લંડનઃ ભારતીય સીનિયર મહિલા ગોલકીપર અદિતિ ચૌહાણ ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ વેસ્ટ હામ યુનાઈટેડમાં પદાર્પણ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનવા સાથે દેશની પ્રથમ મહિલા ગોલકીપર પણ બની છે. અદિતિએ રવિવારે કોવેન્ટ્રી સિટી વિરુદ્ધ સિઝનની પ્રથમ ગેમમાં સામેલ થઈ હતી. અન્ય ભારતીય તાન્વી હંસ પણ ફોર્થ ટીઅરમાં ફૂલહામ તરફથી રમે છે, પરંતુ ફર્સ્ટ ઈલેવનમાં તેનો સમાવેશ થયો નથી. લફબરો યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી ૨૨ વર્ષીય અદિતિએ યુનિવર્સિટી ટીમ માટે રમવાની શરૂઆત કરી હતી. કોવેન્ટ્રી લેડીઝ સામે વેસ્ટ હામનો પરાજય થવા છતાં ‘ધ હેમર્સ’ માટે અદિતિનું પદાર્પણ મોટી સિદ્ધિ છે.
મેચ પછી અદિતિએ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘હું પરિણામથી ખુશ નથી. હું વધુ સારું રમી શકી હોત. જોકે, મેં વેસ્ટ હામની પુરુષોની ટીમને ટેલિવિઝન પર નિહાળી છે અને એક જ લોગો સાથે તેમની જર્સી મેં ધારણ કરી ત્યારે મારું સ્વપ્ન સાકાર બન્યું હતું.’ ફૂટબોલની દુનિયામાં સ્થાન મેળવવા ઈચ્છુક એશિયન ફૂટબોલર્સ માટે અદિતિ ચૌહાણ પ્રેરણાસ્રોત બની છે. ભારતીય ફૂટબોલ ટીમ અને તેની પૂર્વ એફસી ગોવા ક્લબ સહિત સંખ્યાબંધ લોકોએ ટ્વીટર પર અદિતિને અભિનંદન પાઠવતા સંદેશા મૂક્યા હતા.
આનાથી એશિયન કોમ્યુનિટીમાં વ્યાપક રસ ઉભો થયો છે અને યુકેમાં કેટલાક પેરન્ટ્સનું ધ્યાન પણ ખેંચાયું છે. એશિયન બાળકો મુખ્ય ઈંગ્લિશ ફૂટબોલ ટીમ્સમાં સ્થાન મેળવવા સફળ થાય કે કેમ તેવા પ્રશ્નો પણ ઉભાં થયાં છે. ડો. શફાલિકા કોટવાલનો ૧૪ વર્ષનો પુત્ર તનિષ્ક કોટવાલ ટિપ્ટ્રીમાં ટિપ્ટ્રી સ્પાર્ટન્સ એફસી તરફથી રમે છે. આમ છતાં તનિષ્ક ભવિષ્યમાં ફૂટબોલના બદલે અભ્યાસ અને સારા પ્રોફેશન તરફ વધુ ધ્યાન આપે તો સારું, તેમ તેઓ માને છે. સિટી લોયર નદીમ અખ્તરનો ૧૦.૫ વર્ષનો પુત્ર ઉસ્માન અખ્તર હુઘેન્ડેન વેલી એફસી માટે રમે છે. તેમણે ‘ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, ‘એશિયન ખેલાડીઓ માટે અદૃશ્ય દીવાલ તો છે. તેઓની શરૂઆત સારી રહે છે, પરંતુ મુખ્ય ટીમમાં પસંદ કરાતા નથી. આનું કારણ સાંસ્કૃતિક તફાવત અથવા પેરન્ટ્સ તેમના બાળકોને પૂરતું ઉત્તેજન આપતા ન હોવાનું હોઈ શકે. જો મારો પુત્ર પ્રોફેશનલ ફૂટબોલર બનવા ઈચ્છશે તો હુ તેના નિર્ણયને અવશ્ય ટેકો આપીશ.’
ઝેશ રહેમાન ફાઉન્ડેશનમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર વિકાસ સાદિક ફૂટબોલમાં એશિયનો માટેની અદૃશ્ય દીવાલને આપણે જ તોડી શકીએ તેમ માને છે. તેમણે ‘ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે,‘પ્રતિભા તો છે પરંતુ વીકેન્ડ્સની મેચીસમાં એશિયન બાળકો ઓછો ભાગ લે છે. બાળકો સ્થાનિક ફૂટબોલ ટીમ્સમાં જોડાય તે પેરન્ટ્સ અને કોચીસે જોવું જોઈએ. ભવિષ્યમાં ઈંગ્લિશ પ્રીમીયર લીગની પાંચ મુખ્ય ક્લબમાં એશિયન ફૂટબોલર હોઈ પણ શકે છે. તાજેતરમાં ક્રિસ્ટલ પેલેસ ફૂટબોલ ક્લબે ભારતના પ્રવાસમાં મુંબઈના ૧૫ વર્ષના ધ્રુવમિલ પંડ્યાને ક્લબની એકેડેમીમાં જોડાવાનો કરાર કર્યો હતો.’