NRI ઉદ્યોગપતિ સ્વરાજ પૌલના પુત્ર અંગદનું આઠમા માળેથી પડવાથી મોત

Tuesday 17th November 2015 12:54 EST
 
 

લંડનઃ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક અને બીનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલના ૪૫ વર્ષના પુત્ર અને તેમના કપારો ગ્રુપના સીઈઓ અંગદ પોલનું સેન્ટ્રલ લંડનમાં આઠ માળની લકઝરી ઇમારતના પેન્ટહાઉસમાંથી પડી જવાથી આઠ નવેમ્બરે અવસાન થયું હતું. પારિવારિક બિઝનેસમાં અચાનક મોટી ખોટ જવાના કારણે અંગદે આત્મહત્યા કરી હોવાનું ચર્ચાય છે. જોકે, લંડન પોલીસે કહ્યું હતું કે તેઓ અંગદના મોતનું રહસ્ય જાણવા પ્રયાસ કરશે, તેમ છતાં હાલના તબક્કે અંગદના મોત અંગે કોઇ જ શંકા કરાતી નથી, છતાં આપઘાતની શંકાનો ઇનકાર કરી શકાય નહીં. જોકે, ઘટનાસ્થળ પર કોઈ સુસાઇડનોટ મળી નથી. શુક્રવારે સવારે અંગદ પોલની અંતિમવિધિમાં ૧,૦૦૦થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.

લોર્ડ સ્વરાજ પોલે પુત્ર અંગદની મેમોરિયલ સર્વિસમાં ભાવભીની અંજલિ આપતા કહ્યું હતું કે,‘અંગદ, તું જ્યાં પણ હશે...અમે સમગ્ર પરિવાર તારી સાથે જ છીએ. અમે તને કદી ભૂલી શકીશું નહિ.’ ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર રંજન મથાઈ, ડેપ્યુટી હાઈ કમિશનર વિરેન્દર પોલ સહિત સેંકડો મિત્રો અને પરિવારજનો મેમોરિયલ સર્વિસમાં ઉપસ્થિત રહ્યા હતા. યુકેમાં ભારતીય વિદ્યા ભવનના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર ડો. નંદકુમારે વેદગ્રંથોના શ્લોકો અને ભગવદ ગીતાના અંશોનું પઠન કર્યું હતું.

યુકેની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં જી-૨૦ શિખર પરિષદમાં જતા અગાઉ લોર્ડ સ્વરાજ પોલની મુલાકાત લઈ તેમને દિલાસો આપ્યો હતો. નાણા પ્રધાન અરુણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ તથા ભારત અને યુકેના રાજનેતાઓએ દિલસોજી વ્યક્ત કરી હતી.

સ્ટીલ બિઝનેસમાં ભારે મંદીના કારણે સ્ટીલના ભાવ ગગડી જવાથી કપારો ગ્રુપ ભારે કટોકટીનો સામનો કરી રહ્યું છે. ફડચામાં જતાં અગાઉની પ્રક્રિયાના કારણે ૧૬ કંપનીઓને વહીવટમાં રાખવાની ફરજ પડતાં કંપનીએ ૪૫૦ કર્મચારીને નોકરીમાંથી દૂર કર્યા હતા અને અન્ય ૧૨૦૦ને દૂર કરાય તેવી શક્યતા છે. વર્ષે એક બિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવતા કપારો ગ્રુપની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૪૦ કંપનીઓ છે, જેમાં ૧૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. એમના વેપારમાં કારના સ્પેરપાર્ટસનું ઉત્પાદન, સ્ટિલ પાઇપ, હોટલો અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે. અન્ય પ્રોજેક્ટમાં સુપર ફાસ્ટ કાર, ફિલ્મો અને ડીઝાઇનનો સમાવેશ થાય છે. અંગદે સુપર હિટ ફિલ્મ ‘લોક, સ્ટોક એન્ડ ટુ સ્મોકિંગ બેરલ્સ’ ફિલ્મ પણ બનાવી હતી.

૮૪ વર્ષીય સ્વરાજ પોલના સૌથી નાના પુત્ર અંગદે ૨૦૦૫માં વકીલ મિશેલ બોન સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે. લોર્ડ પોલના અન્ય બે જોડિયા બાળકો અંબર અને આકાશ ૫૭ વર્ષના છે. અંગદની બહેન અંબિકાનું લ્યુકેમિયાના કારણે અવસાન થયું હતું. લોર્ડ સ્વરાજ પોલ ૧૯૬૬માં બ્રિટન આવ્યા હતા અને ૫,૦૦૦ પાઉન્ડની બેન્ક લોન સાથે કપારો ગ્રૂપની સ્થાપના કરી હતી. આજે તેઓ અંદાજે ૨.૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે બ્રિટનના તવંગરોમાં ૪૭મો ક્રમ ધરાવતા હોવાનું કહેવાય છે. તેમણે લેબર પાર્ટીને આશરે ૫૦૦,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter