લંડનઃ CIOના નામે લોકપ્રિય કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનિઝેશન્સ (યુકે) દ્વારા ગુરુવાર, ૯ એપ્રિલે તેની ૪૦મી (૧૯૭૫થી ૨૦૧૫) વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ધ તાજ હોટેલ, બકિંગહામ ગેટ ખાતે આયોજિત ડિનરમાં પૂર્વ હોદ્દેદારો, એક્ઝીક્યુટિવ કમિટીના સભ્યો, ભારતીય સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો અને રાજકારણીઓ ઉપસ્થિત હતા. લેસ્ટરના સાંસદ રહેલા કિથ વાઝે ૪૦ વર્ષ દરમિયાન CIOની કામગીરી સાથે તારા મુખરજી, પૂર્વ અને વર્તમાન સમિતિ હોદ્દેદારોની પ્રશંસા કરી હતી. તેમણે અને લેસ્ટર સિટીની પ્રગતિમાં ફાળો આપનારા તમામ લોકોનો ઉલ્લેખ કર્યો હતો.
લોર્ડ નવનીત ધોળકિયાએ ભારતીય સમુદાય માટે રાજકીય અધિકારો હાંસલ કરવા તેમજ સમુદાયમાં આરોગ્ય સંભાળની જાગૃતિના ક્ષેત્રે CIOની ઐતિહાસિક સિદ્ધિઓનું સ્મરણ કર્યું હતું. યુકેમાં અનેક વિસ્તારોમાં ફરીને ભારતીય સમુદાયને સક્રિય બનાવવામાં તારા મુખરજી, કાન્તિ નાગડા, સી.બી.પટેલ, પ્રવિણ લુકા અને ખુદ તેમણે કરેલા કાર્યોની સમજ આપી હતી.
CIOની સ્થાપનાથી પ્રમુખપદ સંભાળતા તારા મુખરજીએ ગત ૪૦ વર્ષમાં સંઘે હાંસલ કરેલી પ્રગતિની રૂપરેખા આપી પૂર્વ કમિટી સભ્યો, અધિકારીઓ અને વર્તમાન બોર્ડ સભ્યોની કામગીરીની બિરદાવી હતી. તેમણે પ્રારંભિક વર્ષોમાં સંસ્થાએ સહન કરેલી મુશ્કેલીઓનો ચિતાર પણ આપ્યો હતો. તેઓ ૧૯૪૮માં યુકે આવ્યા ત્યારે લેસ્ટરમાં ૧૭ ભારતીય હતા અને આજે યુકેમાં ૧.૫ મિલિયન ભારતીય છે.
ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટ્રી ઓફ કો-ઓર્ડિનેશનના ફર્સ્ટ સેક્રેટરી પ્રિતમ લાલે સંસ્થાને વધુ સફળતાની શુભેચ્છા પાઠવી હતી. પ્રવીણભાઈ અમીને યુકેમાં CIOની વિવિધ ઓફિસોની માહિતી આપી હતી. સી.બી. પટેલે આ દેશમાં પ્રારંઙિક વર્ષોમાં ભારતીય કોમ્યુનિટીને સ્થાપિત કરવામાં તેમના સહિતના અગ્રણીઓએ કરેલા કાર્યોની સમજ આપી હતી. તેમણે તારા મુખરજીના સમર્પિત કાર્ય અને તેમના વડપણ હેઠળ CIOના વિકાસને વિશેષ અંજલિ આપી હતી.
ઉજવણી કાર્યક્રમની સફળતામાં વિનોદભાઈ કોટેચાના નેતૃત્વમાં મેનેજમેન્ટ બોર્ડ અને કર્મચારીગણ અને સુનિતા પરમારની વહિવટી સહાયનો હાથ સ્પષ્ટ નજરે પડતો હતો.