લંડનઃ શુક્રવાર, ૨૬ જાન્યુઆરીએ ખતરનાક કાર ડ્રાઈવિંગથી વેસ્ટ લંડનમાં ત્રણ તરુણના મોત નીપજાવવાના આરોપમાં હેઈઝનો ૨૮ વર્ષીય જયનેશ ચુડાસમા સોમવારે અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. મૃતકો સ્થાનિક ફૂટબોલ સેન્ટરમાં બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા હતા ત્યારે M4 ના જંક્શન ચાર નજીક એસો ગેરેજ પાસે ઓડી કાર સાથે અકસ્માત થયો હતો. હેરી લૂઈ રાઈસ (૧૭ વર્ષ), જ્યોર્જ ટોબી વિલ્કિન્સન અને જોશ મેકગિનેસ (બંને ૧૬ વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શનિવારે ૪૦૦ જેટલા લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મૃતક બાળકોની યાદમાં એક મિનિટનું મૌન પાળવા સાથે બલૂન્સ છોડ્યા હતા.
ચુડાસમાની ધરપકડ કરાઈ હતી અને તેને પ્રાથમિક સુનાવણી માટે કોર્ટમાં હાજર કરાયો હતો. તેણે પોતાની ઓળખને સમર્થન આપ્યું હતું પરંતુ, કોઈ વિનંતી કરી ન હતી. તે નીચા મસ્તકે બેસી રહ્યો હતો. કોર્ટે તેને રિમાન્ડ પર પોલીસને આપ્યો હતો અને તેણે ૨૬ ફેબ્રુઆરીએ ઓલ્ડ બેઈલી કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે જયનેશ ચુડાસમા માતા અને ભાઈ-બહેનો સાથે રહે છે, કાર ફર્મમાં કામ કરે છે અને આ ઉનાળામાં તેના લગ્ન થવાના હતા.
હેરી, જ્યોર્જ અને જોશ હેરફિલ્ડ એકેડેમીની શાળામાં અભ્યાસ કરતા હતા. આઈકેનહામમાં રોકસોલિડ કિકબોક્સિંગ ખાતે જ્યોર્જ અને જોશને શીખવતા ડેવ જેન્ટ્રીએ કહ્યું હતું કે આ ઘટનાથી સમગ્ર કોમ્યુનિટીમાં આઘાત પ્રસરી ગયો છે. જ્યોર્જે તાજેતરમાં જ તેના પિતાના બિઝનેસમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. હેરીએ થોડા સપ્તાહ અગાઉ જ ફાર્નબરો ટાઉન ફૂટબોલ ક્લબ સાથે સાઈન કર્યું હતું.