માન્ચેસ્ટરઃ ઓર્ગન ડોનેશન સપ્તાહ નિમિત્તે બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગે ચોંકાવનારી માહિતી જાહેર કરી હતી કે છેક ૨૦૦૭થી અંગદાનની રાહ જોવામાં ગ્રેટર માન્ચેસ્ટરના ૧૦ બરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ટાદીમાં રહેલા ૩૮૬ વ્યક્તિઓનાં મોત થયાં હતાં. યુકેમાં ગયા વર્ષે પ્રત્યારોપણની રાહ જોવા દરમિયાન મૃત્યુને ભેટેલાં ૪૭૦ વ્યક્તિમાંથી ૫૦ લોકો એશિયન હતા.
માન્ચેસ્ટરમાં અશ્વેત અને એશિયન લોકો વધુ પ્રમાણમાં અંગદાન કરે તેવી ખાસ જરૂરિયાત દેખાય છે. હાલ ઓર્ગન ડોનેશનના વેઈટિંગ લિસ્ટમાં ૧૦૧ અશ્વેત અને એશિયન લોકો છે. એક જ પ્રકારના વંશીય મૂળના લોકો પાસેથી અવયવો મળે તો તેમના મેચિંગની શક્યતા વધી જાય છે અને શરીર દ્વારા અંગના રીજેક્શનની શક્યતા ઘટે છે. અત્યારે હોસ્પિટલોમાં અંગદાન માટે જણાવાય ત્યારે અશ્વેત અને એશિયન પરિવારોના ૩૫ ટકા જ અંગદાન માટે તૈયાર થાય છે.

