KPMG દ્વારા ૧૩મા એશિયન ફેસ્ટિવલ ડિનરમાં ઈદ અને દિવાળીની ઉજવણી

Thursday 10th November 2016 05:14 EST
 
 

લંડનઃ ઈદ અને દિવાળી પર્વની ઉજવણી માટે KPMG દ્વારા ગત સપ્તાહે ઈન્ટરકોન્ટિનેન્ટલ લંડન પાર્ક લેન ખાતે આયોજિત ૧૩મા એશિયન ફેસ્ટિવલ ડિનરમાં એશિયન બિઝનેસીસના ૨૦૦થી વધુ અગ્રણી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. KPMG એન્ટરપ્રાઈઝના પાર્ટનર અને એશિયન બિઝનેસ કોમ્યુનિટીની સેવા બદલ ૨૦૧૩માં MBEથી વિભૂષિત નીના અમીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

KPMGના ચેરમેન સિમોન કોલિન્સે સ્પોન્સર કરેલા કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ તેમજ આ પ્રસંગે સન્માનિત કરાયેલા વર્ડપ્લેના સ્થાપક ડેવિડ સીઅર પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે સંબોધન કરતા બે સફળ બિઝનેસ RationalFX અને Xendpayના સ્થાપક અગ્રણી બ્રિટિશ ભારતીય ઉદ્યોગસાહસિક રાજેશ અગ્રવાલે તેઓ પોતાના ખિસ્સામાં માત્ર ૨૦૦ પાઉન્ડ સાથે કેવી રીતે યુકે આવ્યા અને હાલ સફળ બિઝનેસમેન છે તેની વાત કરી હતી. યુકેના આર્થિક એન્જિન તરીકે બ્રેક્ઝિટ વાટાઘાટોમાં લંડનનો મજબૂત અવાજ શા માટે મહત્ત્વપૂર્ણ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ફિનટેક બિઝનેસ વર્ડપ્લેના સ્થાપક ડેવિડ સીઅરે પણ બિઝનેસમાં આશાવાદનું મહત્ત્વ સમજાવવા સાતે ચેતવણી પણ આપી હતી કે જે બિઝનેસીસ મોબાઈલ ટેકનોલોજીની અવગણના કરશે તેઓ પાંચ વર્ષ પછી ધંધામાં નહિ હોય.

મહેમાનોને સંબોધતા નીના અમીન અને સિમોન કોલિન્સે યુકેના અર્થતંત્ર માટે એશિયન બિઝનેસ કોમ્યુનિટી કેટલી મહત્ત્વની છે તેના પર ભાર મૂકવા સાથે KPMGને સતત સહકાર આપવા બદલ મહેમાનોનો આભાર માન્યો હતો. નીનાબહેને ગત વર્ષ દરમિયાન યુકેમાં અસાધારણ રાજકીય અને સામાજિક ઘટનાઓની સમીક્ષા કરી મહેમાનોનું મનોરંજન કર્યું હતું.

કાર્યક્રમ વિશે નીના અમીને જણાવ્યું હતું કે,‘એશિયન બિઝનેસીસ સમગ્ર યુકેમાં હજારો લોકોને નોકરીઓ પુરી પાડવા સાથે અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને એક ફર્મ તરીકે અમે તેમની સાથે સફળતા ઉજવવાને મહત્ત્વની ગણીએ છીએ. દર વર્ષે અમને સહકાર આપનારા અને ઈનોવેટિવ તથા દીર્ઘદૃષ્ટા એશિયન બિઝનેસીસ સાથે કામ કરવાની તક મળવા બદલ હું અત્યંત આભારી છું. વર્તમાન અનિશ્ચિતતાના સમયમાં ક્લાયન્ટ્સની સાથે રહેવું તેમજ બ્રેક્ઝિટ દ્વારા પ્રાપ્ત તકો ઝડપી વિકાસ સાધવાની તેમની મહત્ત્વાકાંક્ષામાં સાથ આપવાનું અમારા માટે મહત્ત્વું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter