'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સ્વાગત સમારોહ

શિક્ષણ સચિવ શ્રી અરવિંદ અગ્રવાલનું પણ સન્માન કરાયું: લોર્ડ નવનીતભાઇ ધોળકીયા, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ રાજ લુંબા, સધર્કના મેયર શ્રી સુનિલ ચોપરા, લંડન એસેમ્બલીના મેમ્બર શ્રી નવિનભાઇ શાહ સહિત વેપાર, ઉદ્યોગ અને સામાજીક ક્ષેત્રના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા

Tuesday 03rd February 2015 12:53 EST
 

ગુજરાત સરકારના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના સચિવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું શાનદાર આયોજન ગત તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલયના શક્તિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોર્ડ નવનીતભાઇ ધોળકીયા, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ રાજ લુંબા, સધર્કના મેયર શ્રી સુનિલ ચોપરા સહિત વેપાર, ઉદ્યોગ અને સામાજીક ક્ષેત્રના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સ્નેહ મિલન અને શાકાહારી ગુજરાતી ભોજન બાદ લંડનના યુવાન કલાકાર શ્રી અર્પણ પટેલે 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' ભજન અને સુંદર પ્રાર્થનાઅો રજૂ કરી હતી.

કાર્યક્રમને સંબોધન કરતા શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે 'બ્રિટનના ત્રણ લોર્ડ, લંડનના મેયર સાહેબ, એમપીઅો સહિત વિવિધ વેપારગૃહો તેમજ સામાજીક ક્ષેત્રના અગ્રણી વચ્ચે મારૂ જે અભિવાદન થઇ રહ્યું છે તે મારા માટે હંમેશા યાદગાર બની રહેશે. આપ સૌ ગુજરાત અને ભારત સાથે સંકળાયેલા છો એટલે સ્વાભાવિક છે કે તે વિષે અને નવા વરાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વિષે જાણવાની અપેક્ષા હોય જ. મારો અને મોદીજીનો સંબંધ આજનો નહિં છેક (૧૯૭૪) કટોકટી વખતનો છે. ખરેખર કહું તો નરેન્દ્રભાઇ પાસે દૈવી શક્તિ છે. સ્વતંત્ર ભારતના ૬૭ વર્ષના ઇતિહાસમાં નથી બન્યું તે હવે બની રહ્યું છે. જુલાઇ ૨૦૧૨માં અમે વાઇબ્રન્ટ ગુજરાત માટે તૈયારી કરતા હતા ત્યારે અેમને ખાતરી હતી કે હવે ભાજપ સત્તાસ્થાને બિરાજશે. તેઅો કદી સરપંચની ચુંટણી પણ લડ્યા ન હતા અને સીધા જ મુખ્યમંત્રી બન્યા હતા. એજ રીતે તેઅો કદી એમપી પણ નહોતા અને આજે વડાપ્રધાન પદે બિરાજે છે.'

શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે 'નરેન્દ્રભાઇ હંમેશા કહે છે કે મારે થિંગડુ નથી મારવું પણ મારે સમસ્યાનું નિરાકરણ લાવવું છે. આજે ગુજરાતના દુરદુરના ગામડાઅોમાં ૨૪ કલાક વિજળી અને સતત પાણી મળી રહે છે. જ્યોતિગ્રામ યોજનાને પગલે આજે ગામડાઅો સધ્ધર બન્યા છે અને ગામડામાં સવલતો વધતા લોકો ગામડાઅોમાં રહેવા જઇ રહ્યા છે. ગુજરાતમાં વડોદરા નજીક એક કેનાલ પર સોલાર પેનલ નાંખતા એક કરોડ રૂપિયાનું પાણી બચે છે અને ૨ કરોડ રૂપિયાની વિજળી મળે છે. (આવું અન્ય સ્થળોએ પણ થયું છે) અમે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન તેમજ ગુજરાત દિનની ઉજવણી દરેક જીલ્લાઅોમાં જઇને કરીએ છીએ અને જિલ્લા મથકને આગવું સ્વરૂપ અપાય છે. પહેલા બ્યુરોક્રેટ્સ એટલે કે આધિકારીઅો આરામથી નોકરી કરતા હતા આજે તેઅો પરસેવો પાડી જનતાની સેવા કરે છે. અોલિમ્પિકમાં આપણા યુવાનો હોય એ સ્વપ્ન સાથે અમે 'ખેલ મહાકુંભ'ની શરૂઆત કરી છે.'

શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને સીબી પટેલ મારફતે તમે અમદાવાદ – લંડનની ડાયરેક્ટ ફ્લાઇટની વ્યાજબી માંગણીની ઝુંબેશ ચલાવી રહ્યા છો તેને જરૂરી તમામ સાથ સહકાર આપી રહ્યા છીએ. મેં બે વખત આ માટે પત્રો લખ્યા છે અને મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે પણ રજૂઆતો કરી જ છે. પરંતુ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ આ અંગે રજૂઆત કરી જ હતી. વડાપ્રધાન મોદીજી સમક્ષ આતંકવાદ, મોંઘવારી અને અન્ય મુખ્ય પ્રશ્નો પણ મહત્વ ધરાવે છે પરંતુ તેમની નજરની બહાર ડાયરેક્ટ ફલ્ાઇટનો આ પ્રશ્ન હશે નહિં. તમે સૌ માતૃભાષા અને ભારત તરફ જે પ્રેમ રાખો છો તે બદલ હું આપ સૌને અભિનંદન પાઠવું છું.'

