£૩ બિલિયનની બચતના પગલાં, ડિફેન્સ બજેટમાં કાપ

Monday 08th June 2015 09:57 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને £૩ બિલિયનની બચત સાથે રાજકોષીય ખાધ ઘટાડવાના પગલા લેવાની શરુઆત કરી છે, જેના ભાગરુપે ડિફેન્સ બજેટમાં £૫૦૦ મિલિયનનો કાપ મૂકાયો છે. આ ઉપરાંત, તેમણે યુનિવર્સિટીઓ, કોલેજીસ, ટ્રાન્સપોર્ટ અને જાહેર આરોગ્યને મળનારી રોકડ રકમમાં કાપની પણ જાહેરાત કરી છે. જોકે, શાળાઓ, હોસ્પિટલ્સ, વિદેશી સહાય તેમજ પોલીસ અને સિક્યુરિટી સેવાને બાકાત રાખી છે. જ્યોર્જ ઓસ્બોર્ને સ્પષ્ટ કર્યું હતું કે કાપ જેટલી ઝડપથી અમલી થાય તે સારું રહેશે. ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં £૩ બિલિયનથી વધુની બચત કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. ચાન્સેલર મોટા ભાગના સરકારી વિભાગોના બજેટમાં વધુ પાંચ ટકા કાપ ઘટાડવા માગે છે. જોકે, તેઓ ૪૫ ટકાના સર્વોચ્ચ ટેક્સ દરમાં વહેલો ઘટાડો કરવાની તરફેણમાં નથી. ગંભીર કાપ વિના £૧૩ બિલિયન બચત મુશ્કેલ હોવાની ચેતવણી ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝ દ્વારા અપાયા પછી વિવિધ કાપની જાહેરાત કરાઈ છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વ્હાઈટ હોલ દ્વારા બજેટમાં સરેરાશ ત્રણ ટકાના કાપ કરતા ૧.૮ ટકાનો કાપ ઘણો નીચો છે. બ્રિટનની રાષ્ટ્રીય આવકના બે ટકા ડિફેન્સ પાછળ ખર્ચવા નાટો તરફની પ્રતિબદ્ધતા જાળવી રખાશે અને ફ્રન્ટલાઈન ઓપરેશન્સ પર તેની કોઈ અસર નહિ થાય. જોકે, લશ્કરી વડાઓ અને ઘણા ટોરી સાંસદોએ વડા પ્રધાન કેમરનને રાષ્ટ્રીય આવકના ૨ ટકા સંરક્ષણ પાછળ ખર્ચવા વારંવાર અપીલ કરી છે. સૌથી વધુ અસર તો ટ્રાન્સપોર્ટ મંત્રાલયને થશે, જે તેના બજેટમાં વધુ ૮.૫ ટકા ફાળવણી ગુમાવશે.

બચતના અન્ય પગલામાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશનની આસપાસ જમીનના વેચાણથી £૩૪૫ મિલિયન મેળવવા ઉપરાંત, હેલ્થ વિભાગ દ્વારા લોકલ કાઉન્સિલોને અપાતાં જાહેર આરોગ્ય ભંડોળમાં £૨૦૦ મિલિયનનો કાપનો પણ સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ દ્વારા £૪૫૦ મિલિયનના કાપના પગલાંમાં યુનિવર્સિટીઓ અને કોલેજોના ભંડોળનો સમાવેશ થાય છે.

---------------------------

વિભાગ કાપ મિલિયન)

ટ્રાન્સપોર્ટ                              £૫૪૫

ડિફેન્સ                                 £૫૦૦

યુનિ/કોલેજીસ                        £૪૫૦

શિક્ષણ (સિવિલ સર્વિસીસ)          £૪૫૦

જસ્ટિસ                                £૨૪૯

લોકલ ગવર્મેન્ટ                       £૨૩૦

જાહેર આરોગ્ય                        £૨૦૦

વર્ક/ પેન્શન્સ                         £૧૦૫

એન્વીરોન્મેન્ટ                         £૮૩

HMRC                                £૮૦

એનર્જી/ ક્લાઈમેટ ચેન્જ             £૭૦

હોમ ઓફિસ                           £૩૦

કલ્ચર, મીડિયા સ્પોર્ટ્સ              £૩૦

ફોરેન ઓફિસ                         £૨૦

કેબિનેટ ઓફિસ                      £૧૭

ટ્રેઝરી                                £૦૭

--------------------

કુલ--                     £.૦૭ બિલિયન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter