NHS માં ભારતીય ડોક્ટરોનું ભાવિ ધૂંધળુ

Wednesday 28th January 2015 06:01 EST
 
 

બ્રિટન ૧૯૬૦ના દાયકામાં શ્રમિકોની અછત અનુભવતું હતું અને તે પછી આ સદીના આરંભે બ્લેર સરકારે બ્રિટિશ તબીબોની સંખ્યા ઓછી હોવાથી ડોક્ટરો વધારવા ઈમિગ્રેશન હળવું બનાવતા ભારતીય ડોક્ટરો મોટી સંખ્યામાં બ્રિટન આવતા થયા હતા. ધ બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)એ કહ્યું હતું કે, ‘પરમિટ ફ્રી સિસ્ટમથી ઉપખંડના ડોક્ટરો યોગ્યતાના ધોરણે યુકેમાં સ્પેશિયાલિસ્ટ અથવા જનરલ પ્રેક્ટિસની ટ્રેનિંગ માટે અરજી કરવાનું અને સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરવાનું સરળ હતું.’

જોકે હવે સ્થિતિ વિષમ બની છે. વિઝા નિયમોમાં ફેરફાર પછી માત્ર ઈયુ નાગરિકોને જ આવી તાલીમસુવિધા મળે છે. આથી ભારતીય ડોક્ટરો તે માટે અરજી પણ કરી શકતા નથી. યુકેમાં પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ ટ્રેનિંગનું આકર્ષણ રહ્યું નથી. આ માટે હવે યુવાન ભારતીય ડોક્ટરો યુએસ અથવા ઓસ્ટ્રેલિયામાં મેરિટ અનુસાર પોસ્ટગ્રેજ્યુએટ ટ્રેનિંગ માટે અરજી કરે છે. વિઝા નિયમો અનુસાર નોકરીદાતાએ ભારતીય ડોક્ટરને કામે રાખતા અગાઉ ઈયુમાંથી કોઈની ભરતી કરવાનું નિષ્ફળ ગયાનું દર્શાવવું પડે છે.

ધ ટાઈમ્સ દ્વારા મેળવાયેલાં સત્તાવાર આંકડા અનુસાર નિયંત્રણોના અમલ પછી NHSમાં ૨૦૦૯માં ભારતીય ડોક્ટરોની સંખ્યા ૧૦,૨૬૫થી ઘટી હાલ ૬,૮૮૦ રહી છે. ધ જનરલ મેડિકલ કાઉન્સિલે અગાઉ જણાવ્યું હતું કે ૨૦૦૪માં બ્રિટનમાં નવા રજિસ્ટર્ડ થતાં ભારતીય ડોક્ટરોની સંખ્યા ૩,૬૪૦ હતી, જે ૨૦૧૩માં ઘટીને માત્ર ૩૪૦ થઈ હતી.

ભારતથી ૧૯૮૨માં યુકે આવનારા ૫૯ વર્ષીય ડોક્ટર ઉમેશ પ્રભુ કહે છે કે,‘હું અંગત રીતે મારા મૂળ અને NHSને આપેલા પ્રદાન બદલ ભારે ગૌરવ અનુભવું છું. આપણે ઝડપથી કશું કરવું જ રહ્યું. મેડિકલ ડિરેક્ટર તરીકે મારી મુશ્કેલી સારી ગુણવત્તાના ડોક્ટરોની ભરતી કરવાની છે. પેશન્ટ્સને સહન કરવું પડે છે.’ હજારો ભારતીય ડોક્ટરોની માફક બ્રિટનને કાયમી ઘર બનાવનારા ડો. પ્રભુ રાઈટિંગ્ટન, વિગન અને લેઈઘ ફાઉન્ડેશન ટ્રસ્ટ માટે કામ કરે છે. તેમનો પુત્ર પણ ડોક્ટર છે.

ધ રોયલ કોલેજ ઓફ ફીઝિશિયન્સના ફ્રાઝ મીર કહે છે,‘ભારતના ખાનગી ક્ષેત્રમાં ભારતીય ડોક્ટરોને હવે સારું વેતન અપાય છે.’ ભારતમાં તકો વધતાં યુકેમાં ભારતીય ડોક્ટરોની સંખ્યા ઘટી હોવાનું તેઓ કહે છે. ધ રોયલ કોલેજ ઓફ ફીઝિશિયન્સના એસોસિયેટ ઈન્ટરનેશનલ ડિરેક્ટર પીટર ટ્રયુબીએ કેટલાંક ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ બે વર્ષ પછી પરત ફરે તે શરત સાથે બ્રિટન આવવા ટુંકી મુદતના વિઝાની યોજના ઉભી કરવામાં મદદ કરી હતી. ડો. ટ્રયુબી કહે છે બ્રિટન માટે ભારતીય ડોક્ટરો મહત્ત્વના છે. ‘તેમના વિના NHSભાંગી પડી હોત.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter