આનંદમેળો: બ્રિટિશ એશિયન સંસ્કૃતિની ભવ્ય ઉજવણી

Wednesday 15th June 2016 10:06 EDT
 

એશિયન પરિવારોમાં લોકપ્રિય અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ યોજાયેલા છઠ્ઠા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી સાથે બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની શાનદાર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' અને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં પણ મોટા પ્રમાણમાં સૌએ ભાગ લઇ માહિતી મેળવી હતી. વીકએન્ડ દરમિયાન યોજાયેલા આનંદમેળામાં મોટી સંખ્યામાં અબાલવૃધ્ધ સૌએ ઉત્સાહભેર લહાવો લીધો હતો અને બે દિવસ દરમિયાન ૨૦ મનોરંજક કાર્યક્રમોમાં ૧૨૦ કલાકારોએ ભાગ લીધો હતો.

આનંદ મેળા ૨૦૧૬નું ઉદ્ઘાટન હેરોના મેયર રેખાબેન શાહ, સાંસદ બોબ બ્લેકમેન અને 'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ'ના પ્રકાશક-તંત્રી શ્રી સી બી પટેલે દીપ પ્રગટાવીને કર્યું હતું. આ પ્રસંગે નવિન શાહ AM, બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહેમદ, કાઉન્સિલર સચિન શાહ, કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, કાઉન્સિલર કૃષ્ણા સુરેશ સહિત લોકલ કાઉન્સિલોના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કેક કટિંગ સેરિમનીમાં મહાનુભાવોની સાથે આ વર્ષના અમારા ચેરિટી પાર્ટનર શીશુકુંજના નાના ભુલકાઓ હર્ષભેર જોડાયા હતા. ત્યારબાદ બ્રિટિશ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

હેરો લેઝર સેન્ટરના બાયરન હોલમાં ઉભા કરાયેલા સંખ્યાબંધ સ્ટોલ્સ અને સાઈડ શોઝથી મુલાકાતીઓને વિશિષ્ટ જ્વેલરી, સાડીઓ, ટ્રેડીશનલ પોષાકો ખરીદવાની જ નહીં પરંતુ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ, સ્વીટ્સ અને ફ્રેશ કપકેક્સનો સ્વાદ માણવાની પણ તક પૂરી પાડી હતી. બાળકોને તો ખાસ કરીને ફેસ-પેન્ટિંગ સ્ટોલ પર ખૂબ જ મઝા પડી હતી. આનંદમેળામાં ઉભા કરાયેલા ટ્રાવેલ, ઓનલાઈન ટ્યૂશન્સ અને નાના - મોટા પાયાના સંખ્યાબંધ બિઝનેસ સંબંધિત અન્ય સ્ટોલ્સ પર દિવસભર મુલાકાતીઓનો ધસારો રહ્યો હતો.

આનંદ મેળા ૨૦૧૬ના અમારા ચેરિટી પાર્ટનર શીશુકુંજ બાળકોની ચેરિટી છે, જે લંડનમાં ૩૦ કરતાં વધુ વર્ષથી કાર્યરત છે. બાળકો આવતીકાલના સમાજના જવાબદાર અને આદરણીય અગ્રણીઓ બને તે માટે તેઓ ભારતીય સંસ્કૃતિના માધ્યમથી પાંચ વર્ષની વયથી જ બાળકોમાં સિદ્ધાંતો અને મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ કરે છે. શીશુકુંજના વિદ્યાર્થીઓએ પણ અમારા દર્શકો માટે લોકકવિ ઝવેરચંદ મેઘાણી કૃત "મારું મન મોર બની થનગાટ કરે" ગરબો અને કલ્પેશ પટેલના કે'ઝ ડાન્સ એન્ટરટેઇન્મેન્ટના કલાકારોએ "દૂધે ભરી તલાવડીને, મોતીડે બાંધી પાળ" ગીત પર લોકનૃત્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત, બાળ કલાકાર હર્ષ રાવે લુકાસ ગ્રેહામનું 'સેવન યર્સ' ગીત ગાયું હતું. તો યક્ષ રાવલ અને સાથીકલાકારોએ ડાન્સ રજૂ કર્યો હતો. માત્ર ૬ વર્ષના ઇશ્વર શર્માએ સંસ્કૃતના કંઠસ્થ શ્લોકો તેમજ યોગાસનો કરી સૌને અાશ્ચર્યચક્તિ કરી દીધા હતા. યોગમાં ગોલ્ડમેડાલીસ્ટ અા બાળક ઇશ્વરના હાથે જુલાઇમાં ઇટાલી-રોમ ખાતે થનાર વર્લ્ડ યોગ ચેમ્પીયન કોન્ફરન્સનું અોપનીંગ થશે.

આનંદ મેળામાં કલ્ચરલ શોના મુખ્ય આકર્ષણોમાં થિયેટર, ગરબા, બોલિવુડ ડાન્સ, પોપ અને ફ્યુઝન ગીતો, વેદિક હાર્મની અને યોગ કોરિયોગ્રાફી હતા. પ્રસિદ્ધ કલાકારોમાં નવિન કુંદ્વા, હની કાલરિયા, મુહમ્મદ ફહાદ, શીશુકુંજ, મનોરમા જોશી, AK Dance Academy, કિશન અમીન, મીરા સલાટ, સાઈ સ્કૂલ, શુભેન્દુ બેનરજી, જેયડનનો સમાવેશ થતો હતો.

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા નવિન કુંદ્રાએ શાહી પરિવાર તેમજ ગયા વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત દરમિયાન ગીતો રજૂ કર્યા હતા. આનંદ મેળામાં કુંદ્રાએ વીતેલા વર્ષોના ગીતોથી લઈને લેટેસ્ટ બોલિવુડ ગીતો તેમજ પોતે રચેલા ગીતો ગાઈને પોતાના સુંદર કંઠથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

હની કાલરિયાએ 'આનંદ મેલા ગોટ ટેલેન્ટ' કાર્યક્રમ રજૂ કરી મેળાની શાન વધારી દીધી હતી. દર્શકો અને જાણીતા કલાકારોને સ્ટેજ પર એકસાથે લાવીને દર્શકોને તેમની કલા દર્શાવવાની તક પૂરી પાડવામાં આવી હતી. હનીએ શાહરુખ ખાન, હ્રિતીક રોશન, ઐશ્વર્યા રાય અને બિયોન્સ જેવી ખ્યાતનામ સેલિબ્રિટીઝ સાથે અગાઉ કામ કર્યું છે. ફહાદના મોહમ્મ્દ રફીના ગીતોના શો યુકેમાં ભારતીય અને પાકિસ્તાની સમુદાયોમાં ખૂબ લોકપ્રિય છે.

મનોરમા જોશી અને મીરા સલાટના નૃત્યો જોઈને છ વર્ષીય ધીયા આશ્ચર્યચકિત થઈ હતી. મનોરમાએ ‘બાજીરાવ મસ્તાની’ના મારા હાલના ફેવરિટ ગીત – મોહે રંગ દો લાલ – પર ડાન્સ કર્યો હતો.” મીરા સલાટની મીરા'સ પર્ફોર્મીંગ આર્ટ્સ બોલિવુડ ડાન્સ તેમજ શાસ્ત્રીય કથક નૃત્ય પણ શીખવાડે છે. મનોરમા જોશી પર્ફોર્મિંગ આર્ટિસ્ટ છે અને તેમણે કથક નૃત્યની તાલીમ લીધી છે.

કિશન અમીન સુફી સંગીત, બોલિવુડ સ્ટાઈલ તેમજ ભક્તિગીતો સહિત વિવિધ પ્રકારની ગાયકીમાં કુશળ છે. આનંદમેળામાં કિશને ‘સોચ ના સકે’ જેવા લેટેસ્ટ બોલિવુડ ગીતો ગાયા હતા. યુવાન અને સેન્શેસનલ ગાયક, ગીતલેખક અને રેકોર્ડિંગ આર્ટિસ્ટ જેયડન ‘સુન જરા’ અને ‘બ્રેથ અવે’ જેવા સોલો ગીત રજૂ કરી લોકોમાં છવાઈ ગયા હતા.

કલ્પેશ ઝાલાવાડિયાએ સ્થાપેલી K’z Dance Entertainment યુકે વેલકમ્સ મોદી ૨૦૧૫, દિવાલી ઓન ધ સ્કવેર ૨૦૧૫ તેમજ હાઉસ ઓફ કોમન્સમાં ૨૦૧૪માં દિવાળીની ઉજવણી અને ઘણા કાર્યક્રમોમાં એક ભાગ રૂપ હતું.

આનંદ મેળામાં પ્રોપર્ટી શો અને હેલ્થ એક્સ્પો (આરોગ્ય મેળો)

એસેટ ઈન્ડિયા પ્રોપર્ટી શો અને હેલ્થ એન્ડ વેલનેસ એક્સ્પોનું આયોજન હેરો લેઝર સેન્ટરના પહેલા માળે આવેલા કોન્ફરન્સ હોલ અને મેસફિલ્ડ સ્વીટમાં કરાયું હતું. તેનું ઉદ્ઘાટન સાંસદ બોબ બ્લેકમેન તેમજ હેરો, બાર્નેટ, ઈલિંગ અને બ્રેન્ટ કાઉન્સિલોનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલરોના હસ્તે કરાયું હતું. ત્યારબાદ તેમણે બધા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સના આયોજકો સાથે વાતચીત કરી હતી.

ભારતમાં સ્થાયી થવા માગતા લોકોથી માંડીને પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં રસ ધરાવતા લોકો સહિત દરેકને ભારતના જાણીતા ડેવલપરો સાથે ચર્ચા કરવાની તક મળી હતી. સ્ટોલ્સમાં રોકાણ કરવા લાયક પ્રોપર્ટીઝની વિગતો રજૂ કરાઈ હતી અને ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા સંબંધિત સલાહ આપવા માટે પ્રોપર્ટી નિષ્ણાતો પણ હાજર હતા. એસેટ પ્રોપર્ટી શોએ ભારતના જુદાજુદા શહેરોમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો, ઉચ્ચ વળતર અને નાણા રોકવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓ વિશે સ્પષ્ટ અને વિસ્તૃત ચિતાર પૂરો પાડ્યો હતો.

આ શોના અમારા મુખ્ય સ્પોન્સર ‘એસેટ ઈન્ડિયા’ હતા, જે ૨૦૧૧માં સ્થપાયેલી લંડનસ્થિત કંપની છે. આ કંપની ભારતમાં રિયલ એસ્ટેટના વેચાણ અને ખરીદીમાં NRIs અને PIOsને મદદ કરે છે. તેમના વેચાણનો મોટા ભાગનો હિસ્સો રિપિટ પરચેઝ અને તેમના ગ્રાહકોને થયેલા સારા અનુભવો પર આધારિત છે.

‘એસેટ ઈન્ડિયા’ના સલીલ કુમારે કહ્યું હતું,‘ આનંદ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોવાથી ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથેની પાર્ટનરશીપથી ઘણો લાભ થાય છે. વધુ લોકોનો મતલબ વધુ બિઝનેસ. આ વર્ષે અમને અમુક સારી ઈન્કવાયરી મળી છે અને તેમાં ટૂંક સમયમાં ડિલ થશે તેમ લાગે છે. અમારા શોમાં અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને ભારતના અન્ય કેટલાંક શહેરોમાં પ્રોપર્ટીની ઓફર કરતા ડેવલપરો પણ હતા.' એસેટ ઈન્ડિયાએ લકી ડ્રો પ્રાઈઝનું પણ આયોજન કર્યું હતું અને શોમાં આવેલા લોકોને આકર્ષક વાઉચરો પણ આપ્યા હતા.

છ વર્ષમાં પહેલી વખત આનંદ મેળા દ્વારા એડવાટેકના ઉપક્રમે હેલ્થ એન્ડ વેલનેસ એક્સ્પોનું આયોજન કરાયું હતું. મુલાકાતીઓએ સ્ટોલ્સની મુલાકાત લઈને તેમાં સંકળાયેલી હોસ્પિટલોના પ્રતિનિધિઓ સાથે હેલ્થ વિશે ચર્ચા કરી હતી. આ સહભાગી હોસ્પિટલોમાં મેડિટેક્સીસ, સીડ્સ ઓફ ઈનોસન્સ આઈવીએફ સેન્ટર, શેલ્બી હોસ્પિટલ, ચાર્ટવોલ પ્રાઈવેટ હોસ્પિટલ, મેડિકા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેરિલ લાઈફ સાયન્સીસ એન્ડ મેડિટુરાનો સમાવેશ થાય છે.

એડવાટેકના પ્રતિનિધિઓએ મુલાકાતીઓ સાથે પ્રશ્રોત્તરી યોજી હતી અને તેમને જનરલ હેલ્થ વિશે સલાહ આપવા ઉપરાંત મેડિકલ ટુરિઝમના લાભો અને ભારતમાં મળતી અતિ આધુનિક હેલ્થ સર્વિસીસની ગુણવત્તા વિશે વાત કરી હતી. તેમણે મેળામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોને એવોર્ડ્સ પણ એનાયત કર્યા હતા.

મેડિકા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રતિનિધિએ હેલ્થ ટેક્નોલોજીની બાબતમાં થઈ રહેલા સુધારાની વાત કરી હતી. શેલ્બી હોસ્પિટલના હિરેન કર્નાનીએ પણ હેલ્થ ટ્રીટમેન્ટમાં આકર્ષક ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. ‘આરોગ્ય મેળા’નું આયોજન યુકેના રહીશોની સ્વાસ્થ્યસંભાળની જરૂરિયાતોને જ ધ્યાનમાં રાખીને કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter