કિગાલીઃ રવાન્ડા સરકારે યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરે રદ કરેલી એસાઈલમ સમજૂતી હેઠળની ચૂકવણી મુદ્દે 100 મિલિયન પાઉન્ડનો દાવો કર્યો છે. રવાન્ડાએ આંતરરાષ્ટ્રીય લવાદનો કેસ દાખલ કરી દલીલ કરી છે કે યુકેએ ઈસ્ટ આફ્રિકન દેશ રવાન્ડામાં કેટલાક એસાઈલમ સીકર્સ મોકલવાની સમજૂતીની શરતોનો ભંગ કર્યો છે. ગત કન્ઝર્વેટિવ સરકારે બહાલી આપેલી સમજૂતી અનુસાર બ્રિટનમાં ગેરકાયદે આવેલા એસાઈલમ સીકર્સને રાખવા રવાન્ડાને પેમેન્ટ્સ કરવાની સંમતિ દર્શાવી હતી.
રવાન્ડા સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ મુદ્દાઓ પર બ્રિટન દ્વારા હઠાગ્રહનો સામનો કર્યા પછી રવાન્ડાએ આ દાવા આર્બિટ્રેશન સમક્ષ મૂકવા નિર્ણય કર્યો છે. પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સનની સરકારે 2022માં સહી કરેલી માઈગ્રેશન એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ પાર્ટનરશિપ સમજૂતીના સંદર્ભે ત્રણ દાવા કરી રહ્યા છીએ. એગ્રીમેન્ટની નાણાકીય શરતો જાહેર કર્યા પછી યુકે દ્વારા ડીલનો ભંગ કરાયો છે તેમજ કુલ 100 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી નથી અને રવાન્ડાથી રેફ્યુજીસને પુનઃસ્થાપિત કરવાની વ્યવસ્થા પણ કરી નથી.’
આ પાર્ટનરશિપના ભાગરૂપે યુકેએ રવાન્ડામાં રખાયેલા, પરંતુ યુકેથી નહિ મોકલાયેલા થોડી સંખ્યામાં અશક્ત રેફ્યુજીસના પુનર્વસન માટે સંમતિ દર્શાવી હતી. ગત કન્ઝર્વેટિવ સરકારે નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઈગ્રન્ટ્સને અટકાવવાના ઈરાદાસરની રવાન્ડા પોલિસી પાછળ આશરે 700 મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો, જેમા રવાન્ડાને 290 મિલિયન પાઉન્ડની ચૂકવણીનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ2025-26 અને 2026-27માં થઈ વધુ 100 મિલિયન પાઉન્ડ ચૂકવવાના થતા હતા. રવાન્ડા સરકારે જણાવ્યું હતું કે યુકેએ નવેમ્બર 2024માં વિનંતી કરી એપ્રિલ 2025 અને એપ્રિલ 2026માં ચૂકવવાની થતી 50 મિલિયન પાઉન્ડની બે ચૂકવણીઓ જતી કરવા જણાવ્યું હતું. આ સમજૂતી અમલમાં હતી ત્યારે માત્ર વોલન્ટીઅર જ રવાન્ડા આવ્યા હતા.
દરમિયાન, હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ગત સરકારની રવાન્ડા પોલિસીએ મોટા પાયે કરદાતાના નાણા અને સમયનો દુર્વ્યય કર્યો હતો. અમે બ્રિટિશ કરદાતાને સુરક્ષિત રાખવાની અમારી પોઝિશનનો મજબૂતપણે બચાવ કરીશું.’


