુસર યુગાન્ડા ઈન્વિક્ટસ ગેમ્સમાથી અલગ થશે. જે ઈવેન્ટને હિઝ મેજેસ્ટીનીબહાલી ન હોય તેવા કશામાં અમે ભાગ લઈશું નહિ.’
યુગાન્ડાએ બે મહિના અગાઉ જ 26મા દેશ તરીકે ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી અને તેના ડિફેન્સ મિનિસ્ટર લંડનમાં ડ્યૂક ઓફ સસેક્સની બાજુમાં ઉભેલા જણાયા હતા. પ્રિન્સ હેરીએ ઈજા પામેલા પીઢ સૈનિકો માટે 2013માં સ્પોર્ટિંગ ઈવેન્ટ ઈન્વિક્ટસ ગેમ્સની જાહેરાત કરી હતી. આગામી વર્ષે જુલાઈમાં આ ઈવેન્ટ બર્મિંગહામ ખાતે યોજાનાર છે.


