રિલાયન્સ અને રોલ્સ રોયસે હાથ મિલાવ્યા ભારતમાં ફાઇટર જેટનાં એન્જિન બનાવશે

Wednesday 19th August 2026 06:55 EDT
 
 

મુંબઇઃ ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા તથા દેશના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં મહત્ત્વના પગલાં અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ દેશના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે સ્વદેશી યુદ્ધ એન્જિનની ડિઝાઈન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે બ્રિટનની દિગ્ગજ કંપની રોલ્સ-રોયસ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.
આ ઐતિહાસિક કોલાબરેશન અંતર્ગત બન્ને કંપનીઓ ભારતમાં એક અત્યાધુનિક ‘એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ’ ઊભું કરશે, જે દેશમાં પાવર અને પ્રોપલ્શન ટેક્નોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કાર્ય કરશે.
આ સહયોગને દેશના સંરક્ષણ ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે અત્યાધુનિક ટેક્નોલોજીઓમાં સ્વતંત્ર ક્ષમતા હોવી અત્યંત અનિવાર્ય છે. રિલાયન્સ અને રોલ્સ રોયસ સાથે મળીને દેશમાં જ એરો-એન્જિન ઈકોસિસ્ટમ ઊભી કરશે, જે દેશને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સાથે વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધાત્મક બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે.
ભારતના ટોચના ઉદ્યોગસમૂહ રિલાયન્સ સાથેની ભાગીદારીને આવકારતાં રોલ્સ-રોયસ પીએલસીના સીઈઓ ટી. એર્ગિનબિલિચે જણાવ્યું હતું કે, રોલ્સ રોયસનો એન્જિનિયરિંગ ક્ષેત્રે એક સદીથી પણ વધુનો બહોળો અનુભવ અને રિલાયન્સની ઔદ્યોગિક ક્ષમતાનું આ જોડાણ ભારતને એરોસ્પેસ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જશે. આ ભાગીદારી દેશમાં મજબૂત અને સ્વદેશી એરોસ્પેસ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter