UAEના પ્રેસિડેન્ટ શેખ ખલીફાનું લંડનમાં જ £૫.૫ બિલિયનનું પ્રોપર્ટી સામ્રાજ્ય!

Sunday 25th October 2020 13:38 EDT
 
 

લંડનઃ તેલસમૃદ્ધ રાષ્ટ્ર યુનાઈટેડ આરબ અમિરેટ્સ (UAE)ના પ્રેસિડેન્ટ અને અબુ ધાબીના અમીર શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની પ્રોપર્ટીઝ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે અને યુકેના લંડનમાં તેમની સૌથી ધનવાન લેન્ડલોર્ડ્સમાં ગણતરી થાય છે. ધ ગાર્ડિયન અખબારનો અહેવાલ જણાવે છે કે લંડનના વૈભવી વિસ્તારોમાં તેમનું ૫.૫ બિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યનું પ્રોપર્ટી સામ્રાજ્ય ફેલાયેલું છે. દસ્તાવેજો અનુસાર ૨૦૧૫માં આ પ્રોપર્ટીઝમાંથી વાર્ષિક ૧૬૦ મિલિયન પાઉન્ડના ભાડાંની આવક થતી હતી. શેખ ખલીફાએ નાઈટ્સબ્રિજ, વેસ્ટમિન્સ્ટર અને કેન્સિંગ્ટનમાં ભન્ય રેસિડેન્શિયલ સાઈટ્સ પણ ખરીદી છે.

શેખ ખલીફા જેવા ધનવાન ઈન્વેસ્ટર કોઈનું ધ્યાન ન ખેંચાય તે રીતે આશરે ૧,૦૦૦ ટેનાન્ટ સાથે વ્યાપક પ્રોપર્ટી પોર્ટફોલીઓનું સામ્રાજ્ય ઉભું કરી શકે તેવો પ્રશ્ન અવશ્ય થાય. જોકે, લંડનના કેટલીક પ્રતિષ્ઠિત લો ફર્મ્સના વહીવટ થકી વિદેશના ટેક્સ હેવન્સમાં બેનામી કંપનીઓના જટિલ માળખાથી આવું સામ્રાજ્ય બનાવવું શક્ય બને છે. ૨૦૧૬માં પનામા પેપર્સ વિશે ગાર્ડિયન અખબારના રિપોર્ટિંગમાં યુકેની પ્રોપર્ટીઝમાં ખલીફાના હિતોની જાણકારી બહાર આવી હતી. શેખ ખલીફાએ ૨૦૦૫માં જ સેન્ટ્રલ લંડનમાં ૧ બિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની પાંચ પ્રોપર્ટીઝ હસ્તગત કરી હતી અને ૨૦૧૫ સુધીમાં તેમનો પ્રોપર્ટી ફોલીઓ વધીને ૫.૫ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચ્યો હતો.

લેન્ડ રજિસ્ટ્રી ડેટાનાં વિશ્લેષણ અનુસાર ખલીફાની કોમર્શિયલ અને પ્રાઈવેટ પ્રોપર્ટીઝના પોર્ટફોલીઓમાં ૧૭૦ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે જેમાં, રિચમોન્ડ પાર્ક નજીકનાં એકાંત મેન્શનથી માંડી હેજ ફંડ્સ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્ક્સ કાર્યરત છે તેવા હાઈ - એન્ડ લંડન ઓફિસ બ્લોક્સનો સમાવેશ થાય છે. ઓફશોર કંપનીઓ મારફત યુકેમાં મિલકતો વસાવવી ગેરકાયદે નથી. જોકે, યુકે સરકાર માર્કેટને વધુ પારદર્શી બનાવવા અને ભ્રષ્ટાચાર સામે લડવા યુકેમાં મિલકતો ધરાવતી વિદેશી કંપનીઓનું રજિસ્ટર બનાવવા પ્રતિબદ્ધ છે.

લિચટેન્સેઈનની કંપની મધ્યપૂર્વના રાજવી પરિવારની ખાનગી બાબતોનો હવાલો સંભાળે છે. કંપનીએ ૧૯૭૦ના દાયકાથી શેખ ખલીફા તેમજ તેમના પિતા, યુએઈના પ્રથમ પ્રેસિડેન્ટ વતી પ્રોપર્ટીઝ ખરીદવાની શરુઆત કરી હતી. કંપની ફાઈલિંગ્સ અનુસાર ખલીફાની એસ્ટેટને ૨૦૧૫માં ગ્રોવનર, કાડોગાન અથવા વાલ્ડેન એસ્ટેટ્સથી પણ વધુ ભાડાંની આવકો મળી છે. આ જ વર્ષમાં ખલીફાના હોલ્ડિંગ્સ માત્ર ક્રાઉન એસ્ટેટની લંડન પ્રોપર્ટીઝના મૂલ્યથી પાછળ હતા પરંતુ, ગ્રોવનર એસ્ટેટની લંડન પ્રોપર્ટીઝના સંયુક્ત મૂલ્યથી વધારે હતા. પોર્ટફોલીઓના આટલા જબરજસ્ત કદ છતાં, દાયકાઓથી માલિકની ઓળખ ગુપ્ત રખાઈ છે. યુકેની અગ્રણી લો ફર્મ્સ તેમનો ઉલ્લેખ માત્ર ‘ધ ક્લાયન્ટ’ તરીકે જ કરે છે.

જોકે, ખલીફાની મિલકતો કાયદાની લડાઈમાં ફસાઈ છે.  હકીકત એવી છે કે ખલીફાના પારિવારિક સભ્યોમાં તેમની મિલકતો પર અંકુશ મેળવવાની સ્પર્ધા ચાલે છે અને કેટલાક પેમેન્ટ્સમાં મંજૂરીઓના સંદર્ભમાં કાનૂની કેસ કરાયો છે. હાઈ કોર્ટમાં આ વર્ષની શરુઆતમાં વિવાદની સુનાવણીમાં એવો દાવો કરાયો હતો કે યુએઈના પ્રમુખે વિન્ડસર નજીક આવેલા ૧૮મી સદીના મેન્શનમાં એવિયન પીવાના પાણીથી ભરેલી ટાંકીઓ લગાવી છે. ૨૦૧૯માં ફરી પ્રમુખપદે ચૂંટાયેલા ખલીફાને ૨૦૧૪માં સ્ટ્રોક આવ્યા પછી તેમની જીવનશૈલી વિશે ઘણી વાતો બહાર આવતી રહી છે કે તેઓ માનસિક રીતે અક્ષમ બની ગયા છે. જોકે, તેમના વકીલોએ આવા દાવાઓ ફગાવી દીધા છે. ખલીફાના પૂર્વ પ્રોપર્ટી મેનેજર લાન્સરના વકીલોએ ગુપ્ત દસ્તાવેજને ટાંકતા જણાવ્યું હતું કે ૨૦૧૫માં જ તેમની મિલકતોનો અંકુશ ગુપ્ત રીતે સ્પેશિયલ કમિટીને સોંપી દેવાયો હતો.

ઈન્વેસ્ટિગેટિવ વેબસાઈટ Sarawak Reportમાં જણાવાયેલા દસ્તાવેજ અનુસાર ખલીફાના ઓરમાન ભાઈ શેખ મનસુર બિન ઝાયેદ નાહયાનને કમિટીના ચેરમેન બનાવાયા છે અને લંડનની કેટલીક પ્રાઈમ રિયલ એસ્ટેટ હવે માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના માલિકને હસ્તક છે. જોકે, શેખ ખલીફાના વકીલોએ તેમની મિલકતોનો અંકુશ અન્યને સુપરત કરાયાનો ઈનકાર કર્યો છે.

શેખ ખલીફાની કેટલીક મહત્ત્વની મિલકતો  

• ટાઈમ લાઈફ બિલ્ડિંગ, ન્યૂ બોન્ડ સ્ટ્રીટ, મેફેર (૨૦૦૫) • બર્કલી સ્ક્વેર હાઉસ, મેફેર (૨૦૦૩) • ૪૬, બર્કલી સ્ક્વેર, મેફેર (૨૦૦૧) • વન કેન્સિંગ્ટન ગાર્ડન્સ, કેન્સિંગ્ટન (૨૦૦૮) • ૫૦, બર્કલી સ્ટ્રીટ, કેન્સિંગ્ટન (૨૦૦૨) • ૩ હાન્સ ક્રીસન્ટ, નાઈટ્સબ્રીજ (૨૦૧૮) • ટિલ્ની હાઉસ. મેફેર, (૧૯૯૭) • હામ રાઈડિંગ્સ, હામ, રિચમોન્ડ (૨૦૦૨-૨૦૦૬)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter