યુગાન્ડા ઘેટો કિડ્સે ગોલ્ડન બઝર સાથે બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ઈતિહાસ રચ્યો

રિયાલિટી શોના ઈતિહાસમાં પણ અધવચ્ચે બઝરની પહેલી ઘટના

Tuesday 25th April 2023 14:58 EDT
 
 

લંડન, કમ્પાલાઃ ઘેટો કિડ્સ તરીકે જાણીતા યુગાન્ડાના બાળકોના ડાન્સ ગ્રૂપે ITV પરના ‘બ્રિટન્સ ગોટ ટેલેન્ટ’ રિયાલિટી શોમાં પરફોર્મન્સની અધવચ્ચે જ ગોલ્ડન બઝર હાંસલ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. રિયાલિટી શોના ઈતિહાસમાં પણ આ પહેલી ઘટના છે. અનાથાશ્રમમાં રહેતા 30થી વધુ બાળકોનાં બનેલા આ ‘ઘેટો કિડ્સ’ ડાન્સ ગ્રૂપે 15 એપ્રિલ 2023ના તેમના પ્રથમ ઓડિશનમાં અભૂતપૂર્વ અને અવર્ણનીય ડાન્સ પરફોર્મન્સથી જજીસ અને ઓડિયન્સના મન મોહી લીધા હતા. આ ગ્રૂપના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

ઘેટો કિડ્સ’ ડાન્સ ગ્રૂપના બાળકોનાં દિલધડક અને ઉલ્લાસપૂર્ણ નૃત્યથી સ્તબ્ધ બનેલા ઈટાલિયન કોરિયોગ્રાફર, બોલરૂમ અને લેટિન ડાન્સર અને ટેલિવિઝન પર્સનાલિટી બ્રૂનો ટોનિઓલીએ તત્કાળ બઝર દબાવી દીધું હતું અને અન્ય લોકપ્રિય જજ સિમોન કોવેલના આશ્ચર્ય વચ્ચે ઉભા થઈ ગ્રૂપને તાળીઓથી વધાવી લીધું હતું. જજ બ્રૂનો ટોનિઓલીએ બઝર હિટ કરતા પહેલા કહ્યું હતું કે, ‘આ મારે અત્યારે જ કરવું પડશે. હું વાસ્તવમાં વિસ્ફોટ અનુભવી રહ્યો છું.’ સામાન્ય રીતે પરફોર્મન્સ સમાપ્ત થાય ત્યારે બઝર દબાવવાનો નિયમ છે. બઝર પછી અન્ય જજીસ અને ઓડિયન્સે પણ ઘેટો કિડ્સના પરફોર્મન્સને તાળીઓએથી વધાવ્યું હતું.

ઘેટો કિડ્સ’ ડાન્સ ગ્રૂપે તેમના નૃત્ય કૌશલ્યથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ગાયક એડી કેન્ઝો અને અમેરિકન રેપર ફ્રેન્ચ મોન્ટાના સહિત પર્સનાલિટીઓ સાથે વિવિધ ઓડિયન્સીસ સમક્ષ પરફોર્મ કરેલું છે. પોતાની પ્રતિભાની વ્યાપક કદર થાય તે માટે તેમણે બ્રિટિશ ટેલિવિઝન રિયાલિટી શો ‘‘બ્રિટન્સ ગોટ ટેલેન્ટ’માં ભાગ લેવા નિર્ણય કર્યો હતો. અગાઉ ટ્રિપ્લેટ્સ ઘેટો કિડ્સ તરીકે ઓળખાતા ઘેટો કિડ્સ ઓર્ફનેજની સ્થાપના ડાઉડા કાવુમાએ 2014માં કરી હતી જેમાં 30 ઘરવિહોણા અને અનાથ બાળકોની દરકાર લેવાય છે. કાવુમા કહે છે કે ઘેટો કિડ્સનું મિશન ઉજ્જ્વળ ભવિષ્ય માટે ડાન્સ અને ડ્રામા પર ભાર સાથે બાળકોનાં અસ્તિત્વનાં તમામ પાસાના ઉત્થાનનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter