નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી સાંજે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ટેલિફોન કરીને રશિયા-યૂક્રેન લશ્કરી સંઘર્ષ અંગે ચર્ચા કરી છે. આ ચર્ચા દરમિયાન મોદીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે તમામ પક્ષકારોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું જોઇએ. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જારી પ્રેસ રિલીઝમાં અપાયેલી માહિતી અનુસાર, વડા પ્રધાને યૂક્રેનની સ્થિતિ પર બ્રિટનના વડા પ્રધાન જ્હોન્સન સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.
રશિયા યુએન ચાર્ટરનો અમલ કરે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચે મંગળવારે ટેલિફોન પર યુક્રેન યુદ્ધ સંદર્ભે વાતચીત થઈ હતી જેમાં, બંને નેતાએ રશિયાએ યુએન ચાર્ટરનો અમલ કરવો જ જોઈએ તેમ સ્પષ્ટ કર્યું હતું.
યૂક્રેન પર રશિયાના આક્રમણના પરિણામે, રશિયાથી શસ્ત્રોની આયાત કરતા ભારત અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની કડક ટીકા કરવા દબાણ કરી રહેલા પશ્ચિમી દેશો વચ્ચે તિરાડ સર્જાઈ છે.
ટેલિફોન કોલ પછી જ્હોન્સનની ઓફિસે જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે ‘બંને નેતાઓ યુક્રેનની અખંડિતા અને પ્રાદેશિક સંપ્રભૂતાનું સન્માન જાળવવાના મુદ્દે સંમત થયા હતા. તેમણે કહ્યું હતું કે રશિયાએ યુએનના ચાર્ટરનો અમલ કરવાની જરૂર છે. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની ચોકસાઈ રાખવા આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સન્માન એક માત્ર માર્ગ હોવાં વિશે પણ મોદી અને જ્હોન્સન સંમત થયા હતા.
બ્રિટિશ નિવેદન અનુસાર જ્હોન્સને મોદીને જણાવ્યું હતું કે રશિયાની કાર્યવાહી સમગ્ર વિશ્વને ડિસ્ટર્બ કરનારી અને વિનાશક છે. જોકે, આ મુદ્દે મોદીનો પ્રતિભાવ શું હતો તે જણાવાયું નથી.
જ્હોન્સનના પ્રવક્તાએ રિપોર્ટર્સ સમક્ષ જણાવ્યું હતું કે રશિયન પ્રમુખ પુતિન અને તેમના શાસન સાથે સંબંધો બાબતે ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું અને પુતિનને વખોડી કાઢવામાં સામેલ થવા તેમણે ભારતના વડા પ્રધાનને અનુરોધ કર્યો હતો.
જ્હોન્સનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્રિટન ઈચ્છે કે તમામ દેશો રશિયન ઓઈલ અને ગેસ પરના આધારથી દૂર થાય પરંતુ, દરેક દેશ અલગ સ્થિતિ ધરાવે છે.