રાજ કુન્દ્રાનું ડર્ટી પિક્ચરઃ પોર્ન ફિલ્મ કેસમાં ધરપકડ

Thursday 22nd July 2021 02:47 EDT
 
 

મુંબઈઃ પોર્ન ફિલ્મ બનાવીને તેને એપ દ્વારા અપલોડ કરવાના આરોપસર પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને કોર્ટે ૨૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કુન્દ્રા સામે આઇપીસીની વિવિધ કલમ તથા આઇટી એક્ટ હેઠળ કેસ કરાયો છે. તેને આ કેસમાં ૫ વર્ષ સુધીની જેલ અથવા રૂપિયા ૧૦ લાખ દંડની જોગવાઇ છે.
અહેવાલ અનુસાર, રાજ કુન્દ્રા યુકેમાં વસતાં તેના એક પરિચિત પ્રદીપ બક્ષી સાથે મળીને આ કામ કરતો હતો. યુકેસ્થિત કંપનીનું ટર્નઓવર રૂ. ૨૧ કરોડ છે, આ કંપની વીડિયો પ્રોડક્શન, ટેલિવિઝન પ્રોગ્રામ વગેરેનું નિર્માણ કરે છે. કુન્દ્રા આ કંપનીમાં ભાગીદાર છે. આ કંપનીના ભારતના પ્રતિનિધિ તરીકે ઉમેશ કામત કામ કરતો હતો, જે પોર્ન ફિલ્મ માટે ઘણા એજન્ટોને કોન્ટ્રાક્ટ અને નાણાં આપતો હતો.

અશ્લીલ ફિલ્મ બનાવીને તેને એક એપ્લિકેશન દ્વારા યુકેની કંપનીને મોકલાતી હતી ત્યારબાદ એડિટીંગ કરી આ પોર્ન ફિલ્મ વોટ્સએપ એપ્લિકેશન પર અપલોડ કરાતી હતી. રાજ કુન્દ્રાએ એક વોટ્સએપ ગ્રૂપ પણ બનાવ્યું હતું જેમાં તે એડમીન હતો. આ ગ્રૂપમાં પેમેન્ટ સંબંધિત વાતચીત પણ થતી હતી.
ઉલ્લેખનીય છે કે પાંચ મહિનાથી મુંબઇ પોલીસ આ કૌભાંડ અંગે તપાસ કરી રહી હતી. સુમસામ બંગલો ભાડે લઇ તેમાં પોર્ન ફિલ્મનું શુટિંગ કરવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં અભિનેત્રી ગહના વશિષ્ઠ અને ઉમેશ કામતની ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા વેબ સિરિઝ અને શોર્ટ સ્ટોરીઝમાં કામ અપાવવાના બહાને નવોદિત મહિલા કલાકારોની અર્ધનગ્ન અને નગ્ન કિલપ્સ ઉતારી તેને વિવિધ વેબસાઇટ અને એપ્સને વેચતો હતો. આમ મહિલા કલાકારોને સારો બ્રેક આપું છું તેવી લાલચ આપી બોલ્ડ સીન કરાવતો હતો.
મજબૂત પૂરાવા છેઃ પોલીસ કમિશનર
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની મુંબઇ ક્રાઇમ બ્રાંચે સોમવાર ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. મુંબઇ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર પ્રદર્શિત કરવાના મામલે ફેબ્રુઆરી ૨૦૨૧માં કુંદ્રા સામે કેસ દાખલ કરાયો હતો. આ અંગે અમારી પાસે મજબૂત પુરાવાઓ પણ છે. સોમવારે તેને પૂછપરછ માટે બોલાવ્યા બાદ ધરપકડ કરાઇ હતી. મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરાતાં તેની ૨૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડી મંજૂર કરાઇ છે.
થોડા સમય પહેલાં વેબ સિરીઝના નામે અશ્લીલ ફિલ્મો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં સુરતથી ૪૦ વર્ષીય તનવીર હાશમી અને બાદમાં ઉમેશ કામતની પણ ધરપકડ કરાઇ હતી, જે રાજ કુંદ્રાની કંપનીમાં મેનેજિંગ ડાયરેકટર હતો.
આ નેટવર્ક દેશ-વિદેશમાં ફેલાયું હોવાની આશંકા છે. એક તરફ મુંબઇ પોલીસ રાજ કુંદ્રાને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવે છે તો બીજી તરફ રાજ કુંદ્રા બચાવ કરે છે કે આ કંપની અગાઉ જ તે વેચી ચૂક્યો છે.
રાજ મને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યોઃ શર્લિન ચોપરા
આ પહેલા ચર્ચાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેએ રાજ કુંદ્રા વિરુદ્ધ બોમ્બે હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેણે આરોપ મૂક્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેની તસવીરો અને નંબર અશ્લીલ વેબસાઇટ પર ફરતા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મોડેલ-અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ મહારાષ્ટ્ર સાઇબર સેલને સ્ટેમેન્ટ આપ્યું હતું કે તેમને એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં લાવનારો રાજ કુંદ્રા હતાં અને તેણે મને દરેક પ્રોજેક્ટના ૩૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. શર્લિન ચોપરા સાથે રાજ કુંદ્રાએ ૧૫થી ૨૦ પ્રોજેક્ટ કર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter