ઈન્દોરથી લંડનઃ રાજેશ અગ્રવાલની ઝળહળતી સફર....

Saturday 23rd July 2016 07:38 EDT
 
 

લંડનઃ રિચાર્ડ બ્રાન્સનથી રાજેશ અગ્રવાલ, રંકમાંથી રાજા થવાની કેટલીક રસપ્રદ કથાઓએ યુકેમાં આકાર લીધો છે. ફોરેન એક્સચેન્જ માંધાતા Rational FX અને આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર સર્વિસ કંપની Xendpayના સીઈઓ હોવામાંથી લંડનના ડેપ્યુટી મેયર ઓફ બિઝનેસ બનવા સુધી રાજેશ અગ્રવાલની ઝળહળતી સફર વિશે ઘણા ઓછાં લોકો જાણે છે. ભારતમાં ઈન્દોર જેવા નાનકડા ટાઉનમાં ઉછેરેલા અને ૧૫ વર્ષ અગાઉ સારી તકનો લાભ લેવા લંડનના હવાઈ પ્રવાસનો નિર્ણય કર્યો ત્યાં સુધી વિમાનમાં નહિ બેઠેલા વ્યક્તિ માટે આ સફળતા જરા પણ ઓછી આંકી શકાય નહિ.

તેઓ ૨૦૦૧માં લંડન આવ્યા અને ૨૦૦૫માં Rational FXની સ્થાપના કરી હતી. બ્રાઈટનમાં નાનકડી ઓફિસમાં બે માણસ સાથે કામ કરતું યુનિટ લંડનસ્થિત મલ્ટિ-મિલિયન પાઉન્ડના સફળ બિઝનેસમાં ફેરવાયું હતું, જેની શાખાઓ બર્મિંગહામ ઉપરાંત, ફ્રાન્સ અને સ્પેનમાં પણ છે. સાચા લંડનવાસી અગ્રવાલ પોતાની સફળતા માટેનો યશ સખત પરિશ્રમ ઉપરાંત, બ્રિટનનું ખુલ્લાપણું તેમજ ખાસ કરીને આ શહેરમાં પ્રાપ્ત તકોને આપે છે.

સાદિક ખાનના મેયર અભિયાનમાં ૩૯ વર્ષના સ્વનિર્મિત મિલિયોનેર અગ્રવાલ તેમના બિઝનેસ એડવાઈઝર હતા. મેયર સાદિક ખાને તેમને ૨૯ જૂન, ૨૦૧૬ના રોજ પાતાના ડેપ્યુટી બનાવ્યા હતા.

રાજેશ અગ્રવાલે નવી જવાબદારી સંભાળી તે પછી આ તેમના પ્રથમ ઈન્ટર્વ્યુમાં એલ. જ્યોર્જ અને આનંદ પિલ્લાઈ સાથેની વિશેષ મુલાકાતમાં ઈન્દોરથી લંડનથી સિટી હોલ સુધીની યાત્રાનું વર્ણન કરવા સાથે વર્તમાન રાજકીય ઘટનાક્રમો અને ભાવિ પડકારો વિશે વાતો કરી હતી.

તમારી નવી જોબ પ્રોફાઈલ શું છે?

ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ તરીકે મારે લંડનને બિઝનેસ કરવાના સ્થળ તરીકે આગળ વધારવાનું છે. એટલે કે, ઈન્વેસ્ટમેન્ટ્સ લાવવાં, લંડનના બિઝનેસીસ અને તેમના હિતોને આગળ વધારવા, ટુરિઝમના નગર તરીકે લંડનને પ્રમોટ કરવાનો તેમાં સમાવેશ થાય છે. ટુરિઝમ વિશ્વમાં લંડન પ્રથમ ક્રમે છે. લંડનમાં ૨૫ યુનિવર્સિટીઓ છે ત્યારે વિશ્વના કોઈ પણ દેશ કરતા વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીં આવે છે. વિદ્યાર્થીઓનો પ્રવાહ જાળવી રાખવાનો છે. મારી કામગીરી સિટી ઓફ લંડન સામેના પડકારોના ઉકેલમાં મેયરને મદદ કરવાની છે. બ્રેક્ઝિટના પરિણામે આપણે કોઈ બિઝનેસ ગુમાવીએ નહિ તે પણ જોવાનું છે.

થેરેસા મેની નેતાગીરી બિઝનેસ ગ્રોથને અસર કરશે?

થેરેસા મેએ વિકટ સંજોગોમાં હમણા જ કામગીરી સંભાળી છે. નવી સરકારે અર્થતંત્ર પર ધ્યાન આપી નોકરીઓને સુરક્ષિત રાખવાની છે. યુકેના જીડીપીનો ચોથો હિસ્સો અને ટેક્સીસનો ત્રીજો હિસ્સો લંડનમાંથી આવે છે ત્યારે લંડનના અવાજનું મહત્ત્વ હોવું જોઈએ.

હવે લંડનમાં વધુ ભારતીય રોકાણો આવશે?

યુકે-ભારત અને ભારત-લંડનના સંબંધો મજબૂત છે. મહાત્મા ગાંધી, પંડિત નહેરુ અને ડો. બી.આર. આંબેડકર સહિતના ભારતીય નેતાઓએ લંડનમાં અભ્યાસ કર્યો છે. આમ, લંડન અને ભારત વચ્ચે ઐતિહાસિક કડીઓ મજબૂત છે. યુકેમાં રોકાણો કરનારા દેશોમાં ભારત હવે સૌથી મોટા બીજા દેશના ક્રમે છે. આપણે સંબંધો આગળ લઈ જવાના છે. સ્ટલિંગની કિંમત ઘટવા સાથે વિદેશી રોકાણકારો માટે યુકે વધુ આકર્ષક બન્યું છે.

તમે સાદિક ખાનના બિઝનેસ એડવાઈઝર રહ્યા છો. તમે તેમને શું સલાહ આપી છે?

સાદિક મૂલતઃ બિઝનેસતરફી છે, જેનાથી મારું કાર્ય સરળ રહ્યું હતું. સલાહ મુખ્યત્વે બિઝનેસ નીતિઓ સંબંધિત હતી. મેયર પ્રચાર અભિયાનમાં અમારી પ્રોડક્ટ સાદિક ખાન હતી. ડેપ્યુટી મેયર તરીકે મારી પાસે લંડન નામની મહાન પ્રોડક્ટ છે. આમ મારું કાર્ય સરળ છે.

સાદિક ખાને બ્રેક્ઝિટની આર્થિક અસરોમાંથી બચવા લંડન માટે વધુ સત્તા માગી છે. તમારું શું માનવું છે?

લંડન દેશનું આર્થિક એન્જિન છે. ટેક્સ રેવન્યુનો ત્રીજો હિસ્સો લંડનમાંથી આવે છે. અહીં સંખ્યાબંધ ઉદ્યોગો અને એમ્પ્લોયર્સ છે, જેમને બ્રેક્ઝિટ પછી ભય લાગે છે. સાદિક ખાને રેફરન્ડમ અગાઉ લંડનમાં રહેતા ઈયુ નાગરિકો અહીં રહી શકે તેવી ખતરી વડા પ્રધાન મે પાસે માગી છે. લંડનનો આશરે ૨૦ ટકા વર્કફોર્સ યુરોપમાંથી આવે છે. એશિયન સમુદાયના ઘણા લોકો હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં છે. આ બધાના રક્ષણ માટે આપણને વધુ સ્વાયતતા, સત્તા જોઈશે.

ઈયુ વાટાઘાટોમાં લંડનના અવાજના મુદ્દે તમે વધુ પ્રકાશ પાડશો?