શિક્ષણ સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે 'નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગુજરાતે જે પ્રગતિ અને વિકાસ કર્યો હતો તેવો જ વિકાસ કરવા તરફ હવે દેશ જઇ રહ્યો છે. આજે ગુજરાતની જે કાયાપલટ થઇ છે તેની પાછળ જનતાનો મજબૂત હાથ રહ્યો છે. આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખુબ જ સુંદર પ્રગતિ કરી રહ્યું છે અને અવનવી યુનિવર્સીટિઅો મારફતે યુવાનો શિક્ષણ મેળવી રહ્યા છે. વડાપ્રાધન શ્રી મોદી પણ આગામી વર્ષોમાં શિક્ષકોને વિશ્વભરમાં મોકલવાની નેમ સાથે શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા કટિબધ્ધ છે.'

લોર્ડ ડોલર પોપટે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે 'દેશના વડાપ્રધાન શ્રી મોદીના સમર્થનની શરૂઆત સૌ પ્રથમ બ્રિટને કરી હતી પરંતુ દુ:ખ સાથે કહેવું છે કે મોદીજીએ બ્રિટનની મુલાકાત લેવાનું ટાળ્યું છે.' શ્રી પોપટે ભારત દ્વારા વિઝા ફીના વધારા બાબતે પણ રજૂઆત કરી હતી.

લોર્ડ ડોલર પોપટના પ્રશ્નોનો ઉત્તર આપતા શિક્ષણ વિભાગના સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું કે 'બ્રિટનની આગામી ચૂંટણીઅોને લક્ષમાં લઇને વડાપ્રધાન મોદીએ બ્રિટનની મુલાકાતે આવવાનું ટાળ્યું હોય તેમ લાગે છે. વળી મોદીજીએ સૌ પ્રથમ દેશના પડોશી દેશોની મુલાકાત લેવાનું પસંદ કર્યું છે અને તેઅો જે અન્ય દેશોની મુલાકાતે ગયા હતા તે જી-ટ્વેન્ટી અને અન્ય મીટીંગો માટે જ ગયા હતા. જાપાન સિવાય તેઅો અન્ય કોઇ દેશની અધિકારીક મુલાકાતે ગયા નથી. બ્રિટને પોતે ભારતીયો માટે વિઝા ફી વધારી છે અને ભારતીય વિદ્યાર્થીઅોના પ્રવેશ માટેની મુશ્કેલીઅો વધારી છે.'

હાઉસ અોફ લોર્ડ્ઝના લિબરલ ડેમોક્રેટ પાર્ટીના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકીયા, લંડન એસેમ્બલીના મેમ્બર શ્રી નવિનભાઇ શાહ તેમજ શ્રી સીબી પટેલે પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. સ્વાગત પ્રવચન 'ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવે કર્યું હતું અને 'એશિયન વોઇસ'ના એસોસિએટ એડિટર શ્રીમતી રૂપાંજના દત્તાએ 'એશિયન વોઇસ' અંગે ખ્યાલ આપ્યો હતો. આ પ્રસંગે સૌએ મંત્રી શ્રી ચુડાસમા અને સચિવ શ્રી અગ્રવાલને પ્રશ્નો પૂછીને માહિતી મેળવી હતી. ભારતના ગણતંત્ર દિનની ઉજવણીને લક્ષમાં લઇને ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરી સૌએ ઉભા થઇને સલામી આપી હતી.

આ કાર્યક્રમમાં 'બેન્ક અોફ બરોડા'ના યુરોપના વડા ધિમંતભાઇ ત્રિવેદી, લોહાણા અગ્રણી સીજે રાભેરૂ, સંગત સેન્ટરના કાન્તીભાઇ નાગડા, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના ચેરમેન લાલુભાઇ પારેખ તેમજ સંજય કડીયા, કિંગ્સ કિચનના મનુભાઇ રામજી, શ્રીમતી રાગસુધા વિંજામુરી, મહારાષ્ટ્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ સુશીલ રપટવાર, મિલિંદ કાંગલે, વિશ્વ હિન્દુ પરિષદ ઇલફર્ડના અવિનાશ તિવારી, વિનયાબેન શર્મા, યુનિવર્સલ એસ્ટેટના હિનાબેન વડગામા, રવિ ભાનોટ, હીયર એન્ડ નાઉ ના મનિષ તિવારી, બ્રિટિશ કાઉન્સિલના અધિકારીઅો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦૦

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાશ્રી અરવિંદ અગ્રવાલલોર્ડ નવનીતભાઇ ધોળકીયા

લોર્ડ ડોલર પોપટલોર્ડ રાજ લુંબામેયર શ્રી સુનિલ ચોપરાશ્રી નવિનભાઇ શાહ AM

ગાયક શ્રી અર્પણ પટેલ

000000

ફોટો કર્ટસી: રાજ બકરાણીયા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter