ઘરે આવેલ પોસ્ટનું કવર હોય કે વિશાળ કેન્વાસ, ચિત્રકલા જેના હૈયે સદાય વસેલી છે એવા મૂળ ભાદરણના અને હાલમાં વેમ્બલી પાર્ક ખાતે રહેતા રસિકભાઇ પટેલ પોતાની એક પણ પળ ચિત્ર દોર્યા વગર નકામી જવા દેવા જતા નથી એમ કહીએ તો જરા પણ ખોટું નથી. ૮૨ વર્ષની વયે પણ રસિકભાઇ કાગળ મળતાં જ ચિત્રો દોરવા લાગી જાય અને થોડીક જ મિનિટોમાં તેમની કલ્પનાનું ચિત્ર આપણી નજર સમક્ષ ઉપસી આવે. રસિકભાઇ પટેલે એકલે હાથે પોતાના અને ગૃપમાં ઘણાં ચિત્રો પ્રદર્શનોમાં ભાગ લીધો છે અને વિતેલા વર્ષો દરમિયાન ભારત અને યુકેમાં ઘણાં બધા એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. તો બીજી તરફ ગૌરવ અપાવે તેવા વિખ્યાત પ્રદર્શનોમાં તેમના ચિત્રો રજૂ થઇ ચૂક્યા છે.
૧૯૩૩માં ભાદરણમાં જન્મેલા અને ભારતની જગવિખ્યાત સર જેજે સ્કૂલ અોફ આર્ટ્સ, મુંબઇમાંથી આજથી ૬૦ વર્ષ પહેલાં ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરનાર રસિકભાઇએ લંડન આવ્યા બાદ લંડન કોલેજ અોફ પ્રિન્ટીંગમાંથી ચાર વર્ષ ગ્રાફિક ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો હતો. ભારત, ઇજીપ્ત અને યુરોપીયન આર્ટની પારંપરિક ચિત્ર કળામાંથી પ્રેરણા મેળવનાર રસિકભાઇ પટેલે ટ્રેડીશનલ અને એબસ્ટ્રેક્ટ આર્ટના મિશ્રણ સમાન પોતાની અદ્ભુત લાક્ષણિક શૈલી વિકસાવી છે. જેને કારણે તેમના ચિત્રો બોલી ઉઠે છે અને બીજા કરતા નોખાં તરી આવે છે. રસિકભાઇએ કોઇ જ પ્રકારના વિરામ કે હાથ ઉઠાવ્યા વગર પેન્સિલથી એક જ લાઇનમાં ચિત્ર દોરવા પર પણ મહારથ હાંસલ કરી છે. તેમના સિંગલલાઇનમાં દોરેલા ચિત્રો જોવા જેવા છે.
રસિકભાઇએ ચિત્રકલાના વિવિધ પાસાઅોને હસ્તગત કર્યા છે. તેઅો કેન્વાસ પર આજના આધુનિક રંગોથી લઇને પારંપરિક કુદરતી રંગોનો ઉપયોગ કરીને ચિત્રો દોરી શકે છે તો પાણી અને શ્યાહીના મિશ્રણ કરી અવનવા રંગોનું સર્જન કરીને ચિત્રો દોરે છે. ઘણી વખત તો રસિકભાઇ સામાન્ય બોલપોઇન્ટ પેન વડે પણ ચિત્રો દોરી કાઢે છે. આટલું જ નહિં રસિકભાઇ મહેંદી મૂકવાના પણ શોખીન છે અને લગ્નો, સગાઇ કે અન્ય પ્રસંગોએ પોતાના સ્વજનોને તેનો લાભ અપતા હોય છે.
રસિકભાઇનો ચિત્રો દરોવા પરત્વેનો પ્રેમ એટલો બધો છે કે તેઅો ઘણી વખત તો કોઇ પેપર ન મળે તો તેઅો ટીલ રીસીપ્ટની પાછળ કે પોસ્ટના કવરની પાછળ પણ ચિત્રો દોરી કાઢે છે. રસિકભાઇ માટે એટલું જ કહી શકાય કે "મારા ચિત્રો એજ મારૂ જીવન છે.” ઘણિ વખત એમ લાગે કે ચિત્રો દોરવા અને તે મિત્રો અને પરિચિતોને બતાવવા એજ જાણે કે રસિકભાઇનું એકમાત્ર ધ્યેય છે.
ખુબીની વાત એ છે કે રસિકભાઇએ આપણા "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" માટે પણ આઠ વર્ષ સુધી ગ્રાફીક ડિઝાઇનર તરીકે કાર્ય કર્યું હતું.
રસિકભાઇએ ગુજરાતમાં વિવિધ શહેરોમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનોમાં ભાગ લીધો છે. તેમણે ૧૯૬૧માં ભાવનગર ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં રજૂ કરેલ ચિત્રો તો ખૂબ જ ખ્યાતી પામ્યા હતા અને તેની સરાહના પણ કરાઇ હતી. રસિકભાઇએ વિખ્યાત જ્હોન લુઇસ સ્ટોર્સમાં પણ સેવાઅો આપી હતી અને તેમણે દોરેલા ચિત્ર "મેડોના"ની પસંદગી ૧૯૯૫માં "જ્હોન લુઇસ ક્રોનીકલ" મેગેઝીનના કવર પેજ પર થઇ હતી. તેજ મેગેઝીનમાં તેમના ચિત્ર "ઇસ્ટર એગ"ની પસંદગી થઇ હતી. ચાકહિલના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૦૦માં ગ્રેન્જ મ્યુઝિયમ લંડન તરફથી તેમને એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે આર્ટીસ્ટ ગેલેરીમાં (અોઇલ અોન કેન્વાસ) યોજાયેલા પ્રદર્શન દરમિયાન રજૂ થયેલ 'સ્ટાર ૨૦૦૧' એક્ઝીબીશનમાં તેમને ટ્રીસાયકલ થિએટરના રિચાર્ડ કોર્ક તરફથી એવોર્ડ એનાયત થયો હતો.
જુનુ વેમ્બલી સ્ટેડીયમ તોડાઇ રહ્યું હતું ત્યારે તેમણે દોરેલ ચિત્ર ખૂબજ ખ્યાતી પામ્યું હતું. આ ઉપરાંત ટેલિફોન રિસેપ્સનીસ્ટ અને વેવ્ઝ, પણ ખ્યાતી પામ્યા હતા. રસિકભાઇના ચિત્રો અંગે ઘણાં મેગેઝીન અને અખબારોમાં રીવ્યુ છપાયા છે. રસિકભાઇ હાલમાં ભારતના પ્રવાસે જઇ રહ્યા છે અને તા. ???? ના રોજ પરત થશે.
સંપર્ક: રસિકભાઇ 020 8908 3479.
રસિકભાઇના ચિત્રોના નોંધનીય પ્રદર્શન
* ઇન્ડિયન સોશ્યલ કલ્ચર
* રસિક ગેલેરી, યુકે
* ઇન્ડિયા હાઉસ, યુકે ૧૯૬૯
* સાબિમા આર્ટ ક્લબ, યુકે ૧૯૭૬
* બાર્નેટ આર્ટ કાઉન્સિલ યુકે
* મંદિર આર્ટ ગેલેરી, યુકે
રસિકભાઇના ગૃપ શો
* એક્ઝીબીશન અોફ આર્ટવર્ક, પુણે
* જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઇ
* અૌડલી સ્ટ્રીટ આર્ટ ગેલેરી (હાલનું નહેરૂ સેન્ટર)
* રોયલ અોવરસીઝ લીગ, લંડન
* કેમડેન આર્ટ ગેલેરી, લંડન
* બાર્નેટ આર્ટ કાઉન્સિલ, લંડન
* કોન્ટાસ ગેલેરી, લંડન
* ગ્રેન્જ મ્યુઝિયમ, લંડન
* સ્ટેબ્લસ ગેલેરી એન્ડ આર્ટ સેન્ટર, લંડન
રસિકભાઇના ચિત્રોને મળેલા એવોર્ડ્ઝ
ટૂર એક્ઝીબીશન માટે પ્રથમ ઇનામ, જે.જે. સ્કૂલ અોફ આર્ટ્સ, મુંબઇ
હેલ્થ અેન્ડ હોબીઝ, યુકે તરફથી ૧૯૭૨માં એવોર્ડ
બાર્નેટ આર્ટ કાઉન્સિલ તરફથી ૧૯૭૨માં એવોર્ડ
"વી આર હિસ્ટ્રી મેકર્સ" થીમ માટે બ્રેન્ટ કાઉન્સિલ તરફથી એવોર્ડ
ફીંચલી ટૂર એક્ઝીબીશન માટે ઇનામ