હું બિઝનેસીસ, બિઝનેસ લીડર્સ અને ઔદ્યોગિક સંગઠનો સાથે વાત કરતો રહ્યો છું. લંડનને વધુ સ્વાયતતા મળે તેનો કોઈએ વિરોધ કર્યો નથી. ઈયુ વિશે કોઈ પણ વાટાઘાટોમાં લંડનને વધુ સત્તા સાથે સ્થાન મળવું જોઈએ.

લંડનને સ્વતંત્ર નગર-રાષ્ટ્ર જાહેર કરવા વિશે શું માનો છો?

ઈયુમાં હોઈએ કે નહિ, લંડન યિરોપિયન સિટી છે અને રહેશે. આપણે લંડન, તેના અર્થતંત્ર અને નોકરીઓનું રક્ષણ કરવા માગીએ છીએ. લંડનની વસ્તીનો ત્રીજો હિસ્સો યુકેની બહાર જન્મેલો છે. અહીં ૨૩૦ ભાષા બોલાય છે. તે વિશાળ કોસ્મોપોલિટન સિટી છે. આથી, લંડનને ગ્લોબલ સિટી તરીકે ગણવામાં આવે તે જ મહત્ત્વનું છે. લંડનના રક્ષણ માટે જ અમે વધુ સત્તા માગીએ છીએ.

જીવનમાં તમારી ફિલોસોફી શું છે?

એક સફળ એન્ટ્રેપ્રીન્યોર તરીકે મને ઘણી વખત પૂછવામાં આવે છે કે-તમે શા માટે ચેરિટીઝ, રાજકારણ અને એવી બધી બાબતોમાં સંકળાયેલા રહો છો? આરામથી તમારી કમાણીને ભોગવતા શા માટે નથી? હું માનું છું કે તમે પોતાના માટે જે કાંઈ કરો છો, તેનો તમારા સાથે જ અંત આવે છે. તમે બીજા માટે જે કરો છો તે હંમેશાં રહે છે. આથી, આપણે કોમ્યુનિટી અને અન્યો માટે જે કરીએ તેનું જ મહત્ત્વ છે. દૃઢ નિર્ધારનું પણ મહત્ત્વ છે કારણકે માર્ગમાં તમારે અસંખ્ય નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. નિષ્ફળતાથી અટકી ન જઈએ તે પ્રગતિ માટે આવશ્યક છે.

આતંકવાદ સામે લંડન સિટી કેટલું સલામત ગણાય?

ફ્રાન્સમાં જે થયું તે ભયાનક છે. હું તેની નિંદા કરું છું. આ ત્રાસવાદી હુમલાઓ ક્રુર અને અમાનવીય છે. લંડન વૈશ્વિક નગર હોવાથી સલામતી વધુ મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ ગ્લોબલ શહેરે આવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. સાદિક ખાન સલામતી-સુરક્ષાની સતત સમીક્ષા કરતા રહે છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું રહે છે.

બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના લોકોને તમે શું સલાહ આપશો?

ખરેખર, આ કોઈ સલાહ નથી. બ્રિટન મહાન રાષ્ટ્ર અને લંડન મહાન નગર છે. આ આપણું ઘર છે અને આપણે તેની સાથે સારી રીતે જોડાયેલાં છીએ. એશિયન કોમ્યુનિટીની સામાજિક ગતિશીલતા અદ્ભૂત છે. આપણી કોમ્યુનિટીના લોકો ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં કેવી રીતે અહીં આવ્યાં અને પોતાનું સ્થાન બનાવ્યું. આ જ દર્શાવે છે કે કોઈ પણ કોમ્યુનિટી સખત પરિશ્રમ, દૃઢ નિર્ધાર અને પ્રામાણિકતાથી આગળ આવી શકે છે. એશિયન કોમ્યુનિટી માત્ર ચેરિટી કાર્યમાં જ નહિ, શિક્ષણ, સિટી અને રાજકારણમાં પણ સક્રિય છે. જોકે, વધુ લોકો તેમાં સંકળાય તે મને ગમશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter